Team VTV08:17 AM, 31 Jan 23
| Updated: 09:01 AM, 31 Jan 23
આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં પોતાનું પ્રથમ અભિભાષણ આપશે. સત્ર દરમિયાન સરકારનું ધ્યાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ અને નાણાકીય વર્ષ 2023-24ના સામાન્ય બજેટ વગેરે પર સરળ રીતે ચર્ચા કરાવવા પર રહેશે.
આજથી સંસદના બજેટ સત્રનો થશે પ્રારંભ
13 ફેબ્રુઆરી સુધી ચાલશે બજેટ સત્રનો પ્રથમ તબક્કો
બજેટ સત્ર દરમિયાન 27 બેઠક થશે
આગામી નાણાકીય વર્ષ 2023-24નું સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરી 2023ના રોજ (આવતીકાલે) રજૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટને રજૂ કરશે. નરેન્દ્ર મોદી સરકારની બીજી ટર્મના અંતિમ સંપૂર્ણ બજેટથી સામાન્ય નાગરિકો અનેક આશાઓ-અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે. આવતીકાલે રજૂ થવા જઈ રહેલા બજેટ પર સામાન્ય લોકોથી માંડીને ઉદ્યોગપતિ સુધીના લોકોની નજર છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ
રાષ્ટ્રપતિ મુર્મુ બંને સદનને સંયુક્ત રીતે કરશે સંબોધન
આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે, આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં પોતાનું પ્રથમ અભિભાષણ આપશે. સત્ર દરમિયાન સરકારનું ધ્યાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ અને નાણાકીય વર્ષ 2023-24ના સામાન્ય બજેટ વગેરે પર નિર્ધારિત રીતે ચર્ચા કરાવવા પર રહેશે. બીજી તરફ વિરોધ પક્ષોએ અદાણી ગ્રુપ સાથે સંબંધિત વિષય, કેટલાક રાજ્યોમાં રાજ્યપાલોની કામગીરી, જાતિ આધારિત વસ્તીગણતરી, મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ પર સરકારને ઘરેવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. સત્ર દરમિયાન 31 જાન્યુઆરીએ જ સરકાર સંસદમાં આર્થિક સર્વે રજૂ કરશે.
નિર્મલા સીતારમણ ( કેન્દ્રીય નાણામંત્રી)
આવતીકાલે નાણામંત્રી રજૂ કરશે બજેટ
નાણામંત્રી 1 ફેબ્રુઆરી, 2023ના નાણાકીય વર્ષ 2023-24ના કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો તબક્કો 13 માર્ચથી શરુ થઈને 6 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્ર દરમિયાન 27 બેઠક થશે. સોમવારે સર્વદળીય બેઠકમાં સરકારે સ્પષ્ટ કર્યું કે, તે સંસદમાં નિયમોની અંતર્ગત દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે અને સદન સુચારુ રીતે ચલાવવામાં પણ તમામનો સહયોગ ઈચ્છે છે.
સરકાર સંસદમાં નિયમો અંતર્ગત દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર: પ્રહ્લાદ જોશી
સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં થયેલી સર્વદલીય બેઠક બાદ કહ્યું હતું કે, 'સરકાર સંસદમાં નિયમો અંતર્ગત દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે. અમે વિપક્ષના સહયોગની આશા રાખીએ છીએ.' તેઓએ કહ્યું હતું કે, આ બેઠકમાં 27 રાજકીય પાર્ટીઓના 37 નેતાઓએ ભાગ લીધો હતો.
વિપક્ષોએ ઉઠાવ્યો હતો આ મુદ્દો
સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં આમ આદમી પાર્ટીના સંજય સિંહ, રાષ્ટ્રીય જનતા દળના મનોજ ઝા સહિત ડાબેરી વગેરેએ અદાણી ગ્રુપ સાથે જોડાયેલ મુદ્દો ઉઠાવ્યો અને સંસદ સત્ર દરમિયાન તેના પર ચર્ચા કરવાની માંગ કરી હતી.