Team VTV11:42 PM, 29 Dec 20
| Updated: 12:18 AM, 30 Dec 20
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષના અંતિમ દિવસે સમગ્ર ગુજરાતને એક નવી ભેટ આપવા જઈ રહ્યા છે. જેનાથી ખાસ તો સૌરાષ્ટ્રના લોકોને ઘણી મોટી રાહત મળવાની આશા છે. હકીકતમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 31 ડિસેમ્બર 2020 ના રોજ એક વિડીયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતની પ્રથમ AIIMS નો શિલાન્યાસ કરશે.
પીએમ મોદી AIIMS રાજકોટનો કરશે શિલાન્યાસ
CM રૂપાણી અને DyCM નીતિન પટેલ પણ રહેશે હાજર
AIIMS રાજકોટની પ્રથમ બેચનું શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું
મહત્વનું છે કે ગુજરાત માટે છેલ્લા કેટલાય સમયથી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જેવી સંસ્થા અને હોસ્પિટલની માંગણી પડતર હતી. જેને મોદી સરકારે માન્ય રાખી હતી અને આ AIIMS રાજકોટમાં બનાવવાનું નક્કી કરાયું હતું. 31 મી ડિસેમ્બરે પીએમ મોદી આ AIIMS નું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શિલાન્યાસ કરશે અને આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિત અનેક મોટા નેતાઓ સ્થળ પર ઉપસ્થિત રહેશે.
AIIMS રાજકોટ માટે 201 એકરની જમીન ફાળવાઈ છે
વડા પ્રધાન કચેરીએ જણાવ્યું હતું કે, AIIMS સંસ્થા માટે 201 એકર જમીન ફાળવવામાં આવી છે, જે અંદાજે 1,195 કરોડના ખર્ચે બનાવવામાં આવશે અને વર્ષ 2022ની મધ્યમાં તેનું બાંધકામ પૂર્ણ થવાની અપેક્ષા છે. આ હોસ્પિટલમાં અત્યાધુનિક 750 બેડની હોસ્પિટલની સાથે જ 30 બેડનું આયુષ બ્લોક પણ હશે. PMO એ કહ્યું કે તેમાં 125 MBBS બેઠકો અને 60 નર્સિંગ બેઠકો હશે.
નોંધનીય છે કે, 50 MBBS વિદ્યાર્થીઓ સાથે, AIIMS રાજકોટની પ્રથમ બેચના શૈક્ષણિક સત્રનું 21 ડિસેમ્બરથી પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં તેના હંગામી કેમ્પસમાં પ્રારંભ થઈ ગયો છે. મુખ્યમંત્રી રૂપાણીએ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન અને કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિની ચૌબે સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું.
125 MBBS અને 60 નર્સિંગની હશે બેઠકો
આ દરમિયાન ડો. હર્ષવર્ધનએ કહ્યું હતું કે, AIIMS રાજકોટ પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાના છઠ્ઠા તબક્કાનો એક ભાગ બનશે અને તેમાં સ્પેશિયલ અને સુપર સ્પેશિયાલિટી વિભાગ ધરાવતી 750 પથારીની સુવિધા હશે. તેમણે કહ્યું કે તેમાં 125 એમબીબીએસ અને 60 નર્સિંગ બેઠકો પણ હશે.
દેશમાં હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે, જાન્યુઆરી 2019 માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય કેબિનેટે ત્રણ નવા AIIMS ની સ્થાપના માટે મંજૂરી આપી હતી. આ AIIMS ની સ્થાપના વડા પ્રધાન સ્વાસ્થ્ય સુરક્ષા સુરક્ષા યોજના હેઠળ કરવામાં આવી રહી છે. રાજકોટ સિવાયની બાકી બે AIIMS સાંબા, જમ્મુ અને AIIMS પુલવામા, કાશ્મીરમાં બનશે.