Team VTV04:24 PM, 21 Mar 23
| Updated: 04:34 PM, 21 Mar 23
છેલ્લા એક વર્ષમાં સોનું 8,467 રૂપિયા સુધી વધી ગયું છે. માર્ચ 2022માં સોનાનો ભાવ 51,633 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો અને માર્ચ 2023માં કિંમત 60 હજારની સપાટીને પંહોચી છે.
છેલ્લા એક વર્ષમાં સોનું 8,467 રૂપિયા સુધી વધી ગયું
6 દાયકામાં સોનાની કિંમતો 953 ગણી વધી
99 થી 60 હજાર રૂપિયાના ભાવને સ્પર્શ્યું સોનું
સોનું અત્યારે રોકાણ કરવા માટે રોકાણકારોની પહેલી પસંદ બની ગયું છે અને ગ્લોબલ સેન્ટિમેન્ટને કારણે સોનું રેકોર્ડ ઊંચાઈ પર પંહોચી ગયું છે. સોનાની કિંમત 1,400 રૂપિયા વધીને 60,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પંહોચી છે. હાલની સોનાની કિંમત ભારતીય બજારમાં સૌથી વધુ કિંમત છે. જ્યારે પણ વિશ્વમાં આર્થિક કટોકટી વધી છે ત્યારે સોનું સૌથી સુરક્ષિત રોકાણ બની જાય છે અને આ સમયે પણ એવું જ થઈ રહ્યું છે.
છેલ્લા એક વર્ષમાં સોનું 8,467 રૂપિયા સુધી વધી ગયું
અમેરિકામાં સિલિકોન વેલી બેંક સહિતની અન્ય બેંકો નાદાર બની છે અને હવે સ્વિટ્ઝર્લેન્ડની ક્રેડિટ સુઈસ બેંકની હાલત કફોડી છે. બેન્કિંગ કટોકટી અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે રોકાણકારોનો સોનામાં વિશ્વાસ જોવા મળી રહ્યો છે. તેની અસરને કારણે છેલ્લા એક વર્ષમાં સોનું 8,467 રૂપિયા સુધી વધી ગયું છે. જણાવી દઈએ કે માર્ચ 2022માં સોનાનો ભાવ 51,633 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.
6 દાયકામાં સોનાની કિંમતો 953 ગણી વધી
નોંધનીય છે કે છેલ્લા 5 વર્ષમાં સોનાના ભાવ બમણા થઈ ગયા છે અને આંતરરાષ્ટ્રીય માહોલ અને સ્થાનિક તહેવારોની સિઝનને ધ્યાનમાં લઈને નિષ્ણાતોનું કહેવું છે કે સોનાના ભાવ 62 હજારના સ્તર સુધી જઈ શકે છે. સોનામાં રોકાણે છેલ્લા 5 વર્ષમાં ડબલ વળતર આપ્યું છે અને જો છેલ્લા 6 દાયકાના આંકડા જોવામાં આવે તો કિંમતોમાં 953 ગણો વધારો થયો છે.
પાંચ વર્ષમાં 90 ટકા વળતર મળ્યું
પહેલા પાંચ વર્ષ પહેલાના રિટર્નની વાત કરીએ તો બેંક બજારના રિપોર્ટ અનુસાર વર્ષ 2018માં ભારતમાં સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ 31,438 રૂપિયા હતો. જે આજના સમયે 60,100 રૂપિયા સુધી પહોંચી ગયો છે. એટલે કે લગભગ 90 ટકા વળતર મળ્યું છે. એ જ રીતે છેલ્લા છ દાયકામાં સોનાની કિંમતો લગભગ 953 ગણી વધી છે
99 થી 60 હજાર રૂપિયાના ભાવને સ્પર્શ્યું સોનું
સોનાની કિંમતો પર નજર કરીએ તો આઝાદીના સમયે સોનાની કિંમત 99 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. 1959માં પહેલી વખત 100નો આંકડો પાર કર્યો હતો. તે સમયે સોનાનો ભાવ 102 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો હતો. આ પછી સોનું 1975માં 500 અને 1980માં 1000ની સપાટીએ પહોંચ્યું હતું. આ સાથે જ 2007માં સોનાએ 10 હજારની સપાટી વટાવી હતી. 2011માં 26,000 તો 2018માં 31,000 સુધી સોનાંની કિંમત પંહોચી હતી. 2020માં 48,000 તો 2022માં 52,670 અને હવે વર્ષ 2023માં સોનાંની કિંમતે 60 હજારની સપાટી વટાવી દીધી છે.