one more coronavirus vaccine starts human trial in britain uk second covid 19 vaccine
Coronavirus /
બહુ જલ્દી કોરોનામાંથી મળી શકે છે મુક્તિ, આ દેશે રસીને લઈને આપ્યા સારા સમાચાર
Team VTV10:05 AM, 25 Jun 20
| Updated: 10:19 AM, 25 Jun 20
કોરોના વાયરસના વધતા ચેપ વચ્ચે વિશ્વભરના વૈજ્ઞાનિકો તેની રસી બનાવવા માટે લાગેલા છે. રસીની પ્રગતિને લઈને ઘણા દેશોમાંથી સારા સમાચાર પણ આવી રહ્યા છે. જો કે ક્લિનિકલ ટ્રાયલ પ્રક્રિયા લાંબી હોવાને કારણે તેમાં મોડુ થઈ રહ્યું છે. અહેવાલો અનુસાર વિશ્વભરમાં કોરોના માટે 100 થી વધુ પ્રકારની રસી સંશોધન ચાલી રહ્યું છે. એક મીડિયાના એક અહેવાલ મુજબ આમાંથી 13 રસી ક્લિનિકલ ટ્રાયલ તબક્કામાં છે. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીની રસી પણ આ હોડમાં આગળ છે. જેનું ભારતની સીરમ ઇન્ડિયા સંસ્થા ઉત્પન્ન કરશે. ત્યારે યુકેમાં વધું એક રસીનું હ્યુમન ટ્રાયલ શરૂ કરવામાં આવી રહ્યું છે. પ્રાણીઓ પર તેના સફળ પરીક્ષણો પછી વૈજ્ઞાનિકો દાવો કરે છે કે સારા સમાચાર જલ્દીથી આવી શકે છે.
ડોઝ 300 રૂપિયાથી પણ ઓછામાં લોકોને મળશે
માનવ ટ્રાયલ પૂર્વે પ્રાણીઓ પર રસીનું પરિક્ષણ સફળ રહ્યું
લંડનના ઇમ્પિરિયલ કોલેજમાં 300 લોકો પર આ ટ્રાયલ થવાની છે
સારા પરિણામની આશા છે
બ્રિટનમાં વધુ એક રસીના હ્યુમન ટ્રાયલ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લંડનના ઇમ્પિરિયલ કોલેજમાં 300 લોકો પર આ ટ્રાયલ થવાની છે. પ્રોફેસર રોબિન શટોક આ ટ્રાયલનું નેતૃત્વ કરી રહ્યા છે. ઇમ્પિરિયલ કોલેજ લંડનમાં માનવ ટ્રાયલ પૂર્વે પ્રાણીઓ પર રસીનું પરિક્ષણ સફળ રહ્યું છે. વૈજ્ઞાનિકો દાવો કરે છે કે આ રસીથી ઈમ્યુનિટિને વધુ સારી બનાવી શકાશે.
બહું સસ્તી હશે રસી
વૈજ્ઞાનિકો કહે છે કે જો માનવીઓ પર રસીનો ઉપયોગ સફળ થાય છે તો તેનો ડોઝ 300 રૂપિયાથી પણ ઓછામાં લોકોને મળશે. ઉલ્લેખનીય છે કે કોરોના સામનો કરતા દેશોની યાદીમાં બ્રિટન પણ છે. અહીંના વૈજ્ઞાનિકો રસી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રસી મનુષ્ય પર કેટલી સલામત છે તે માટે થશે શોધ
લંડનની ઇમ્પિરિયલ કોલેજનાં વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ માનવ પરીક્ષણો દરમિયાન તેઓ જોશે કે તેમની રસી મનુષ્ય માટે કેટલી સલામત છે. રસી બનાવનાર જૂથના ઈન્ચાર્જ પ્રોફેસર રોબિન શેટોક કહે છે, "અમારી ટીમ લોકોને પરવડે તેવી, પરંતુ ખૂબ સલામત રસી આપવા માંગે છે."
