બોર્ડની ધો-10ની પરીક્ષાના ગુણ ચકાસણી માટે gseb.org પર આજથી 20 જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
gseb.org પર આજથી 20 જૂન સુધી થઈ શકશે ઓનલાઈન અરજી
પરિણામથી સંતોષ ન હોય તે વિદ્યાર્થીઓ કરી શકશે અરજી
બોર્ડ દ્વારા નિયત કરેલી ફી ભરી ગુણ ચકાસણી માટે થશે અરજી
તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીના કરિયર માટે મહત્વની ગણાતી ધો. 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિક્ષાના રિઝલ્ટમાં અમુક વિદ્યાર્થીઓમાં અસંતોષનો સૂર ઉઠ્યો હતો અને ધાર્યા માર્ક ન આવ્યા હોવાથી વિદ્યાર્થીઓ નારાજ હોય ત્યારે આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લઈ દર વર્ષની માફક આ વર્ષે પણ ગુણ ચકાસણી માટે અરજી કરવાની જાહેરાત કરાઇ છે. ધોરણ 10ની પરીક્ષાના ગુણ ચકાસણી માટે 20 જૂન સુધી અરજી કરી શકાય તેવી જાહેરાત કરવામાં આવી છે. આ અંગે gseb.org પર આજથી જ ઓનલાઈન અરજી કરી શકાશે. મહત્વનું છે કે આ અંગે બોર્ડ દ્વારા નિયત કરવામાં આવેલી ફી ભરવી ફરજિયાત છે. પરિણામથી સંતોષ ન હોય તે વિદ્યાર્થીઓ ફી ભરી ગુણ ચકાસણી અંગેની અરજી કરી શકાશે.તેમ બોર્ડ દ્વારા જણાવાયું છે.
6 જૂનના રોજ જાહેર થયું હતું ધોરણ 10નું પરિણામ
ગત 6 જૂનના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે ધોરણ 10ના 9.70 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે તમામ વિદ્યાર્થીઓનું 6 જૂનના રોજ સવારે 8 કલાકે બોર્ડની વેબસાઈટ gseb.org પર પરીક્ષાનુ પરિણામ જાહેર કરાયું હતું. આ પરિણામમાં રાજ્યના 12,090 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ, 52,992 વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ, 93,602 વિદ્યાર્થીઓને B-1 ગ્રેડ, 1,30,097 વિદ્યાર્થીઓને B-2 ગ્રેડ, 1,37,657 વિદ્યાર્થીઓને C-1 ગ્રેડ સાથે સિદ્ધિ હાંસલ કરી હતી. આ રિઝલ્ટમાં અમદાવાદ જિલ્લાનું 63.98 ટકા, ગાંધીનગર જિલ્લાનું 65.83 ટકા પરિણામ આવ્યું હતું. રાજ્યની 292 શાળાઓએ 100 મળવ્યું હતું. જ્યારે બીજી તરફ 121 સ્કૂલનું શૂન્ય ટકા પરિણામ આવ્યું હતું. તથા સ્ટાન્ડર્ડ ગણિતનું 92.63 ટકા પરિણામ, બેઝિક ગણિતનું 69.53 ટકા પરિણામ અને ગુજરાતી ભાષાનું 82.15 ટકા અને અંગ્રેજી પ્રથમ ભાષાનું 94.73 ટકા પરિણામ આવ્યું હતું.