રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની વચ્ચે વિશ્વમાં હજુ પણ ટેન્શન વધી રહ્યું છે, યુદ્ધ વિરામ ક્યારે થશે તેને લઈને પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રશિયા - યુક્રેન યુદ્ધનો 10 મો દિવસ
NATO દેશ આતંકી લડાકુ મોકલતા હોવાનો આરોપ
યુક્રેનના પરમાણુ પાવર પ્લાન્ટ પર રશિયાનો કબજો
કીવથી માત્ર 13 કિમી દૂર છે રશિયાની સેના
યુક્રેન પર રશિયા દ્વારા કરાયેલ સૈન્ય કાર્યવાહીનો આજે દસમો દિવસ છે. દુનિયાભરમાં ચિંતા વચ્ચે ભીષણ લડાઈ હજુ ચાલુ છે ત્યાં રશિયન મીડિયા અનુસાર, રશિયન સેના યુક્રેનની રાજધાની કિવથી 13 કિલોમીટર દૂર છે.
યુક્રેન પણ આપી રહ્યું છે જડબાતોડ જવાબ
જોકે રશિયન સેના લશ્કર સાથે કિવને ઘેરી લેવાના પ્રયાસમાં લાગેલી છે અને બીજી તરફ યુક્રેનના સૈનિકોએ જોરદાર જવાબ આપીને રશિયન સૈનિકોને કિવની નજીક આવતા અટકાવી રહ્યા છે. સ્થાનિક રિપોર્ટ અનુસાર માત્ર સૈન્ય જ નહીં પરંતુ ત્યાંની પ્રજા પણ રશિયાની સેનાને જોરદાર ટક્કર આપી રહી છે અને નુકસાન કરી રહી છે.
ન્યૂક્લિયર પ્લાન્ટ પર કબજો
શુક્રવારે એક મોટા હુમલામાં રશિયાએ એનર્હોદરમાં ઝાપોરિઝ્ઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર પણ મિસાઇલો વડે હુમલો કર્યો અને યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર કબજો કર્યો. જોકે રશિયાનું કહેવું છે કે ન્યૂક્લિયર પ્લાન્ટને લઈને અમારા વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે, જે શરમજનક છે.
20 હજાર ભારતીયોએ યુક્રેન છોડ્યું, ઓપરેશન હજુ ચાલુ
બીજી તરફ, ઓપરેશન ગંગા હેઠળ, ભારત યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે સતત કામ કરી કહ્યું છે. ભારતે પૂર્વ યુક્રેનમાં રશિયન અને યુક્રેનિયન સૈનિકો વચ્ચે સ્થાનિક યુદ્ધવિરામની વિનંતી કરી છે જેથી સંઘર્ષ વિસ્તારોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બચાવવામાં સરળતા રહે. વિદેશ મંત્રાલયે કહ્યું કે યુદ્ધગ્રસ્ત દેશ અંગે પ્રથમ એડવાઈઝરી જારી કરવામાં આવ્યા બાદ લગભગ 20,000 ભારતીયોએ સુરક્ષિત રહેવા માટે યુક્રેનની સરહદ છોડી દીધી છે.
યુક્રેનથી 229 ભારતીયોને લઈને ફ્લાઈટ દિલ્હી પહોંચી હતી
યુક્રેનથી 229 ભારતીય નાગરિકોને લઈને ઈન્ડિગોની વિશેષ ફ્લાઈટ આજે સવારે રોમાનિયાના સુસેવાથી દિલ્હી આવી પહોંચી હતી.
ખાર્કિવમાં અનેક વિસ્ફોટ, લોકોને સુરક્ષિત બહાર નીકળવાનું કહ્યું
યુક્રેન પર રશિયાનો હુમલો 10મા દિવસે પણ ચાલુ છે. મળતી માહિતી મુજબ યુક્રેનના ખાર્કિવ શહેરમાં અનેક વિસ્ફોટોના અવાજ સંભળાયા છે. નાગરિકોને ખાર્કિવની આસપાસના આશ્રયસ્થાનોમાં જવા માટે કહેવામાં આવ્યું છે.
રિજિજુ અને સ્લોવાકિયાના PM વચ્ચે મીટિંગ
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સ્લોવાકિયાના વડાપ્રધાન સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવામાં મદદ કરવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.