pankaj kumar dr. rajeev gupta are big names who can become new chief secretery of gujarat
સાહેબ વાત મળી છે /
મહામારીની વચ્ચે ગુજરાતમાં આગામી મુખ્ય સચિવની હરિફાઈમાં આ ત્રણ નામો મોખરે
Team VTV03:18 PM, 04 Jun 20
| Updated: 04:25 PM, 06 Oct 20
ગુજરાત રાજ્ય કોરોના સંકટથી પસાર થઇ રહ્યું છે ત્યારે ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમને છ મહિનાનું વધારાનું ઍક્સ્ટેન્શન મળે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. જોકે તેમની જગ્યાએ રાજ્યમાં નવા મુખ્ય સચિવ બનવાની રેસમાં ગુજરાતમાંથી બે અને દિલ્હીના એક અધિકારીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે, જોકે ગુજરાતનાં વહીવટીતંત્રની હાલની પરિસ્થિતિને જોતા અંતિમ નિર્ણય દિલ્હીથી જ લેવાય તેવી પ્રબળ શક્યતા છે.
સ્વચ્છ છબી અને દિલ્હીથી નિકટ સંબંધોનાં કારણે અનિલ મુકીમને મળી શકે ઍક્સ્ટેન્શન
ગુજરાતમાંથી પંકજ કુમાર અને ડૉ. રાજીવ ગુપ્તા વચ્ચે હરીફાઈ
દિલ્હીથી નિમણુક થાય તો ગુરુપ્રસાદ મોહાપાત્રા આગળ
દિલ્હીથી નિકટ સંબંધોનો અનિલ મુકીમ મળશે ફાયદો :
ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમને છ મહિનાનું વધારાનું ઍક્સ્ટેન્શન મળે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. રાજ્યમાં ઉચ્ચ અધિકારીઓ વચ્ચે પહેલેથી જ એક સ્પર્ધા ચાલી રહી છે ત્યારે પોતાની સ્વચ્છ છબી અને દિલ્હીથી નિકટ સંબંધોનાં કારણે હાલનાં રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમને છ મહિનાની વધારાની મુદત મળી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે. નોંધનીય છે કે અનિલ મુકીમનો કાર્યકાળ ઓગસ્ટ મહિનામાં સમાપ્ત થઇ રહ્યો છે ત્યારે ત્રણ મહિના પહેલા જ તેમના કાર્યકાળને લંબાવવાનું નક્કી કરાઈ દેવાય તેવી શક્યતા છે.
હાલના મુખ્ય સચિવ અનિલ મુકીમ
ગુજરાત કૅડરના 1985 બૅચના IAS અધિકારી અને હાલના મુખ્ય સચિવ અનિલ મુકીમ આ વર્ષના ઓગસ્ટમાં વયમર્યાદાને આધારે નિવૃત્ત થઈ રહ્યાં છે. પરંતુ તેમનો કાર્યકાળ ઓગસ્ટથી વધીને ફેબ્રુઆરી 2021 એટલે કે 6 મહિના વધવાની શક્યતા મજબૂતપણે લાગી રહી છે.
આ નામો સૌથી વધુ આગળ :
અનિલ મુકીમના સ્થાને રાજયનાં નવા મુખ્ય સચિવની રેસમાં 1986ની બેચના અધિક મુખ્ય સચિવ (મહેસૂલ) પંકજ કુમાર, અધિક મુખ્ય સચિવ ( ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ) Dr.રાજીવ કુમાર ગુપ્તા, અધિક મુખ્ય સચિવ (શ્રમ અને રોજગાર) વિપુલ મિત્ર જેવા અધિકારીઓ તથા ભારત સરકારની DIPP ( Department of industrial policy internal trade )ના ગુરુપ્રસાદ મોહાપાત્રા આગળ છે. જોકે આ જ બેચનાં બે અધિકારીઓ અધિક મુખ્ય સચિવ ( ગૃહ ) સંગીતા સિંઘ અને ભારત સરકારનાં ફાર્માસ્યુટિકલ્સનાં પીડી વાઘેલા ડિસેમ્બર પહેલાં નિવૃત્ત થઇ રહ્યા છે જેથી તેમનું નામ આ રેસમાં આવે તેમ નથી.
એટલે જોવા જઈએ તો રાજ્યનાં મુખ્ય સચિવ બનવા માટેની મુખ્ય હરિફાઈ પંકજ કુમાર, ડૉ. રાજીવ ગુપ્તા અને ગુરુપ્રસાદ મોહાપાત્રા વચ્ચે છે.
