અમદાવાદ ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રાને લઈ મોસાળવાસીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી, યજમાનનો યોજાયો ડ્રો, કુલ 9 યજમાનોના નામ વચ્ચે થયો હતો ડ્રો
ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રાને લઈ તૈયારીઓ શરૂ
146મી રથયાત્રાના યજમાન બન્યા ઘનશ્યામ પટેલ
કુલ 9 યજમાનોના નામ વચ્ચે થયો હતો ડ્રો
શાયોના ગ્રુપના યજમાનનું ડ્રો માં નામ ખુલ્યું
અમદાવાદ ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રાને લઈ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. રથયાત્રાને લઈ મોસાળવાસીઓએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહત્વનું છે કે, આ વર્ષે યોજાનાર 146મી રથયાત્રાના યજમાન ઘનશ્યામ પટેલ બન્યા છે. શાયોના ગ્રુપના યજમાનનું ડ્રો માં નામ ખુલ્યું હતું. તેઓ 10 વર્ષથી યજમાન મામેરાની રાહ જોતા હતા.
ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રાને લઈ યજમાનનો ડ્રો યોજાયો હતો. જેમાં કુલ 9 યજમાનોના નામ વચ્ચે ડ્રો થયો હતો. જેમાં શાયોના ગ્રુપના ઘનશ્યામ પટેલ ડ્રો દ્વારા ચીઠ્ઠીમાં યજમાન તરીકે જાહેર થયા હતા. આ તરફ હવે ભગવાનના મામેરાને લઈ યજમાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મહત્વનું છે કે, મામેરુ કરવા વર્ષોથી રાહ યજમાનો જોવે છે. આ સાથે યજમાન બનવા માટે બુકીંગ પણ એડવાન્સ થતા હોય છે.
શું કહ્યું સરસપુર રણછોડરાય મંદિરના ટ્રસ્ટીએ ?
આ તરફ સરસપુર રણછોડરાય મંદિરના ટ્રસ્ટી સુધીર બ્રહ્મભટ્ટ અને ઉમંગભાઈએ જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથની 146મી રથયાત્રામાં ભગવાનના મામેરા માટે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં મામેરાના યજમાન માટે અરજીઓ મંગાવવામાં આવતા 9 જેટલા લોકો દ્વારા મામેરું કરવા માટે નામ નોંધાવ્યા હતા.
ઘનશ્યામ પટેલ બન્યા યજમાન
આજે મંદિર ખાતે ટ્રસ્ટીઓની હાજરીમાં એક નાની દીકરી દ્વારા તમામ યજમાનોના નામની ચિઠ્ઠીમાંથી એક ચિઠ્ઠી ઉપાડી અને ડ્રો કરવામાં આવ્યો હતો. જેમાં મૂળ મેઘાણીનગરના અને હાલમાં થલતેજમાં રહેતા ઘનશ્યામ પટેલ યજમાન તરીકે જાહેર થયા હતા. જેથી 22 જૂનના રોજ યોજનારી ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રાના મામેરાના યજમાન તરીકે ઘનશ્યામ પટેલ રહેશે.