જો ટ્રેનમાં અચાનક કોઈ દુર્ઘટના થાય છે તો મુસાફરી વીમાનો લાભ મળે છે, એ માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરતાં સમયે IRCTC પર માત્ર 35 પૈસામાં 10 લાખ રૂપિયાના વીમાનો વિકલ્પ મળે છે.
IRCTC તરફથી 35 પૈસામાં 10 લાખ રૂપિયાનો પ્રવાસ વીમો મળે છે
કેવી રીતે ટ્રાવેલ ઈન્સ્યોરન્સ વિકલ્પનો લાભ લઈ શકો છો? જાણો
IRCTC એ આ કંપનીઓ સાથે વીમા પોલિસી માટે કરાર પર હસ્તાક્ષર કર્યા
IRCTC Travel Insurance Policy: જ્યારે પણ આપણે ટ્રેનમાં મુસાફરી કરવાની યોજના બનાવીએ છીએ, ત્યારે આપણા મનમાં પહેલો વિચાર આવે છે તે ફાઈનાન્શિયલ સિક્યોરીટી છે. પરંતુ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ એક એવી વસ્તુ છે જે આપણી આ ચિંતાને દૂર કરવામાં મદદ કરે છે. જો ટ્રેનમાં અચાનક કોઈ દુર્ઘટના થાય છે, તો તમને મુસાફરી વીમાનો લાભ મળે છે. ઓનલાઈન ટિકિટ બુકિંગ એપ IRCTC દ્વારા રેલ ટિકિટ બુક કરવા પર , ડિફોલ્ટ રૂપે તમને માત્ર 35 પૈસામાં 10 લાખ રૂપિયાના વીમાનો વિકલ્પ મળે છે.
આ વિકલ્પ ટ્રેનમાં મુસાફરી કરવા જેટલો જ સરળ છે. અહી અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે ટ્રાવેલ ઈન્સ્યોરન્સ વિકલ્પનો લાભ લઈ શકો છો અને વીમા દાવાની પ્રક્રિયા શું હશે? તો ચાલો જાણીએ..
35 પૈસામાં 10 લાખ રૂપિયાનો પ્રવાસ વીમો
જણાવી દઈએ કે IRCTC તરફથી રેલ ટિકિટ બુક કરાવતી વખતે, મુસાફરને 35 પૈસાનું પ્રીમિયમ ચૂકવીને બાય ડિફોલ્ટ વીમાનો વિકલ્પ આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ વીમો લેવા માંગતો નથી, તો તે 'ના' વિકલ્પ પસંદ કરી શકે છે. અન્યથા તે ટિકિટ બુક કરાવતાની સાથે જ તેને આપમેળે વીમા વિકલ્પ મળી જશે. જો તમે વીમાનો વિકલ્પ પસંદ કરો છો અને મુસાફરી દરમિયાન તમારી સાથે અચાનક અકસ્માત થાય છે, તો તમને મુસાફરી વીમો આપવામાં આવે છે. પરંતુ વીમા દાવાનો લાભ મેળવવાની પદ્ધતિ થોડી અલગ છે.
વીમા દાવા હેઠળ નોમિનીની વિગતો ભરવી જરૂરી છે
IRCTC પણ ટિકિટ બુકિંગ પછી દરેક પેસેન્જરને આ મેસેજ અને ઈમેલ મોકલે છે. આ મેસેજમાં એક લિંક છે જેમાં યાત્રીએ વીમા પોલિસી હેઠળ નોમિનીની વિગતો ભરવાની હોય છે. આમાં તમારે તમારા પરિવારના સભ્યનું નામ, તેમનો મોબાઈલ નંબર, જન્મતારીખ, ઈમેઈલ અને સંબંધ દાખલ કરીને સબમિટ કરવાનું રહેશે. નોમિનીની વિગતો ભર્યા પછી જ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ ક્લેમ કરી શકાશે. જેમણે નોમિનીની વિગતો ભરી નથી તેમના પરિવારના સભ્યોએ વીમાનો દાવો કરવા માટે કેટલાક દસ્તાવેજો સાથે વિવિધ કાનૂની પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડી શકે છે.
IRCTC એ આ કંપનીઓ સાથે વીમા પોલિસી માટે કરાર પર હસ્તાક્ષર કર્યા
IRCTC એ વીમા સુવિધાઓ આપવા માટે બે કંપનીઓ લિબર્ટી ઈન્સ્યોરન્સ અને SBI જનરલ ઈન્સ્યોરન્સ સાથે જોડાણ કર્યું છે. 35 પૈસામાં આ કંપનીઓ પ્રવાસ દરમિયાન કોઈ મુસાફરનું મૃત્યુ થાય તો 10 લાખ રૂપિયાના વીમા દાવાની સુવિધા આપે છે. તે જ સમયે સ્થાયી વિકલાંગતાના કિસ્સામાં 7.5 લાખ રૂપિયા અને વિકલાંગતાના કિસ્સામાં 2 લાખ રૂપિયાનું મુસાફરી વીમા કવર ઉપલબ્ધ છે.