One Gujartai Younge Man left diamond Business and develop Goushala ahmedabad
હું છું ગુજરાતી /
મુંબઇમાં કરોડોનો ધિકતો ધંધો છોડી ગુજરાતના આ યુવાને બનાવી ગૌશાળા
Team VTV07:36 PM, 14 Oct 19
| Updated: 10:42 PM, 14 Oct 19
ગૌમાતા વગરનું જીવન વિચારી શકાય તેવું નથી. જો દેશની ગાયો અને ખેડૂત દુ:ખી હશે તો દેશ ખુશ નહીં રહે. આવું દ્રઢપણે માનવું છે દેશની સૌથી શ્રેષ્ઠ અને વૈદિક રીતે ચાલતી બંસીગીર ગૌશાળાના સંચાલક ગોપાલ સુતરિયાનું. ગોપાલભાઈ જે રીતે ગાયોને પ્રેમ કરે છે અને માતાની જેમ જે સારસંભાળ રાખે છે તે ખરેખર શ્રીકૃષ્ણના ગોપાલ નામને સાર્થક કરે છે.
ગુજરાતના ગોપાલ સુતરિયા ગૌસેવા કરવા છોડ્યો પિતાનો ધંધો
અમદાવાદમાં શરૂ કરી બંસીગીર ગાય ગૌશાળા
18 ગોત્રની 700 ગાય કરે છે વસવાટ
મુંબઈમાં પોતાનો કરોડોનો બિઝનેસનો છોડીને ગોપાલ સુતરિયાએ અમદાવાદની વાટ પકડી માત્ર ગૌસેવા કરવા અને આ ગૌસેવાથી એક પ્રકારે દેશસેવા કરવા...કારણ કે તેમનું માનવું છે કે જેવી ગૌમાતાની સ્થિતિ એવી જ દેશ અને દેશના લોકોની સ્થિતિ. બસ આ માન્યતા મનમાં બેસાડીને અમદાવાદમાં શાંતિપુરા પાસે વૈજ્ઞાનિક અને વૈદિક રીતે ગાયોનો ઉછેર કરવાનું શરૂ કર્યુ. આજે અહીં 700થી વધુ દેશી ગાયોની જાતને એવી રીતે ડેવલપ કરાઈ છે કે જેની માંગ દેશ-વિદેશમાં થઈ રહી છે.
ગાયની સેવા કરતા ગોપાલ સુતરિયા
ગોપાલભાઇ મૂળ ભાવનગરના વતની
મૂળ ભાવનગરના વતની ગોપાલભાઇના પિતા મુંબઇમાં રહેતા હોવાથી પ્રાથમિકથી લઇ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ મુંબઇમાં જ થયો હતો. એસ.વાય બી.કોમમાંથી ગ્રેજ્યુએશન કરી પિતાના ધંધામાં કામ કરવાની શરુઆત કરી. ડાયમંડની કંપનીનો વહીવટ અને કાર્ય પ્રત્યેની સુગમતા સાથે સાથે 10 વર્ષ સુધી હીરા ઉદ્યોગમાં બિઝનેસ કર્યો. કંસ્ટ્રક્શનના બિઝનેસના ઉદ્દેશથી 2007માં અમદાવાદ આવ્યાં અને ત્યાર બાદ અમુક વર્ષો પછી ફૂલ ટાઈમ બિઝનેસ છોડી ગૌસેવામાં લાગી ગયા.
ભારતભરમાં ફરીને ખેડૂતોને આપી રહ્યા છે પ્રશિક્ષણ
ગોપાલભાઈનો શરૂઆતથી માત્ર એક જ હેતુ રહ્યો છે કે ગાય આધારિત ખેતી કરીને લોકોનું જીવન સ્વસ્થ અને સારું બનાવવું અને આ માટે તેઓ ગાયોનું પણ પાલન એવી રીતે કરે છે કે ગાયને પણ કોઈ તકલીફ ન પડે અને મનુષ્યને પણ ગૌચરનો લાભ મળે. આ માટે તેઓ ખુદ ભારતભરમાંથી ખેડૂતોને પ્રશિક્ષણ આપીને તેનો વ્યાપ બને તેટલો વધારી રહ્યાં છે. બંસી ગીર ગૌશાળાને ભારતની શ્રેષ્ઠ ગૌશાળાનો પણ એવોર્ડ મળેલો છે.
જેમાં કોઇનું શોષણ ન થયું હોય તે જ સાચી સફળતા
ગોપાલભાઈનું માનવું છે કે પ્રગતિ એ જ સાચી કહેવાય જેમાં કોઈનું શોષણ ન થયું હોય એ પછી મનુષ્ય હોય કે પ્રાણી. અહીં 18 ગોત્રની 700થી વધુ ગાયો છે જેમાં ભાવનગર અને મોરબી રાજા વંશજ એમ અલગ અલગ વાડામાં નંદી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે એક પણ ગાયને ખીલ્લેથી બાંધવામાં આવતી નથી અને તેમને મુક્તપણે હરવા ફરવા અને ચરવા દેવાય છે. ગાયો પોતે જ નક્કી કરે છે કે ક્યારે તેમને કેટલું ખાવું અને કેટલું પીવું. બસ એ જ રીતે જેમ તેઓ ખેતર કે જંગલમાં મુક્ત રીતે વિહરતી હોય.
