બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / પાલનપુરમાં બિરાજે કંથેરીયા હનુમાન, નવાબી શાસનમાં મંદિરની સ્થાપના, બજરંગબલી સ્વયંભૂ પ્રગટ
Last Updated: 06:19 AM, 30 November 2024
પાલનપુરમાં અતિ પૌરાણિક કંથેરીયા હનુમાનજીનુ મંદિર આવેલુ છે. દાદાના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા નવાબી શાસન દરમિયાન થઈ હતી. કંથરનાં ઝાડ નીચે તપ કરનાર સાધુ મહાત્માનાં દર્શન માત્રથી નવાબની દીકરી રક્તપિતના રોગમાંથી મુક્ત થઈ હતી. કંથરનુ ઝાડ હતુ ત્યાં હાલ કંથેરિયા હનુમાનજીનું મંદિર છે અને તે જગ્યાનો મહિમા આજે પણ ચમત્કારિક છે. સરહદી જિલ્લો બનાસકાંઠામાં અનેક સુપ્રસિધ્ધ ધાર્મિક સ્થળ આવેલા છે. એમાંનું એક સ્થળ છે જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલુ કંથેરીયા હનુમાનજીનું ઐતહાસિક ધામ. ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બનેલા કંથેરીયા હનુમાનદાદાનુ મંદિર, જ્યાં જમીનની અંદરથી નીકળેલી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી છે.
ADVERTISEMENT
લોક વાયકા પ્રમાણે 100 વર્ષ પૂર્વે પાલનપુર શહેર નજીક જંગલમાં કંથેરીયા હનુમાનજીની વર્તમાન સ્વયંમભૂ પ્રતિમા જ્યાંથી પ્રગટ થઈ હતી તે કંથર ઝાડ નીચે બેસીને સાધુ મહાત્મા ગણેશગિરી બાપુ તપસ્યા કરતા હતા...તે સમયે પાલનપુરના નવાબ જંગલમાં શિકાર માટે નીકળ્યા હતા. તેમણે સાધુ મહાત્માના દર્શન કર્યા અને જ્યારે પરત ફર્યા ત્યારે તેમની દીકરીને જે રક્તપીતનો રોગ હતો તે રોગ દૂર થઈ ગયો હતો.
ADVERTISEMENT
ચમત્કારિક કંથેરિયા હનુમાન દાદા
સાધુ મહાત્માના દર્શન માત્રથી ચમત્કાર થયો હોવાનુ નવાબ માની રહ્યા હતા. એટલે સાધુ મહાત્મા પાસે ગયા ત્યારે સાધુ મહાત્માએ નવાબને ઝાડ નીચે ખોદકામ કરવાનું કહ્યું અને ખોદકામ કરતા જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ મળી આવી હતી. નવાબે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું કહ્યું. જોકે મૂર્તિ જમીનમાંથી ઉપર આવતી નહોતી એટલે મૂર્તિની સ્થાપના નીચે જ કરવામાં આવી..જે હાલ તે જ પરિસ્થિતિમાં મંદિરથી 5 થી 7 ફૂટ નીચે છે. હાલ મંદિર ખાતે સાધુ મહાત્માની અખંડ ધુણી પણ છે. આસ્થા અને શ્રધ્ધા સાથે જોડાયેલ કંથેરીયા હનુમાનજી મંદિરમાં દૂર દૂરથી ભાવિકો દર્શન કરવા આવે છે. શારીરિક તંદુરસ્તીની પ્રાપ્તિ માટે અનેક શ્રધ્ધાળુઓ દર મંગળવારે કંથરીયા હનુમાજીને પાન અને મોતીચૂરના લાડુ ભક્તિ ભાવથી અર્પણ કરી પોતાની શારીરિક માનસિક તકલીફો માંથી મુક્ત થાય છે. હનુમાનજીદાદામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો વર્ષોની નિયમિત મંદિરે દર્શન કરવા આવે છે અને પોતાની માનેલી મનોકામનાઓ પૂર્ણ થતા ધન્ય થાય છે. પાલનપુર કંથેરીયા હનુમાનજી મંદિરમાં શનિવાર અને મંગળવારના દિવસે ભક્તોની ભીડ જામે છે.
આ પણ વાંચો: જય માં હિંગળાજ! ગોવાળિયાને સ્વપ્નમાં આવ્યા હતા માતાજી, પોતે ક્યાં બિરાજે છે તેનો કર્યો હતો દિશા નિર્દેશ
દાદાને અર્પણ કરાય છે તેલ, સિંદૂર, આંકડાની માળા
દાદાને તેલ સિંદૂર અને આકડાની માળા ચઢાવવામાં આવે છે અનેક સેવાભાવી લોકો હનુમાન દાદાની ભક્તિમાં નિત્ય જોડાયેલા રહે છે અને પોતાની શક્તિ મુજબ તન મન ધનથી સેવા કરે છે. સ્થાનિક દર્શનાર્થીઓ મંગળવારે દાદાના દર્શન કરવાનુ ક્યારેય ચુકતા નથી અને મંગળવારે શહેર બહાર જવાનુ પણ ટાળતા હોય છે. હનુમાનજયંતિના દિવસે મંદિરે ભવ્ય મહોત્સવનુ આયોજન કરવામાં આવે છે શહેરવાસીઓ રંગેચંગે હનુમાનજયંતિની ઉજવણી કરે છે. બહારના રાજ્યમાંથી પાલનપુરમાં સ્થાયી થયેલા ભાવિકો પણ નિયમિત દાદાના સાનિધ્યમાં આવી શાંતિનો આહેસાસ કરે છે. હનુમાન જયંતિએ આખું પાલનપુર શહેર એક રસોડે જમે છે. કોઈપણ પ્રકારના ભેદભાવ વિના ભાઈચારાની ભાવના સાથે તમામ પ્રસંગો સુખરૂપ પૂરા પાડી અને હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. કંથેરીયા હનુમાનજી મંદિરના મહંત પૂજય ક્ષીપ્રાગિરીબાપુના નેજા હેઠળ ધાર્મિક સેવાકીય કાર્ય પણ થઈ રહ્યાં છે. હાલમાં દિનપ્રતિદિન શ્રધ્ધાળુઓ માટે કંથરીયા હનુમાનજીનું મંદિર અનેરી આસ્થા ધરાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.