only 41 out of 800 applications for land grabbing in rajkot news
ભૂમાફિયાઓનું ઘર /
અમદાવાદથી ચાર ગણું નાનું હોવા છતાં જમીનો પચાવી પાડવામાં રાજકોટ અવ્વલ, લેન્ડગ્રેબિંગની 250 અરજીઓ પેન્ડિંગ
Team VTV08:55 AM, 12 May 22
| Updated: 02:45 PM, 12 May 22
અમદાવાદથી ચાર ગણું નાનું હોવા છતાં જમીન પચાવી પાડવામાં રાજકોટ રાજ્યમાં પ્રથમ સ્થાને આવી ગયું છે.
રાજકોટ બન્યું ભૂમાફિયાઓનું ઘર
જમીન પચાવી પાડવામાં રાજકોટ રાજ્યમાં પ્રથમ
અમદાવાદથી ચારગણું નાનું હોવા છતાં ભૂમાફિયા વધારે
રાજકોટ હવે ભૂમાફિયાઓનું ઘર બની ગયું છે. કારણ કે જમીન પચાવી પાડવામાં રાજકોટ રાજ્યમાં પ્રથમ સ્થાને છે. અમદાવાદથી ચાર ગણું નાનું હોવા છતાં સૌથી વધારે ભૂમાફિયા રાજકોટમાં છે. મહત્વનું છે કે, રાજ્યમાં વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ અમદાવાદ, વડોદરા, સુરત કરતા રાજકોટ નાનું છે.
રાજકોટમાં 250થી વધુ અરજીઓ હજુ પેન્ડિંગ છે
જણાવી દઇએ કે, અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગની 1 હજાર અરજી થઇ છે. જ્યારે રાજકોટમાં 800 જેટલી લેન્ડગ્રેબિંગની અરજીઓ થઇ છે. પરંતુ તેમાંથી માત્ર 41 અરજીમાં જ FIR દાખલ થઇ છે. વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ રાજકોટ નાનું હોવા છતાં અહીં અરજીઓ વધુ પ્રમાણમાં છે. રાજકોટમાં 250થી વધુ અરજીઓ હજુ પેન્ડિંગ છે. જ્યારે 480 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. જો કે, બીજી બાજુ ભૂમાફિયાઓને પોલીસ છાવરતી હોવાનો લોકોનો આક્ષેપ છે. નોંધનીય છે કે, રાજકોટમાં અમુક કિસ્સામાં હાઇકોર્ટે તંત્રને ઠપકો આપી છોડી દીધા છે.
રાજ્યના ઘણા શહેરમાં જમીનો પચાવી પાડવા મુદ્દે ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે રાજ્યમાં ભૂમાફિયાઓને ડામવા લેન્ડગ્રેબિંગ એક્ટ બનાવ્યો. આ કાયદો 2020થી રાજ્યમાં અમલમાં આવ્યો છે. પરંતુ આ કાયદો અમલમાં આવતા જ રાજકોટમાં અરજીઓનો રાફડો ફાટ્યો છે. જો કે, અમુક લોકો ભૂમાફિયાઓના ડરથી અરજી કરતા પણ ડરી રહ્યાં છે. પરંતુ જો લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે તો રાજકોટ જિલ્લામાં અરજીઓનો ધોધ વછૂટે તેમ છે.
જુઓ સૌ પ્રથમ લેન્ડ ગ્રેબિંગ એક્ટ ક્યાં ફરિયાદ નોંધાઈ હતી?
ઉલ્લેખનીય છે કે, લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 3 જાન્યુઆરી 2021ના રોજ પ્રથમ ગુનો દાખલ કરાયો હતો. જેમાં 4 આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો હતો. ગજેન્દ્ર સાંગાણીએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ 2001માં 40 વિઘા જમીન વેચવા કાઢી હતી. પરંતુ 2004 સુધી આરોપીઓએ જમીનના નાણાં ન હોતા આપ્યા. કારણ કે આરોપીઓએ જમીન પચાવી પાડવાના પ્રયાસ કર્યા હતાં. આથી રમેશ, કમલેશ અને નરેશ સિંધવ નામના 3 ભાઇઓ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરાયો હતો. આ સાથે ગોંડલ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર કર્મી ધીરુ ગમારા સામે પણ ગુનો નોંધાયો હતો.
જુઓ શું હોય છે આ લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં?
લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી
સૌ પ્રથમ કલેક્ટરને ફરિયાદ મળે છે
કલેક્ટર લેન્ડગ્રેબિંગની અરજીના દસ્તાવેજો ચકાશે
દસ્તાવેજોની ચકાસણી બાદ પોલીસને તપાસ માટે સોંપાય
પોલીસે તપાસ કરી 21 દિવસમાં રિપોર્ટ આપવાનો હોય
પોલીસે 7 દિવસમાં ગુનો દાખલ કરવાનો
30 દિવસમાં તપાસ પૂર્ણ કરી આરોપીની ધરપકડ કરવાની હોય
પોલીસે 30 દિવસમાં ચાર્જશીટ પણ દાખલ કરવાની
કલેક્ટર અને પોલીસની તપાસથી વર્ષોથી દબાયેલી જમીનો છૂટી થાય છે