Parents allege discrimination against students admitted under RTE in Jetpur SPCG School
વિવાદ /
જેતપુરની SPCG સ્કૂલનું RTE હેઠળના વિદ્યાર્થીઓ સાથે ઓરમાયું વર્તન, બેસાડાય છે અલગ ક્લાસરૂમમાં, ટેબલેટથી પણ વંચિત
Team VTV09:45 AM, 09 Jun 22
| Updated: 09:54 PM, 09 Jun 22
જેતપુરની SPCG સ્કૂલમાં RTE હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થતો હોવાનો વાલીઓનો આક્ષેપ.
જેતપુરની SPCG સ્કૂલમાં જોવા મળી વ્હાલા દવલાની નીતિ
RTEમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને બેસાડાય છે અલગ ક્લાસમાં
સ્કૂલની વ્હાલા દવલાની નીતિથી વાલીઓમાં ઉગ્ર રોષ
જેતપુરની SPCG સ્કૂલમાં RTE હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થતો હોવાનું સામે આવ્યું છે. જેના લીધે વાલીઓ રોષે ભરાયા છે. સ્કૂલ મેનેજમેન્ટ RTE હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ સાથે ઓરમાયું વર્તન કરે છે. RTE હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને સ્કૂલમાં અલગ ક્લાસમાં બેસાડવામાં આવે છે. સાથે ટેબલેટ પણ આપવામાં આવ્યાં નથી. જ્યારે ફી ભરીને એડમિશન લેનારા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ટેબલેટ આપવામાં આવ્યા છે. જેથી વાલીઓએ સમાંતર શિક્ષણ આપવા માંગ કરી છે.
જેતપુર શહેરનાં જૂનાગઢ રોડ ઉપર આવેલી જી.કે.એન્ડ સી.કે કોલેજમાં આવેલ.SPCG સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા ગરીબ વાલીના બાળકો જે સરકારના નિયમો મુજબ RTE હેઠળ ભણી રહેલા છે તેવા વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે ચેડાં કરવાનો કિસ્સો સામે આવ્યો છે. જેથી આ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ વ્યાપ્યો છે.
RTEમાં ભણતા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક દ્વારા જ્ઞાન અપાય છે જ્યારે...
શહેરમાં ઈંગ્લિશ સ્કૂલમાં સરકારના નિયમો અનુસાર RTEમાં ભણતા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરતા હોવાનું સામે આવતા આજે વાલીઓએ આક્ષેપ કરતા કહ્યું કે, 'આ સ્કુલનું મેનેજમેન્ટ અને સ્કૂલના સ્ટાફ વિદ્યાર્થીઓ સાથે ઓરમાયું વર્તન કરતા હોવાનું સામે આવ્યું છે. જેમાં RTE નીચે ભણતા ગરીબ વાલીઓના બાળકોને સ્કૂલમાં નોખા ક્લાસરૂમમાં બેસાડવામાં આવી રહ્યાં છે. તેમજ સ્કૂલમાં ફી ભરતા વાલીઓએ વિદ્યાર્થીઓ માટે ટેબ્લેટ ખરીદી આપ્યા તેમાં ભણાવી રહ્યાં છે જ્યારે RTEમાં ભણતા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક દ્વારા જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. જેથી વિદ્યાર્થીઓનાં વાલીઓમાં રોષની લાગણી વ્યાપી છે તેમજ જો સ્કૂલ દ્વારા ઓરમાયું વર્તન રાખવામાં આવશે તો RTEમાં પ્રવેશ લીધેલા વિદ્યાર્થીઓના વાલીઓ એક સાથે સ્કૂલમાંથી દાખલાઓ રદ કરાવીને શિક્ષણમંત્રીના ટેબલ પર મૂકી દેવામાં આવશે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
RTEમાં ભણતા બાળકોને સ્કૂલમાં નોખા ક્લાસરૂમમાં બેસાડવામાં આવી રહ્યાં છે
આ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓનાં વાલીઓના કહેવા મુજબ આ સ્કૂલમાં RTEમાં ભણતા બાળકો સાથે ભેદભાવ અને ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. સ્કૂલમાં નોખા ક્લાસરૂમમાં બેસાડવામાં આવી રહ્યાં છે તેમજ આ સ્કૂલના મેનેજમન્ટનાં કહેવા પ્રમાણે ટેબ્લેટ આપવાની વાત કરી હતી તે આપ્યા નથી તેમજ આક્ષેપ કરતા કહ્યું કે સ્કૂલ મેનેજમન્ટ કહી રહ્યું છે કે આ સ્કૂલમાં RTEમાં ભણતા ગરીબ વિદ્યાર્થીઓમાં માનસિક પ્રતિભાઓમાં નિપૂર્ણતા ના હોય જ્યારે ફી ભરતા જે વિદ્યાર્થીઓ તેમાં પ્રતિભાઓમાં નિપુણતા હોય છે. જેથી વ્હલા દવલાની નીતિ રાખી રહ્યાં હોઈ તેવું કહી રહ્યાં છે. વાલીઓની માંગ છે કે ગરીબ વિદ્યાર્થીઓના બાળકોને સમાંતર શિક્ષણ આપવામાં આવે.
વિદ્યાર્થીઓને સમાતંર શિક્ષણ આપવા વાલીઓની માંગ
આમ, આ સ્કૂલમાં ભણતા ગરીબ વિદ્યાર્થીઓ વાલીઓના કહેવા પ્રમાણે એક જ માંગ છે કે સ્કૂલમાં RTEમાં પ્રવેશ આપેલ વિદ્યાર્થીઓને જે અલગ ક્લાસમાં બેસાડવામાં આવી રહ્યાં છે તેમની જગ્યાએ એકસરખું જ જ્ઞાન આપવામાં આવે તેવી માંગ ઉચ્ચારી રહ્યાં છે.