One person was killed in a children's quarrel in Jamnagar, police registered a complaint on both sides
હત્યા /
'દીકરાને ફઈએ ઠપકો નહીં આપવાનો' : જામનગરમાં ટેણિયાના ઝઘડામાં મોટા કુદી પડ્યા, એક યુવાનનું ઢીમ ઢાળી દેવાયું
Team VTV11:29 PM, 29 May 22
| Updated: 11:37 PM, 29 May 22
ઝઘડેલા બે બાળકોને એક તરૃણે ઠપકો આપ્યા પછી તે બાળકના ફઈએ ઠપકો નહીં આપવાનું કહ્યા પછી મામલો બીચકયો હતો અને મારામારી થતા યુવાનની હત્યા થઇ
જામનગર બાળકો વચ્ચેનાં ઝઘડામાં લોહી રેડાયું
એક યુવાનનું ઢીમ ઢાળી દેવાયું
ત્રણને ઈજા થઈ
જામનગરના એરફોર્સ-1 રોડ પર આવેલી ડીફેન્સકોલોનીમાં ગાયત્રી મંદિરવાળી શેરીમાં રહેતા મોમૈયાભાઈ રાયદેભાઈ ગઢવીએ ફરિયાદ નોંધાવી છે.તેમના પુત્ર રોહિતે ઘર પાસે રમી રહેલા રૃદ્ર અને કરણ નામના બે બાળકને નહીં ઝઘડવાનું કહી ઠપકો આપતા પાડોશી રાયસુર માલદે ગઢવી ઉર્ફે બોઘા સાથે બોલાચાલી થઈ હતી.
ગઢવી Vs ગઢવીનો જંગ
રાયસુરે અત્યંત ઉશ્કેરાટમાં આવી રોહિતને ગાળો ભાંડી ફડાકો ઝીંકયો હતો. ત્યારે જ દોડી આવેલ મોમૈયાભાઈએ ગાળો નહીં બોલવાનું કહેતા રાયસુરે ગાળોની રમઝટ બોલાવી છરી વડે હુમલો કરી દીધો હતો. તેણે વિંઝેલી છરી મોમૈયાભાઈને જમણા પગમાં ગોઠણ નીચે અને કપાળમાં ઘૂસી ગઈ હતી. તેથી મોમૈયાભાઈ ફસડાઈ પડતા અને દેકારો થતાં બાજુમાં જ રહેતા તેમના કૌટુંબિક સાળા ભરતભાઈ રણમલભાઈ રૃડાચ દોડી આવ્યા હતા. આ યુવાને પોતાના બનેવીને છોડાવવાનો પ્રયત્ન કરતા રાયસુરે ભરત પર છરીથી હુમલો કરી ડાબા પગમાં સાથળ તથા ગોઠણમાં છરી મારી હતી . આ માટે ભરતભાઈ પણ ઢળી પડયા હતા . ત્યારે જ ધસી આવેલા મટુબેન માલદેભાઈ ગઢવીએ પણ ઢીકાપાટુ વડે સાળા-બનેવી પર હુમલો કરી ગાળો ભાંડી હતી. ઈજા પામેલા બન્નેને અન્ય લોકોએ સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ કરી હતી. જેમાં ગંભીર ઈજા પામેલા ભરતભાઈનું મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો.
સામ-સામે પોલીસ ફરિયાદ
ફરિયાદની સામે મટુબેન માલદેભાઈ રૃડાચે વળતી ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ તેમના પુત્ર રાયસુરનો પુત્ર કરણ અને પાડોશી ભૂરાભાઈનો પુત્ર રૃદ્ર ગઈકાલે સાંજે સાથે રમતા હતા ત્યારે પાડોશી મોમૈયાભાઈ ગઢવીના પુત્ર રોહિતે બન્ને બાળકોને ઠપકો આપતા કરણના ફઈ માલીબેને રોહિતને વારતા મોમૈયા રાયદેભાઈ ગઢવી દોડી આવ્યા હતા અને તેણે રાયસુર ઉર્ફે બોઘા માલદે સાથે માથાકૂટ કર્યા પછી ઢીકાપાટુથી હુમલો કર્યો હતો. તે દરમ્યાન ભરત રણમલ રૃડાચ આવી ગયા હતા અને તેઓએ પણ રાયસુરને માર માર્યો હતો. તેથી પોતાના પુત્રને છોડાવવા મટુબેન દોડી આવતા તેમના પર ધારીયા જેવા હથિયારથી હુમલો કર્યો હતો.
પોલીસનો ચાપતો બંદોબસ્ત
આ બઘડાટી પછી ઈજાગ્રસ્ત મોમૈયાભાઈ રાયદેભાઈ તેમજ સામાપક્ષના મટુબેન માલદેભાઈ અને રાયસુર માલદેભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પણ ટોળા ઉમટયા હતા. ઉપરાંત બનાવના સ્થળે પણ મામલો થોડા સમય માટે તંગ બન્યો હતો. બનાવની જાણ થતાં સિટી સી ડિવિઝનનો પોલીસ કાફલો ધસી ગયો હતો. મામલો વધુ ન બીચકે તે માટે પોલીસે ડીફેન્સ કોલોનીમાં બનાવના ઉપરોકત સ્થળે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. બાળકોના ઝઘડાના મુદ્દે બે પરિવારો બાખડી પડતા. એક યુવાનની હત્યા થઈ જતા અરેરાટી પ્રસરી છે. પોલીસે બન્ને પક્ષના કુલ ચાર સામે ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
અહી જેની હત્યા થઈ છે.તે તેના બનેવીને બચાવવા ગયા હતા.તેનો કોઈ ગુનો ન હતો.બચાવવા જતા તેના પર હુમલો થયો અને તેની હત્યા કરી દેવામાં આવી છે હાલ પોલીસે બન્ને પક્ષે પોલીસ ફરિયાદ લઈને તપાસ આદરી છે.હવે ચાર આરોપી જયારે ઝડપાઈ ત્યારે કહાનીમાં નવો વળાંક સામે આવી શકે છે.