ઓછા ખર્ચનું લક્ષ્ય
પ્રો. શેટૉક કહે છે કે આ રસી એટલી સસ્તી હોવી જોઈએ કે બ્રિટનમાં કોરોના વાયરસ-પોઝિટિવ વસ્તીને 20 અબજથી ઓછા ખર્ચમાં મટાડવામાં આવી શકે. તેમણે કહ્યું કે ઇમ્પિરિયલ કોલેજમાં પ્રોજેક્ટ પર ખર્ચ કરવા માટે પૂરતા પૈસા છે. જેનાથી તેઓ સરળતાથી યુકેની રાષ્ટ્રીય આરોગ્ય સેવા (એનએચએસ) અને સોશિયલ કેર વર્કર્સ માટે રસી બનાવી શકે છે.
આગામી તબક્કામાં 6000 લોકો પર થશે ટ્રાયલ
પ્રો. શેટોક કહે છે કે જો આ તબક્કે આ રસીનું માનવ શરીર પર પરીક્ષણ સફળતાપૂર્વક કરવામાં આવે તો અમે તેને પછીના તબક્કાના લગભગ 6,000 લોકો માટે ચકાસીશું. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે, જો બધું યોજના મુજબ ચાલે તો પણ, આ રસી આ વર્ષના અંત સુધીમાં મળી શકશે નહીં.
25 લાખ લોકો માટે 50 લાખ ડોઝ
પ્રોફેસર શેટોકે તાજેતરમાં જ કહ્યું હતું કે તેમને રસી તૈયાર કરવા માટે બ્રિટિશ સરકાર પાસેથી ભંડોળ મળ્યું છે. આટલા પૈસાથી લગભગ 25 લાખ લોકો માટે દવાઓ તૈયાર કરી શકાય છે. રસીના લગભગ 50 લાખ ડોઝ તૈયાર કરવા જણાવ્યું છે.
બ્રિટિશ વૈજ્ઞાનિકોની આ બીજી રસી
ઉલ્લેખનીય છે કે કોવિડ -19 માટે બ્રિટીશ વૈજ્ઞાનિકોની આ બીજી રસી છે. આ પહેલા ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક રસી બનાવી છે, જે અસરકારક હોવાનું કહેવાય છે. આ રસીનું હ્યુમન ટ્રાયલ 800 લોકો પર ચાલી રહ્યું છે. આ રસી શરીરમાં વાયરસના સ્પાઇક પ્રોટીનને ઓળખવામાં મદદ કરે છે. ચેપ ફેલાવવા માટે કોરોના વાયરસ આ સ્પાઇક પ્રોટીન દ્વારા કોષોને ઝકડે છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીએ રસી વિશે દાવો કર્યો છે
ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસી ડોક્ટર સારા ગિલબર્ટના નેતૃત્વ હેઠળ બનાવવામાં આવી છે. સારા ગિલ્બર્ટ દાવો કરે છે કે જો માનવ શરીર પર પરિક્ષણ સફળ રહ્યુ અને સારા પરિણામો આવવા લાગ્યા તો આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં લોકોને કોરોના વાયરસની રસી મળી જશે.
રસીની હોડમાં ઘણા દેશો પાસે અપેક્ષા
મીડિયાના એક અહેવાલ મુજબ હાલમાં વિશ્વભરના 120 સ્થળોએ કોરોના રસી ઉત્પન્ન કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમાંથી આ 13 સ્થળોએ ક્લિનિકલ ટ્રાયલ સુધી પહોંચ્યા છે. આ ૧13 સ્થળોમાંથી પાંચ ચીનમાં, ત્રણ યુનાઇટેડ સ્ટેટ્સમાં અને બે યુકેમાં છે, જ્યારે ઓસ્ટ્રેલિયા, રશિયા અને જર્મનીમાં, એક-એક જગ્યાએ ટ્રાયલ ચાલી રહી છે.