People are praising the bravery of the Rajkot student
હિંમતને સલામ /
ડ્રાઈવરને ઍટેક આવ્યો કે તરત જ દીકરીએ બસ સંભાળી બચાવ્યા જીવ, કહ્યું માતા-પિતાના આશીર્વાદથી બધુ થતું હોય
Team VTV02:55 PM, 05 Feb 23
| Updated: 03:37 PM, 05 Feb 23
રાજકોટમાં ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા તેઓ સ્ટિયરિંગ પર ઢળી પડ્યા હતા. તે સમયે બસમાં બેઠેલી વિદ્યાર્થિનીએ હિંમત દાખવી સ્ટિયરિંગ સંભાળી લીધું હતું અને મોટી દુર્ઘટના ટળી હતી.
રાજકોટમાં ચાલુ બસે ડ્રાઈવરને આવ્યો હાર્ટએટેક
ડ્રાઈવરને હાર્ટએટેક આવતા વિદ્યાર્થિનીએ સંભાળ્યું સ્ટેરિંગ
ધોરણ 12ની વિદ્યાર્થિનીએ સ્ટિયરિંગ સંભાળતા મોટી દુર્ઘટના ટળી
વિદ્યાર્થિનીએ VTV સમક્ષ જણાવી સમગ્ર ઘટના
રાજકોટમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની બહાદુરીના લોકો ઘણા વખાણ કરી રહ્યા છે. કારણે આ વિદ્યાર્થિની હિંમતના કારણે જ ગતરોજ એક મોટી દુર્ઘટના બનતા ટળી હતી. વાસ્તવમાં રાજકોટમાં ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટએટેક આવ્યો હતો. જે બાદ બસમાં સવાર એક વિદ્યાર્થિનીએ ગજબ સ્ફૂર્તિ બતાવી હતી અને હિંમતભેર બસનું સ્ટિયરિંગ સંભાળી લેતા મોટી દુર્ઘટના ટળી હતી. સૌ કોઈ વિદ્યાર્થિનીએ દાખવેલી સમયસૂચકતાને બિરદાવી રહ્યા છે. આ મામલે બહાદુર વિદ્યાર્થિનીએ VTVને સમગ્ર ઘટના વિગતવાર જણાવી છે.
મેં બસ થાંભલા સાથે અથડાવી દીધીઃ ભાર્ગવી
વ્યાસ ભાર્ગવી નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, એસ્ટ્રોન ચોકથી હું બસમાં બેઠી હતી, જે બાદ હું ડ્રાઈવર સાથે વાત કરી રહી હતી. આ દરમિયાન નાણાવટી નાગરિક બેંક પાસે ડ્રાઈવરને હાર્ટએટેક આવ્યો. પછી મને એટેક જેવું લાગ્યે એટલે એટલે મેં પૂછ્યું દાદા શું થયું? પણ તેઓ કંઈ બોલ્યા નહીં. જે બાદ હું તેમને અડી તો તેઓએ બસના સ્ટિયરિંગ પર માથું ઢાળી દીધું હતું. બાદ મેં વિચાર્યું કે મને કંઈ થાય તો વાંધો નહીં પણ અંદર બેઠેલા મુસાફરો અને રાહદારીઓને કંઈ ન થવું જોઈએ જેથી મેં બસ રોન્ગ સાઈડમાં ચલાવીને સબસ્ટેશનના થાંભલા સાથે અથડાવી દીધી હતી, જેથી બસ ઊભી રહી ગઈ. જે બાદ મેં ચાવી જ બંધ કરી દીધી. બાદમાં આસપાસના લોકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવી લીધી હતી. જે બાદ ડ્રાઈવરને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. તેણીએ વધુમાં જણાવ્યું કે, માતા-પિતાના સંસ્કારથી જ આપણે આગળ વધી શકીએ. માતા-પિતાના આશીર્વાદથી જ બધું થતું હોય છે.
ભાર્ગવી વ્યાસ (વિદ્યાર્થિની)
'અમારા પરિવારને ભાર્ગવી પ્રત્યે ખૂબ જ ગર્વ'
ભાર્ગવીની માતાએ જણાવ્યું કે, મારો પહેલેથી એવો વિચાર હતો કે ભલે મારે દીકરી છે, પણ હું એને એક દીકરો બનાવીને આગળ વધારીશ. એટલે પહેલેથી જ અમારા પરિવારજનોએ ભાર્ગવીને દીકરો બનાવીને રાખી છે. ભાર્ગવીમાં એવું ટેલેન્ટ છે કે તે કોઈ પણ નાની-મોટી સમસ્યા જાતે ઉકેલી શકે છે. પણ આટલું મોટું કરી શકે એ અમને ખબર નહોતી. અમારા પરિવારને તેના પ્રત્યે ખૂબ જ ગર્વ છે.
વિદ્યાર્થિનીની માતા
શું બની હતી ઘટના?
ગોંડલ રોડ પર સત્ય વિજય આઈસ્ક્રીમની નજીકથી ભરાડ સ્કૂલની બસ પસાર થઈ રહી હતી. બરાબર આ સમયે આ બસના ડ્રાઈવર હારુનભાઈ ખીરાણીને અચાનક હાર્ટએટેક આવતા તેમણે સ્ટિયરિંગ પરથી પોતાનો કાબૂ ગુમાવ્યો હતો. આ સમયે નજીકમાં બેઠેલી એક વિદ્યાર્થીનીએ ગભરાઈ જવાને બદલે ગજબની હિંમત દાખવી હતી અને આ વિદ્યાર્થિનીએ તાત્કાલિક બસનું સ્ટિયરિંગ બીજી દિશામાં ફેરવી દીધું હતું. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
ઘટનાને નજરે જોનાર વિજયભાઈએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીએ દાખવેલી આ સમયસૂચકતાને કારણે સ્કૂલ બસ નજીકનાં વીજપોલ સાથે અથડાઈ બંધ થઈ ગઈ હતી. ઘટનાને પગલે સ્થાનિકો મોટી સંખ્યામાં દોડી ગયા હતા અને પોલીસ તેમજ 108ને જાણ કરવામાં આવી હતી. જેને લઈને દોડી ગયેલી 108 એમ્બ્યુલન્સ દ્વારા બસના ડ્રાઈવર હારુનભાઈ ખીરાણીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા અને પોલીસે બસમાં રહેલા છાત્રોને તેમના ઘર સુધી પહોંચાડી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.