Open sale of liquor in Ahmedabad, Video of Isanpur area goes viral, What are the police doing?
વાસ્તવિકતા /
અમદાવાદ: આમ તો જુઓ..! દેશી દારૂના અડ્ડાઓ પર ખુલ્લેઆમ થતી રેલમછેલનો વીડિયો વાયરલ, પોલીસ કયા નશામાં?
Team VTV05:21 PM, 20 Mar 22
| Updated: 05:24 PM, 20 Mar 22
ઇસનપુર પોલીસ સ્ટેશનની હદમાં ચાલી રહી છે દારૂની હાટડીઓ છતાંય બુટલેગરો અને દારૂના અડ્ડા પર કોઈ જ તવાઈ નહી
અમદાવાદમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ
ઇસનપુર વિસ્તારનો વીડિયો વાયરલ
પોલીસના ઉચ્ચ અધિકારીએ તપાસ શરૂ કરી
ગુજરાતમાં દારૂબંધી છે તે જાણિતી વાત છે. અને દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લેઆમ દારુની રેલમછેલ ઉડે છે. તે પણ જાણિતી વાત છે. જે રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ હોય અને ત્યાં બુટલેગરો ખુલ્લેઆમ દારૂ વેચતા હોય તો આમાં ઉપર સુધી સેટિંગ હોય તો જ આ શક્ય બને. હપ્તા ક્યાં સુધી જતા હશે તે સમજી શકાય છે. વિપક્ષ અને જનતા સતત કહેતી રહે છે કે દારૂ બંધી હોવા છતાં દારૂ વેચાઈ રહ્યો છે તેના પર પ્રતિબંધ લગાવો. પણ સત્તાપક્ષ એવું કહેતો રહે છે કે ક્યાંય દારુ વેચાતો નથી. તો આ જુઓ ગુજરાતના આર્થિક કેપિટલ અમદાવાદના દ્રશ્યો, ખુલ્લેઆમ દારૂનો બેરોક ટોક વેપલો થઈ રહ્યો છે. પોલીસની રહેમ નજર હેઠળ દારૂના અડ્ડાધારીઓ કેટલાય ઘર બરબાદ કરી રહ્યા છે.
ફરી ખુલ્લામાં દારૂના વેચાણનો વીડિયો થયો વાયરલ
અમદાવાદના ઇસનપુર વિસ્તારનો આ વાયરલ વીડિયો અનેક સવાલ ઊભા કરી રહ્યો છે. ખુલ્લેઆમ દેશી દારૂ વેચાણ અને લોકો દારૂ ઢીંચતા જોવા મળી રહ્યા છે. ઇસનપુર પોલીસ સ્ટેશનની હદમાં આ દારૂની હાટડીઓ ધમધમતી રહી છે. દરવખત દારૂબંધીના નિયમો મામલે રહી રહીને જાગતી પોલીસે આ વખત પણ વીડિયો વાયરલ થતા પોલીસના ઉચ્ચ અધિકારીએ તપાસ શરૂ કરી છે.
VTV ગુજરાતીના સળગતા સવાલ
અમદાવાદમાં ક્યારે બંધ થશે દેશી દારૂના અડ્ડાઓ?
શું બુટલેગરો અને પોલીસની ગોઠવણ છે?
બુટલેગરોને પકડીને કાર્યવાહી કરનારૂ કોઇ નથી?
કોની રહેમનજર હેઠળ દેશી દારૂ વેચાય રહ્યો છે?
ઇસનપુરમાં કાયદો વ્યવસ્થા કેમ નહીં?
શું અહીં કાર્યવાહી કરતા ડરે છે પોલીસ?
5 વર્ષમાં દારૂ, બિયર, કેફી દ્રવ્યોનો 5 વર્ષમાં 6 હજાર કરોડનો જથ્થો ઝડપાયો
ધારાસભ્ય શૈલેષ પરમારના નિવેદન મુજબ ગૃહ વિભાગના આ વર્ષના બજેટ કરતા 5 વર્ષમાં ઝડપાયેલો દારૂ જથ્થો મોંટો છે કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં 521 કરોડનો વિદેશી દારૂ તેમજ દારૂ, બિયર, કેફી દ્રવ્યોનો 6 હજાર કરોડનો જથ્થો પકડાયો છે. આ સાથે એ વાતનો પણ ઉલ્લેખ કરવો જરૂરી બને છે કે આ તો ફકત જથ્થો પોલીસે કાર્યવાહી કરી ઝડપેલા જથ્થાના આંકડા છે. એ પણ વિચાર કરવો જોઈએ કે ન ઝડપાયેલો જથ્થો કેટલો હશે.અને તેણે કેટલા ઘર બરબાદ કર્યા હશે.
વાતોની નહીં કડક અમલની જરૂર
દારૂના દૂષણની વરવી વાસ્તવિકતા એવી છે કે ગુજરાતની જો ગત મહિનાઓની ઘટનાની વાત કરીએ તો ક્યાંય અધિકારીઓ ઓફિસમાં બેસી દારૂની મહેફિલો માણી રહ્યા છે તો કયાંય શિક્ષક દારૂ ઢીંચીને શિક્ષણધામમાં જઈ રહ્યો છે. અરે હદ તો ત્યાં થાય છે કે દારૂની હાટડીઓ ચલાવતા બુટલેગરો સોશિયલ મીડિયામાં વીડીયો વાયરલ કરી પોલીસ હપ્તા લેતી હોવાનો આરોપ કરી રહ્યા છે. કહેવાય છે કે ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધી અને તેણે લગતા કાયદાઓ છે. પણ વાસ્તવિક સ્થિતિએ ઉપરોક્ત આકંડાઓ અને દારૂના અડ્ડાઓનો વીડિયો સમગ્ર પોલ ખોલી રહ્યા છે. ત્યારે કહેવાતી દારૂબંધીને કાગળ પર નહીં પણ જમીન પર કડક રીતે અમલ કરવાની જરૂર છે.