ગાયને નામથી સંબોધન કરાતા જાતે જ દોડી આવે છે
આ ગૌશાળાની ખાસિયત એ છે કે તમામ ગાયોના નામ પાડવામાં આવેલા છે અને દૂધ દોહવાનો સમય થાય એટલે જે-તે ગાયને લેવા જવી પડતી નથી. માત્ર તેનું નામ ઉચ્ચારવામાં આવે એટલે તરત જ તે દોડી આવે છે. સાથે જ બચ્ચુ પણ પોતાની માંનું નામ સાંભળતા જ બહાર દૂધ પીવા માટે દોડી આવે છે.
એક ગોત્રમાં લગ્ન નથી તે રીતે અહીં પણ એક ગોત્રની ગાયોની લેવાય છે કાળજી
બંસીગીર ગૌશાળામાં અલગ અલગ પ્રયોગ દ્વારા ગાયોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આ ઉપરાંત જેમ મનુષ્યોમાં એક જ ગોત્રમાં લગ્ન નથી થતાં તેમ અહીં એ પણ ધ્યાન રાખવામાં આવે છે કે સંવર્ધન માટે એક વાડાની ગાયો બીજામાં ન જાય. અહીંના વાછરડા કોઈને વેચવામાં આવતા નથી અને જે ગામમાં 100 ગાય હોય ત્યાં ગૌશાળાનો વાછડો નિ:શુલ્ક મોકલવામાં આવે છે.
ગૌશાળામાં ગોપાલ સુતરિયા
ગાયોના છાણ-મૂત્ર પર કરાયું સંશોધન
અહીં ગાયોના છાણ-મૂત્ર પર એવું સંશોધન કરવામાં આવ્યું છે કે જેનાથી ખેડૂતની ખેતી લગભગ ઝીરો બજેટની બની જાય છે. ખેડૂત ઓછા પૈસામાં વધુ સમૃદ્ધ પાક લઈ શકે તેના માટે ગોપાલભાઈ સતત કાર્ય કરતા રહે છે.
ખેડૂતની ખેતી ઝીરો બજેટમાં થાય તેવા હાથ ધરાયા પ્રયોગો
ખેડૂતોનો ખર્ચ ઘટી જાય અને પોરસ ખેતી બને તે માટે બંસીગીર ગૌશાળા દ્વારા ગાયના છાણ અને મૂત્રના વિવિધ ટેસ્ટ કરાવ્યા અને એવું દ્રાવણ તૈયાર કર્યું જે ખેતીમાં ઉપયોગ કરવાથી પાકનો વિકાસ ખૂબ જ સરસ રીતે અને સસ્તામાં થઇ શકે. આ દ્રાવણનો ખર્ચ એક એકર દીઠ માત્ર 2 રૂપિયા જ આવે છે. આ દ્રાવણને કારણે 32 પાકમાં મેળવી શકાય છે સફળતા. હાલ ખેડૂતમિત્ર બેક્ટેરિયા વાળું દ્રાવણ ખેડૂતોને એકદમ નિ:શુલ્ક આપવામાં આવે છે.
7 બાળકોથી શરૂ કરેલા ગુરુકુળમાં આજે 70 બાળકો કરી રહ્યા છે અભ્યાસ
ગોપાલ સુતરિયા ખેડૂતો અને ગૌચર માટે જે ઉમદા કામ કરી રહ્યાં છે તેટલાંથી પણ તેમને સંતોષ ન હોય તેમ તેમણે વધુ એક કાર્ય માટે પોતાનું જીવન સમર્પિત કર્યુ છે. અને તે છે બાળકોમાં ભણતરની સાથે સાથે સંસ્કારોનું સિંચન કરવાનું. આ માટે તેમણે અહીં શાંતિપુરા ખાતે જ અનોખી ગુરુકુળ બનાવી છે. પોતાના ઘરના જ 7 બાળકોથી શરૂઆત કરી હતી જ્યાં આજે 70થી વધુ બાળકો ભણે છે અને 500નું વેઈટીંગ છે. અહીંના બાળકોને શેમાં રૂચિ છે અને તેનામાં શું ટેલેન્ટ છે તે જાણીને તેમને આગળ વધવામાં મદદ કરે છે.
ગૌમાતાની સેવા એ પણ દેશસેવા જ છે
આ સમગ્ર કહાણી જાણી અને જોઈને ગામ, ગાય અને ગોપાલ આ ત્રણેય શબ્દોનો પર્યાય સૌ કોઈને એક જ લાગે. ભારત એક ખેતીપ્રધાન દેશ છે અને જો ભારતની સમૃદ્ધિની ચિંતા કરવી હશે તો ખેડૂતની ચિંતા કરવી પડશે તે ગોપાલભાઈ ખૂબ સારી રીતે જાણી ચૂક્યાં છે. અને ખેડૂતના વિકાસના મૂળ ખેતીમાં છે અને ખેતીના વિકાસના મૂળ ગાયમાં છે તે ગૌમાતાના આ ગોપાલે સાબિત કરી દીધું છે. ત્યારે ગૌમાતાની જે રીતે ગોપાલભાઈ સેવા કરી રહ્યાં છે તે જરાયે દેશસેવાથી ઓછી નથી. સંસ્કૃતિને વળગીને દેશના વિકાસમાં ફાળો આપવામાં આ ગુજરાતી ગર્વથી કહે છે હા હું છું ગુજરાતી...