Pakistani star batsman Azhar Ali has announced his retirement
BIG BREAKING /
પાકિસ્તાની ક્રિકેટમાં મચી ગયો ખળભળાટ, આ સ્ટાર પ્લેયરે સંન્યાસની કરી જાહેરાત, અંગ્રેજો સામે થઈ છે કારમી હાર
Team VTV09:16 PM, 16 Dec 22
| Updated: 09:22 PM, 16 Dec 22
પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલમાં ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન અઝહર અલીએ પોતાના ફેન્સને ચોંકાવી દેતા મોટો નિર્ણય લીધો છે. અઝહરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.
પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચેની છેલ્લી મેચ પહેલા મોટા સમાચાર
પાકિસ્તાની સ્ટાર બેટ્સમેન અઝહર અલીએ નિવૃત્તિની કરી જાહેરાત
અત્યાર સુધીમાં 96 ટેસ્ટમાં બનાવ્યા છે 7097 રન
પાકિસ્તાન ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડ સામે તેના જ ઘરમાં ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે તે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાંથી પણ બહાર થઈ ગયું છે. ઈંગ્લેન્ડે પાકિસ્તાન સામે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે બંને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ શનિવાર (17 ડિસેમ્બર)એ કરાચીમાં રમાશે. ઈંગ્લેન્ડ સામેની સિરીઝની ત્રીજી મેચ અઝહરની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ બનશે. પાકિસ્તાની ખેલાડી 37 વર્ષીય અઝહર અલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. અઝહરે અત્યાર સુધીમાં 96 ટેસ્ટમાં 42.49ની સરેરાશથી 7097 રન બનાવ્યા છે. તેમના નામે 19 સદી અને 35 અડધી સદી છે, જેમાં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર વેસ્ટ ઈન્ડિઝ સામે ડે-નાઈટ ટેસ્ટ મેચમાં અણનમ 302 રન હતો.
બોલિંગમાં પણ કર્યું છે શાનદાર પ્રદર્શન
અઝહર અલીએ બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે અત્યાર સુધીમાં ટેસ્ટ ક્રિકેટમાં આઠ વિકેટ પણ લીધી છે. પાકિસ્તાન માટે અઝહર અલીએ અત્યાર સુધીમાં 53 વનડે મેચ રમી છે, જેમાં તેમણે 1895 રન બનાવ્યા છે. અઝહર અલી અત્યાર સુધી T20 ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કરી શક્યા નથી. તેમણે ઓવરોલ T20 ફોર્મેટમાં 49 મેચ રમી, જેમાં તેમણે 985 રન બનાવ્યા છે.
'ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેવાનો યોગ્ય સમય'
અઝહરે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું, 'સર્વોચ્ચ સ્તરે મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સન્માનજનક રહ્યું છે. સંન્યાસનો નિર્ણય હંમેશા મુશ્કેલ હોય છે, પરંતુ ઊંડો વિચાર કર્યા પછી મને લાગે છે કે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેવાનો આ મારા માટે યોગ્ય સમય છે.'
અઝહરે પાકિસ્તાન ટીમની કેપ્ટનશિપ પણ હતી સંભાળી
અઝહર અલીએ કેપ્ટન તરીકે 9 ટેસ્ટ મેચ અને 31 વનડેમાં મેચોમાં પાકિસ્તાન ટીમની કમાન સંભાળી છે. આ દરમિયાન તેમણે ટેસ્ટમાં 519 રન અને વનડેમાં 1153 રન બનાવ્યા હતા. અઝહરે કેપ્ટન તરીકે ટેસ્ટમાં 2 અને વનડેમાં ત્રણ સદી પણ ફટકારી છે. અઝહર અલી પછી બાબર આઝમ પાકિસ્તાન ટીમના કેપ્ટન બન્યા અને અત્યાર સુધી તેની સફર ચાલુ છે.