'Outdoor firing and blasts are taking place in Ukraine', Anand student shares video of attack
આંખો દેખા હાલ /
'ઘરની બહાર ફાયરિંગ અને ધડાધડ બ્લાસ્ટ થઇ રહ્યા છે', આણંદના વિદ્યાર્થીએ હુમલાનો વીડિયો કર્યો શેર
Team VTV11:15 PM, 25 Feb 22
| Updated: 11:20 PM, 25 Feb 22
આણંદના હર્ષિલ ત્રિવેદીએ રશિયા હુમલાનો વીડિયો શેર કર્યો જેમાં ઘર નજીક ફાયરિંગ અને બ્લાસ્ટ થઈ રહ્યા હોય તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે.
યુક્રેનમાં પરિસ્થિતિ ખુબજ ગંભીર
ઘર નજીક ફાયરિંગ અને બ્લાસ્ટના ધડાકા: નજરે જોનાર હર્ષિલ ત્રિવેદી
વિદ્યાર્થીઑને પરત લાવવા મુદ્દે રાજકારણ પણ ગરમાયું
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે, યુક્રેનમાં વસતા વિદ્યાર્થીઓનુ સંકટ ભારતની સરકાર માટે સૌથી મોટો ચિંતાનો વિષય બની ગયો છે. જેમાં યુક્રેનમાં ગુજરાતના મોટી સંખ્યામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ફ્લાઈટ રદ થઈ જવાને કારણે ફસાયા છે પરંતુ આ દરમિયાન યુક્રેનથી જે નવા વીડિયો સામે આવી રહ્યા છે તેને લઈ વિદ્યાર્થીઓના વાલીઓની ચિંતામાં વધારો થયો છે. ત્યારે હવે યુક્રેન સ્થિત આણંદના હર્ષિલ ત્રિવેદીએ રશિયા હુમલાનો વીડિયો શેર કરતાં ગળામાં ડુમાં ભરાયેલા અવાજે મદદની ગુહાર લગાવી છે.
આણંદના હર્ષિલ ત્રિવેદીએ જંગની આંખો દેખીનો વીડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. ફસાયેલા વિદ્યાથીનું કહેવું છે કે યુક્રેનમાં પરિસ્થિતિ ખુબ જ ગંભીર થઈ રહી છે. ઘર નજીક ફાયરિંગ અને બ્લાસ્ટ થઈ રહ્યાં છે. આણંદના 16 થી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા તેમજ યુક્રેનમાં વ્યવસાય માટે ગયેલા 10થી વધુ લોકો ફસાયા છે. ભારત સરકાર વહેલી તકે મદદ કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે. વર્ક પરમીટ પર ગયેલા હર્ષિલ ત્રિવેદીએ ત્યાંની સ્થિતિ વિશે શું કહ્યું સાંભળો..
આવતીકાલ શનિવારના રોજ 100 વિદ્યાર્થી યૂક્રેનથી પરત આવશે
યુક્રેન અને રશિયા વચ્ચે હાલ ભીષણ જંગ ચાલી રહ્યો છે.યુક્રેનની રાજધાની કીવ પર ગમે તે સમયે રશિયન સેના કબજો કરી શકે છે.યુક્રેનના રાષ્ટ્રપતિએ ચિંતા વ્યક્ત કરી છે અને અન્ય દેશો પાસે સહયોગ માગ્યો છે.ત્યારે ભારત માટે યુક્રેનમાં રહેતા ભારતીયોની સુરક્ષાને લઈ ચિંતા વધી છે.ત્યારે યુક્રેનમાં ફસાયેલા દેશવાસીઓને સ્વદેશ પરત લાવવા માટે મોદી સરકાર એક મોટું ઓપરેશન ચલાવવા જઈ રહી છે. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે આવતીકાલ શનિવારના રોજ 100 વિદ્યાર્થી યૂક્રેનથી પરત આવશે.
ગુજરાત સરકારે અધિકારીઑને સોંપી જવાબદારી
કેન્દ્ર સરકારે યુક્રેનમાંથી વિદ્યાર્થીઑને પરત લાવવા એરલીફ્ટની વૈકલ્પિક યોજના બનાવી છે. ત્યારે ગુજરાતના વાલીઓ માટે મહત્વના સમાચાર એ છે કે આવતીકાલે પ્રથમ ફ્લાઇટમાં ગુજરાતના 100 વિદ્યાર્થી પરત ફરી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ અને નોડલ અધિકારીઓને જવાબદારી સોંપાઇ હોવાની માહિતી ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે. દિલ્લીથી આવતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત રેસિડેન્ટ કમિશનરને જવાબદારી સોંપાઇ છે. મુંબઇથી આવતા વિદ્યાર્થીઓ માટે જીયોલોજી અને માઇનિંગ વિભાગને જવાબદારી સોંપાઇ છે. સીએમની આ જાહેરાતથી વાલીઓના માથેથી ચિંતાના વાદળ ઓછા થયા છે.
વડોદરાના વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે ભારત તાત્કાલિક મદદ કરે
વડોદરાથી અભ્યાસ માટે યુક્રેનમાં ગયેલા વિદ્યાર્થીઓની કફોડી હાલતના દ્વશ્યો સામે આવ્યા છે. જેમાં પોતાનો જીવ બચાવવા અનેક વિદ્યાર્થીઓએ બંકરનો સહારો લીધો છે. એક જ બંકરમાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ રહી રહ્યા છે. બહાર યુદ્ધ જેવી સ્થિતિને કારણે તે લોકો બહાર પણ નિકળી શકતા નથી. આથી યુક્રેનના એક શેલ્ટર હોમમાંથી એક વિદ્યાર્થીનીએ વીડિયો મારફતે મદદની માગ કરી છે.
ખેડાના વિદ્યાથીઓએ પણ માંગી મદદ
ખેડાના પણ 25 યુવાનો યુક્રેનમાં ફસાયા હોવાથી તેઓ યેનકેન પ્રકારે ભારત પરત આવવાના પ્રયાસો કરી રહ્યા છે. જેમાં નડીયાદ,મહેમદાવાદ,કઠલાલ,ગળતેશ્વર, સેવાલીયા સહીત સમગ્ર ખેડાના વિદ્યાર્થીઓ યુદ્ધ ભૂમીમાં પરિવર્તિત થઈ ચુકેલા યુક્રેનમાં ફસાયા હોવાથી તેમના માતા-પિતા ચિંતત જોવા મળી રહ્યા છે.
તો કૉઈને ત્યાં હેમખેમ પરત ફરવાની ખુશી
બનાસકાંઠાના 15 જેટલા યુવક-યુવતીઓ અભ્યાસ અર્થે યુક્રેનમાં ગયા હતા જેમાંથી ઘણા યુવક-યુવતીઓ યુક્રેનથી પરત પણ ફર્યા છે ત્યારે પાલનપુરની દિવ્યાંશી પઢીયાર નામની વિદ્યાર્થીની પણ પરત ફરી છે.