ગુરુપ્રસાદ મોહાપાત્રા
કેન્દ્ર પોતાનો અધિકારી મુકે તો ગુરુપ્રસાદ મોહાપાત્રા પર કળશ ઢોળાય તેવી શક્યતા
જો કેન્દ્ર ગુજરાતમાં વહીવટ માટે પોતાનો અધિકારી મુકે તો રાજ્યનાં નવા મુખ્ય સચિવ તરીકે મોહાપાત્રાની વરણી થઇ શકે છે. મોહાપાત્રાનો કાર્યકાળ એક વર્ષનો રહી શકે છે કારણ કે માર્ચ 2021થી માર્ચ 2022ની વચ્ચે નિવૃત્ત થવાના છે. જ્યારે પંકજ કુમાર અથવા રાજીવ ગુપ્તા ચીફ સેક્રેટરી બને છે તો બંનેમાંથી કોઈનો પણ મે 2022 સુધી કાર્યકાળ રહેશે.
ડૉ. રાજીવ ગુપ્તા ( ડાબે )
સંકટ સમયમાં ડૉ.ગુપ્તાને અમદાવાદ શહેરનો હવાલો સોંપાયો
ડો ગુપ્તા અધિક મુખ્ય સચિવ (પર્યાવરણ અને વન) છે અને સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL)ના એમ.ડી તરીકે વધારાનો હવાલો પણ તેમની પાસે છે. તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટની પણ દેખરેખ રાખી રહ્યા છે અને PM મોદીની ખૂબ નજીક હોવાના ગણાય છે.COVID-19ની મહામારીમાં અમદાવાદ જ્યારે સંકટથી ઝઝૂમી રહ્યું છે તેવામાં રોગચાળાને નાથવા ખાસ કરીને ડૉ.ગુપ્તાને અમદાવાદ શહેરનો હવાલો સોંપાયો હતો. આ મહામારીને પહોંચી વળવા તેઓ AMCની કામગીરીનું નિરીક્ષણની સાથે માર્ગદર્શન આપી રહ્યાં છે.
ડૉ. ગુપ્તા લઇ રહ્યા છે શ્રેય
રાજ્યામાં કોરોના સંકટ વચ્ચે જ્યાં એક તરફ કોરોના કેસની સંખ્યા બેકાબૂ થઇ રહી હતી ત્યારે રોગચાળાને રોકવાના પ્રયત્નો માટે પંકજકુમારને આરોગ્ય વિભાગના માર્ગદર્શન અને દેખરેખની જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદ શહેર કોરોના વાયરસના કેસનું એપીસેન્ટર બન્યું છે, શહેરમાં અધિકારીઓની વરણી બાદથી ડૉ. ગુપ્તાની મીડિયા સમજશક્તિ વધારે હોવાથી અમદાવાદ શહેરમાં મહામારીને રોકવાના પ્રયત્નો માટેનો શ્રેય પોતે લઇ રહ્યા છે. કોરોનાના કારણે અમદાવાદમાં 900થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
CM રૂપાણીની સાથે પંકજ કુમાર
પંકજ કુમારે મૌન રહીને કામ કરવાનું ચાલુ રાખ્યું
બીજી તરફ પંકજ કુમારે અલગ જ રણનીતિ અપનાવી હોય તેવું લાગી રહ્યું છે, મીડિયાની ઝગમગાટથી દૂર પંકજ કુમાર મૌન રહીને કામ પર ધ્યાન આપી રહ્યા છે. જોકે મહેસુલ વિભાગ હોય કે સ્વાસ્થ્ય વિભાગ વાવાઝોડાથી લઈને પૂરની પરિસ્થિતિમાં તેમણે કરેલા કાર્યની ખૂબ નોંધ લેવામાં આવી છે. આવામાં આટલા મજબૂત દાવેદારોના કારણે રાજયના આગામી મુખ્ય સચિવની પસંદગી કરવી અતિ મુશ્કેલ સાબિત થશે તેવું દેખાઈ રહ્યું છે.
દિલ્હીથી જ નિર્ણય લેવાય તેવી શક્યતા
આવનાર સમયમાં જોવાનું રહેશે કે રાજ્યનાં વહીવટીતંત્રને સાંભળવા માટે નવા મુખ્ય સચિવની પસંદગી રાજ્યમાંથી જ કરવામાં આવે છે કે પછી કેન્દ્રથી પેરાશુટ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં મહામારીના સમયમાં વ્યવસ્થા કરવામાં અધિકારીઓની ભૂલો, ત્વરિત નિર્ણય લેવામાં અસમર્થતાને જોતા તેમ જ રાજ્યમાં કોરોના વાયરસ કેસનાં આંકડાઓ પણ દેશભરમાં અગ્રેસર રહ્યા છે ત્યારે રાજ્યમાં મુખ્ય સચિવની નિમણુક કરવામાં દિલ્હી અંતિમ નિર્ણય લેશે.
મહત્વનું છે કે રાજ્યના અધિકારીઓના બોસ બનવા માટેની આ અધિકારીઓ વચ્ચેની હરિફાઈ પર કૉર્પોરેટ જગત, રાજકારણીઓ અને સચિવો ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યાં છે.