Paperleak scandal: Yuvraj Singh Jadeja announces agitation with Asit Vora's demand for resignation
એલાન-એ-જંગ /
પેપરલીક કાંડ : મહેશ સવાણી કાલે તોડશે ઉપવાસ, બીજી બાજુ યુવરાજસિંહે સરકારને આપી મોટી ચીમકી
Team VTV09:07 PM, 28 Dec 21
| Updated: 09:25 PM, 28 Dec 21
અસિત વોરાના રાજીનામાંની માગ સાથે બે દિવસ બાદ મોટા આંદોલનની યુવરાજસિંહની જાહેરાત, મહેશ સવાણીને ઉપવાસ તોડવા યુવરાજસિંહે કરી વિનંતી
અસિત વોરાના રાજીનામાંની માગ સાથે આંદોલનનું એલાન
સરકાર ટસની મસ ન થઈ
યુવરાજસિંહ હવે દુખતી નસ પકડશે
એક બાજુ જ્યાં યુવરાજ સિંહ સહિતનાં નેતા અસિત વોરા સામે આરોપો લગાવી રહ્યા છે અને તપાસ માટે તેમને પદ પરથી દૂર કરવા માટે માંગ કરવામાં આવી રહી છે ત્યારે સરકારને અસિત વોરા પર પૂરો વિશ્વાસ હોય તેવું લાગી રહ્યું છે. વિપક્ષ પણ એક સૂરે અસિત વોરા પર રાજીનામું આપે અથવા સરકાર તેમણે બરખાસ્ત કરે તેવી માંગ કરી રહ્યું છે. પણ હજુ સુધી સરકાર સમગ્ર બાબતે ટસની મસ ન થતાં AAP નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકારને 2 દિવસનું અલ્ટિમેટ આપતા કહ્યું છે કે સરકાર અસિત વોરાનું રાજીનામુ નહીં લે તો મોટુ આંદોલન થશે.
બે દિવસ બાદ રોડ પર ઉતરીને અમે આંદોલન કરીશું-યુવરાજસિંહ
AAP નેતા યુવરાજસિંહ જાડેજાનું સરકારને ચેતવણી આપતા સૂરે કર્યું છે કે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા રાજીનામું નહિ આપે તો મોટા પાયે બે દિવસ બાદ ગુજરાત ભરમાં આંદોલનો થશે.અસિત વોરા શંકાના દાયરામાં છે જેથી બે દિવસ પછીનું અમારૂ આંદોલન મહત્વનું હશે. ના છૂટકે હવે અમે રોડ પર ઉતરીને આંદોલનનો રસ્તો પકડી શું. વધુમાં આંદોલન વિશે માહિતા આપતા કહ્યું હતું કે અમે સિગ્નેચર અભિયાન ચલાવીશું, અસિત વોરા પદ પર છે ત્યાં સુધી સરકારને પુરાવા નહીં મળે આથી સીટની રચના થવી જરૂરી છે.
મહેશ સવાણી અને ગુલાબ સિંહ ઉપવાસ તોડશે
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે હોસ્પિટલમાં દાખલ મહેશ સવાણીના ખબર અંતર પૂછ્યા હતા. જે બાદ મીડીયાને સંબોધન કરતાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓના હિત માટે મહેશભાઈ ઉપવાસ છોડે તેવી અમે વિનંતી કરી છે. વિદ્યાર્થીના હિત માટે મહેશ સવાણી લડી રહ્યાં છે, દરેક યુવાન આગળ આવે અને લડાઇ લડે. યુવરાજસિંહના મનાવવા બાદ તેમજ બે દિવસમાં આંદોલન કરવાની જાહેરાત બાદ હોસ્પિટલમાં એડમિટ સવાણી ઉપવાસ તોડવા પર રાજી થયા છે. આવતીકાલે 11 વાગ્યે મહેશ સવાણી અને ગુલાબ સિંહ ઉપવાસ તોડશે.
સોશિયલ મીડિયા પર ઉમેદવારો માંગી રહ્યા છે અસિત વોરાનું રાજીનામું
ગુજરાતની સરકારી પરીક્ષાની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારોએ જાણે સોશિયલ મીડિયાના સહારે આંદોલનનું બ્યૂગલ ફૂંકી દીધું છે. ટ્વીટર પર #Resign_Asitvora જોરદાર રીતે ટ્રેન્ડ થઈ રહ્યું છે. ટ્વીટર પર ઉમેદવારો અસિત વોરાનું રાજીનામું માંગી અલગ અલગ મીમ મૂકી રહ્યા છે. પેપરલીક કાંડમાં અસિત વોરાના રાજીનામાની માગ થઇ રહી છે. ત્યારે બે દિવસ પહેલા ટ્વીટર પર #Resign_Asitvora નામે લાખો ટ્વીટ થતાં ગાંધીનગર સુધી ઉમેદવારોનો મૂડ પહોંચ્યો હોય તેવો અંદેશો લાગી રહ્યો છે.