Panga Movie Review: Kangana Ranaut Is Absolute Perfection In This role
ફિલ્મ રિવ્યૂ /
કંગનાની જબરદસ્ત એક્ટિંગ અને દરેક મહિલા માટે પ્રેરણાદાયી આ ફિલ્મ તમારા દિલમાં એક અમિટ છાપ છોડશે
Team VTV11:44 AM, 24 Jan 20
| Updated: 11:47 AM, 24 Jan 20
'હું એક માં છું અને માંના કોઈ સપના નથી હોતા.' અશ્વિની ઐયર તિવારીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'પંગા'ના આ ડાયલોગ સાથે એ દરેક મહિલા પોતાની જાતને જોડી શકશે, જે ઘર-પરિવાર અને બાળકો માટે પોતાના સપના અને ઓળખ ભૂલાવી દે છે. ફિલ્મમાં વધુ એક ડાયલોગ છે, જેમાં હિરોઈન પોતાના પતિને કહે છે, તને જોઉં છું તો બહુ ખુશી થાય છે આને (દીકરા)ને જોઉં છું તો ખુશી થાય છે પણ મારી જાતને જોઉં છું તો ખુશી નથી થતી. બસ પછી હિરોઈનના અસ્તિત્વની જંગ અને તેમાં પોતાને શ્રેષ્ઠ સાબિત કરવાનું સંઘર્ષ શરૂ થાય છે
જયા નિગમ (કંગના રણૌત) એક સમયે કબડ્ડીની નેશનલ પ્લેયર અને કેપ્ટન રહી ચૂકી હોય છે. હવે તે ફક્ત 7 વર્ષના પુત્ર આદિત્યની માતા અને પ્રશાંતની પત્ની છે. જયા પોતાની નાનકડી દુનિયામાં ખુશ છે. કબડ્ડીએ તેને રેલ્વેની નોકરી અપાવી છે. બધું બરાબર ચાલી રહ્યું છે પણ એક દિવસ તેનો દિકરો તેને કબડ્ડીમાં કમબેક કરવાની પ્રેરણા આપે છે. પહેલાં તો તે તૈયાર નથી થતી પણ પછી તેના અધૂરા સપના પૂરા કરવા તે ઈન્ડિયાની નેશનલ ટીમમાં કમબેક કરે છે. આ સફરમાં તેનો પતિ અને દિકરો તેનો સાથ આપે છે. તેની માતા (નીના ગુપ્તા), બેસ્ટ ફ્રેન્ડ મીનૂ (રિચા ચઢ્ઢા) જે કબડ્ડી કોચ અને બેસ્ટ પ્લેયર હોય છે તે પણ તેને સપોર્ટ કરે છે.
ડિરેક્શન
ડિરેક્ટર તરીકે અશ્વિની ઐયર તિવારીની ખૂબી એ છે કે, તેમણે ભોપાલ જેવા નાના શહેરની નોકરી કરતી મહિલા અને તેના માધ્યમથી મધ્યમ વર્ગના પરિવારને પડદા પર જે બારીકીઓ સાથે દર્શાવી છે તે ફિલ્મની સ્ટોરીને બળ આપે છે. ફિલ્મમાં મહિલા સશક્તિકરણની વાત કરવામાં આવી છે. ફિલ્મમાં અશ્વિની પંગાના માધ્યમથી કહેવા માંગે છે કે દરેક સ્ત્રીને પોતાની ચોઈસથી પંગો લેવાનો અધિકાર આપવામાં આવવો જોઈએ.
ફિલ્મનો ફર્સ્ટ હાફ થોડો લાંબો છે પણ સેકન્ડ હાફમાં સ્ટોરી ઝડપથી આગળ વધે છે. અશ્વિનીએ સંબંધોની આંટીઘૂટી સાથે કબડ્ડી જેવી રમતમાં પણ થ્રિલ પણ જાળવી રાખ્યું છે. નિખિલ મલ્હોત્રા અને અશ્વિની ઐયર તિવારીના લખેલા સંવાદ એકદમ દિલમાં ઉતરે એવા છે. જય પટેલની સિનેમેટોગ્રાફી પણ વખાણવા લાયક છે. બલ્લૂ સલૂજાએ ફિલ્મનું ધારદાર એડિટિંગ કર્યું છે. શંકર-અહેસાન-લોયનું સંગીત વિષયને અનુરૂપ છે.
એક્ટિંગની વાત કરીએ તો કંગના રણૌતે જયા નિગરના પાત્રને એફર્ટલેસ અને ફ્લોલેસ રીતે ભજવ્યું છે. તેના કપડા હોય કે બોડી લેંગ્વેજ, બધું જ તેના પાત્રમાં એકદમ પર ફિટ બેસે છે. ઈમોશનલ દૃશ્યોમાં કંગના મેલોડ્રામા કરવાને બદલે એ રીતે એક્ટિંગ કરે છે કે દર્શકોની આંખો ભીની થયા વિના નથી રહેતી. હાઉસવાઈફ અને કબડ્ડી પ્લેયર બંને પાત્રમાં તેણે કમાલ દેખાડ્યું છે. રિચા ચઢ્ઢાની પણ એક્ટિંગ સારી છે. બિહારી એક્સેન્ટના ડાયલોગ્સ અને બોડી લેંગ્વેજ ભરપૂર મનોરંજન કરશે. જસ્સી ગિલે પણ સારું અભિનય કર્યું છે. તેની અને કંગનાની જોડી સારી લાગે છે. નીના ગુપ્તાની એક્ટિંગ પણ દર્શકોના દિલમાં છાપ છોડી જાય છે.
આ ફિલ્મ પ્રેરણાદાયી તો છે જ, સાથે જ દરેક મહિલા સાથે કનેક્ટ કરે એવી આ ફિલ્મ બિલ્કુલ મિસ ન કરવી. એકવાર આ ફિલ્મ અચૂક જોવી, મનોરંજનની સાથે આ ફિલ્મ જીવનને ફરી જીવંત કરવાની પ્રેરણા પણ આપે છે.