Omicron's XBB Sub-Variant May Cause Another Wave of Infections, Epidemic Not Over
સાવધાન /
WHOની ચેતવણીઃ ઓમિક્રોનનો XBB સબ-વેરિઅન્ટ લાવી શકે છે સંક્રમણની વધુ એક લહેર, મહામારી હજુ નથી થઈ ખતમ
Team VTV07:52 AM, 21 Oct 22
| Updated: 07:54 AM, 21 Oct 22
WHOના ડાયરેક્ટર જનરલે કહ્યું છે કે, કોવિડ-19 આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે સંક્રમણને કારણે વિશ્વભરમાં દર અઠવાડિયે 8,000થી 9,000 લોકોના મૃત્યુ થઈ રહ્યા છે.
વિશ્વ આરોગ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિકે આપી ચેતવણી
ઓમિક્રોનના 300થી વધુ છે સબ-વેરિઅન્ટ્સ
કેટલાક દેશોમાં XBBને કારણે જોવા મળી શકે છે સંક્રમણની વધુ એક લહેર
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને ગુરુવારે જણાવ્યું હતું કે કેટલાક દેશોમાં Omicronના XBB સબ વેરિયન્ટને કારણે સંક્રમણની વધુ એક લહેર જોવા મળી શકે છે, જે કોવિડ-19 વાયરસનો એક પ્રકાર છે. વિકાસશીલ દેશોના વેક્સિન મેન્યુફેક્ચરર્સ નેટવર્ક (DCVMN)ની વાર્ષિક સામાન્ય સભામાં પત્રકારો સાથે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે અત્યાર સુધી કોઈપણ દેશમાંથી એવો કોઈ ડેટા આવ્યો નથી કે જે સાબિત કરી શકે કે નવો વેરિઅન્ટ તબીબી રીતે વધુ ગંભીર છે.
ઓમિક્રોનના 300થી વધુ સબ-વેરિએન્ટ
તેમણે કહ્યું કે, ઓમિક્રોનના 300થી વધુ સબ-વેરિઅન્ટ્સ છે. મને લાગે છે કે અત્યારે જે ચિંતાનો વિષય XBB છે, જે એક રિકોમ્બિનન્ટ વાયરસ છે. અમે પહેલા કેટલાક રિકોમ્બિનન્ટ વાયરસ જોયા હતા. આ ખૂબ જ ઇમ્યુનોસપ્રેસિવ (immune adversary) છે, જેનો અર્થ છે કે તેના પર એન્ટિબોડીઝની પણ અસર નથી થતી. કેટલાક દેશોમાં XBBને કારણે સંક્રમણની વધુ એક લહેર જોવા મળી શકે છે.
આપણે મોનિટર અને ટ્રેક કરવાનું ચાલુ રાખવું પડશેઃ સ્વામીનાથન
સ્વામીનાથને જણાવ્યું હતું કે, તેઓ BA.5 અને BA.1ના ડેરિવેટિવ્ઝ પર પણ નજર રાખી રહ્યા છે, જે વધુ અભેદ્ય અને પ્રતિરક્ષા વિરોધી (permeable and immunosuppressive) પણ છે. જેમ-જેમ વાયરસ વિકસિત થાય છે, તેમ તેમ તે વધુને વધુ ફેલાય છે. અત્યાર સુધી કોઈ પણ દેશમાંથી એવો કોઈ ડેટા નથી મળ્યો કે આ નવો સબ-વેરિઅન્ટ વધુ તબીબી રીતે ગંભીર છે. જરૂરી પગલાં સૂચવતાં ડૉ. સ્વામીનાથને જણાવ્યું હતું કે, મોનિટરિંગ અને ટ્રેકિંગ મહત્ત્વનાં પગલાં છે. આપણે મોનિટર અને ટ્રેક કરવાનું ચાલુ રાખવું પડશે. અમે જોયું છે કે તમામ દેશોમાં પરીક્ષણમાં ઘટાડો થયો છે, છેલ્લા કેટલાક મહિનામાં જીનોમિક સર્વેલન્સમાં પણ ઘટાડો થયો છે.
અમે નથી કહ્યું કે મહામારી ખતમ થઈ ગઈ છે
ડૉ. સ્વામીનાથનના જણાવ્યા મુજબ, WHOના મહાનિર્દેશકે કહ્યું છે કે કોવિડ-19 આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે સંક્રમણને કારણે વિશ્વભરમાં દર અઠવાડિયે 8,000થી 9,000 લોકો મૃત્યુ પામી રહ્યા છે. ડૉ. સ્વામીનાથને કહ્યું કે તેથી અમે કહ્યું નથી કે મહામારી ખતમ થઈ ગઈ છે, જેનો અર્થ છે કે તમામ સાવધાનીઓ અને સાધનોનો ઉપયોગ જારી રાખવો જોઈએ. સારી વાત એ છે કે હવે આપણી પાસે ઘણા બધા સાધનો છે અને સૌથી મહત્વની વસ્તુ રસી છે. જ્યાં સુધી રસીના કવરેજનો સવાલ છે, અમારુ લક્ષ્ય 60 વર્ષથી વધુ ઉંમરના 100 ટકા લોકો અને 100 ટકા આરોગ્ય સંભાળ અને ફ્રન્ટલાઈન કામદારો છે.
ભારત સહિત ઘણા દેશોમાં બૂસ્ટર ડોઝ લગાવવાની ગતિ ધીમીઃ ડૉ. સ્વામીનાથન
અમારું લક્ષ્ય દેશના 70 ટકા વિસ્તારને આવરી લેવાનું છે, પરંતુ પેટાજૂથ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ મહત્વનું છે કારણ કે આવા લોકોમાં બીમારી અને મૃત્યુદરનો સામનો કરવાની સૌથી વધુ સંભાવના છે. તેમણે કહ્યું કે ઓમિક્રોનના ફેલાવા પર વૃદ્ધ જૂથોમાંથી ઘણા મૃત્યુ જોવા મળ્યા કારણ કે તેઓને સંપૂર્ણ રસી આપવામાં આવી ન હતી. પૂર્ણ રસીકરણ કાર્યક્રમ વાસ્તવમાં ત્રણ ડોઝનો છે. આગામી ચારથી છ મહિનામાં બે પ્રાથમિક ડોઝ અને એક બૂસ્ટર ડોઝ. પરંતુ ભારત સહિત ઘણા દેશોમાં બૂસ્ટર ડોઝ લગાવવાની ગતિ ધીમી છે. એટલા માટે અમે લોકોને ત્રીજો ડોઝ લેવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.