Peanuts oil cans price hiked by Rs 30 in a single day
જનતાને ઝટકો /
મોંઘવારીએ તો ભારે કરી: ગુજરાતમાં ફરી સિંગતેલના ભાવ ભડકે બળ્યા, માત્ર એક દિવસમાં ડબ્બે ઝીંકાયો આટલાનો વધારો
Team VTV08:00 AM, 01 Feb 23
| Updated: 08:04 AM, 01 Feb 23
મધ્યમવર્ગની મુશ્કેલીઓમાં એક પછી એક વધારો થતો જઇ રહ્યો છે. મગફળીની આવક છતાં સિંગતેલના ડબ્બાના ભાવમાં ભડકો થયો છે. એક જ દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 30નો વધારો થયો છે.
સિંગતેલના ભાવ ભડકે બળ્યા
સિંગતેલમાં રૂપિયા 30નો વધારો
મગફળીની આવક છતાં ભાવ વધ્યા
મોંઘવારીનો માર વધી રહ્યો છે. ગૃહિણીઓએ ઘર સંભાળવાનું મુશ્કેલ બન્યું છે. દૂધ, કઠોળ, શાકભાજી સહિત તમામ વસ્તુઓના ભાવમાં વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે હવે ફરી એકવાર તેલના ભાવમાં ભડકો થતાં મહિલાઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. લગ્નગાળાની સિઝન વચ્ચે એક જ દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 30નો વધારો થયો છે. મગફળીની ખરીદી હજુ ચાલુ હોવા છતાં સિંગતેલના ભાવમાં વધારો થયો છે.
તેલના ડબ્બાના ભાવમાં રૂ. 30નો વધારો
મોંઘવારીથી પીસાતી પ્રજાને વધુ એક કમરતોડ ઝટકો મળ્યો છે. ખાદ્યતેલના ભાવોમાં વધારો થતાં લોકોને 'જાયે તો જાયે કહા' જેવી સ્થિતિનો અનુભવ થઇ રહ્યો છે. મગફળીની આવક છતાં સિંગતેલના તેલના ડબ્બાના ભાવમાં રૂ.30નો વધારો થયો છે. જેથી સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2770થી વધીને રૂ. 2800 પહોંચ્યો છે.
પ્રતિકાત્મક તસવીર
છેલ્લા એક મહિનામાં 100 રૂપિયાનો વધારો
મહત્વનું છે કે ગુજરાતમાં મગફળીની મબલખ આવક થઈ છે. ચાલું વર્ષે મગફળીનું 42 લાખ ટન ઉત્પાદન થયું હોવા છતાં પણ સિંગતેલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં સિંગતેલના ડબ્બામાં રૂપિયા 100નો વધારો થયો છે. ભાવ વધારાના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.
પ્રતિકાત્મક તસવીર
તૈયાર નાસ્તાની માંગ વધતા ભાવમાં થયો વધારો
નાસ્તાનાં પેકેટ-પડીકાની માગમાં વધારો થયો છે, જેના કારણે સિંગતેલનો વપરાશ અને માગ વધતાં ભાવ ઊંચકાઈ રહ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. હાલ રૂ 2800માં સિંગતેલનો ડબ્બો વેચાઈ રહ્યો છે. જ્યારે પામોલિન તેલના ડબ્બાની કિંમત 1600 રૂપિયા અને કપાસિયા તેલના ડબ્બાની કિંમત 2100 રૂપિયા છે.