orange alert in ahmedabad temprature goes to more than 45 degree
આગાહી /
પાપડ શેકાઇ જાય તેવી ગરમી! અમદાવાદમાં પારો 47 ડિગ્રીએ, હવામાન વિભાગની ફરી આગાહી
Team VTV05:59 PM, 11 May 22
| Updated: 06:02 PM, 11 May 22
રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચ્યુ છે.
રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત
રાજ્યના હવામાન વિભાગે કરી આગાહી
અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ યથાવત
ગુજરાતમાં ગરમી કહેર વર્તાવી રહી છે. દિવસ જાય તેમ ગરમીનું પ્રમાણ વધ્યુ છે. જો કે ક્યાંક ક્યાંક શીત પવનો ગરમીમાં આંશિક રાહત આપી જાય છે પરંતુ ગુજરાતની ગરમી તો ભયંકર. બપોરે તો ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આકરી ગરમીને લીધે તંત્ર દ્વારા ઠેર ઠેર લીલા પડદાના વિસામા બનાવવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર પાણીની પરબો શરુ કરવામાં આવી છે.ત્યારે આગામી દિવસમાં ગરમીને લઇને હવામાન વિભાગે શું આગાહી કરી આવો જાણીએ.
અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ
રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ યથાવત રહેશે તેમ જણાવ્યું હતું. જો કે અમદાવાદમાં ગરમીએ તો કહેર વર્તાવ્યો છે. શહેરમાં તાપમાનનો પારો પહોંચ્યો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અમદાવાદમાં 47 ડિગ્રી, ગાંધીનગરમાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગર, ડીસા અને ઈડરમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે અમરેલીમાં 44, રાજકોટ, વડોદરા અને ભૂજમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું.
આસની ચક્રવાતની ગુજરાતમાં કોઇ અસર નહી
'આસની' નામનું ચક્રવાતી તોફાન આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બને તેવી સંભાવના છે. આ ચક્રવાત હવે વિશાખાપટ્ટનમથી 940 કિમી અને ઓડિશાના પુરીથી 1000 કિમીના અંતરે છે. ચક્રવાત 10 મેના રોજ પશ્ચિમ બંગાળમાં પહોંચી શકે છે તે જોતા રાજ્ય હાઈ એલર્ટ પર છે. જો કે વેસ્ટ બંગાળના વાવાઝોડા આસનીની ગુજરાત પર કોઇ અસર નહી થાય હવામાન વિભાગે જણાવ્યું હતું.
ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની પણ આગાહી
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસારે અમદાવાદમાં રવિવારથી બુધવાર દરમિયાન ગરમી 44 ડિગ્રીને પાર થવાની છે. આગાહી પ્રમાણે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ સાથે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. આમ અમદાવાદમાં આગામી ચાર દિવસમાં ગરમીનો વધુ એક રાઉન્ડ અનુભવાશે.
ગુજરાતમાં વરસાદને લઇને શું કરી આગાહી ?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઇ આગાહી કરી છે. અંબાલાલે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં 15 જૂન બાદ વરસાદ આવવાની શક્યતા છે. સાથે તેમણે જણાવ્યું કે, આ વર્ષે શરૂઆતમાં ચોમાસું સારૂં રહેશે. ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરનાં કારણે વાતાવરણમાં સતત પલટો જોવા મળી શકે છે. 11 મેથી 17 મે વચ્ચે આંધીના પ્રમાણમાં પણ વધારો થવાની સંભાવના છે. સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે. ઉપરાંત 18 મેથી 5 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. જેને લઇ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 99 ટકા વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે.