બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Olympics 2024 / પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટને સિલ્વર મળશે કે નહીં? આજે આવી શકે મહત્ત્વનો નિર્ણય
Last Updated: 08:27 AM, 9 August 2024
પેરિસ ઓલિમ્પિકમાં ભારતની સ્ટાર મહિલા રેસલર વિનેશ ફોગાટની અરજી પર હવે શુક્રવારે સુનાવણી થશે. તેણે પોતાના ડિસ્કવોલિફિકેશન સામે CAS (કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ)માં અપીલ દાખલ કરી હતી, જેને સુનાવણી માટે સ્વીકાર કરી લેવામાં આવી. જેમાં તેણે સંયુક્ત સિલ્વર મેડલ આપવાની માંગ કરી છે. સ્પોર્ટ્સ કોર્ટે વિનેશને સુનાવણી માટે પોતાના વકીલની નિમણૂક કરવાની તક પણ આપી છે. સુનાવણી ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે થશે.
ADVERTISEMENT
વાસ્તવમાં, CAS માં પહેલા ગુરુવારે જ સુનાવણી થવાની હતી. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટે વિનેશનું પ્રતિનિધિત્વ કરવા માટે 4 વકીલોની ઓફર કરી હતી. તેમના નામ છે જોએલ મોનલુઈસ, એસ્ટેલ ઈવાનોવા, હેબીન એસ્ટેલ કિમ અને ચાર્લ્સ એમસન. આ બધા પેરિસ 2024 ઓલિમ્પિક માટે CAS ના પ્રો બોનો વકીલો છે. પરંતુ ભારતીય ટીમે સુનાવણી માટે ભારતીય વકીલની નિમણૂક કરવા માટે સમય માંગ્યો હતો. આના પર કોર્ટે તેમને સમય આપ્યો અને સુનાવણી બીજા દિવસે એટલે કે શુક્રવાર પર મુલતવી રાખી.
IOA નો પક્ષ મૂકશે હરીશ સાલ્વે
ADVERTISEMENT
માહિતી અનુસાર, વિનેશ ફોગાટ ડિસ્કવોલિફિકેશન કેસમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશન વતી ભારતના ભૂતપૂર્વ સોલિસિટર જનરલ અને કિંગ્સ કાઉન્સેલ હરીશ સાલ્વે આજે CAS સમક્ષ હાજર થશે. સાલ્વેએ આજે પેરિસના સમય મુજબ સવારે 10 વાગ્યે સુનાવણીમાં વર્ચ્યુઅલ રીતે હાજર થવું પડશે. સાલ્વેને આ મામલાની જાણકારી આપવામાં આવી છે અને IOAના સલાહકાર તરીકે તેમનું નામ CAS સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. આ સિવાય નિર્ણય પણ શુક્રવારે જ આવી શકે છે. પરંતુ જો ન્યાયાધીશને લાગે છે કે તેમને વધુ સુનાવણીની જરૂર છે તો બીજી કોઈ તારીખ આપી શકાય છે. જો કે, મોટાભાગના CAS કેસમાં નિર્ણય સુનાવણીના દિવસે જ આવી જાય છે.
રમતગમતના કેસોનો નિર્ણય કરે છે CAS
કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS) એ વિશ્વભરની રમતગમત માટે બનાવવામાં આવેલ એક સ્વતંત્ર સંસ્થા છે. તેનું કામ રમતગમતને લગતા તમામ કાનૂની વિવાદોનું સમાધાન કરવાનું છે. 1984માં સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય સંસ્થા આર્બિટ્રેશન દ્વારા રમત-સંબંધિત વિવાદોને ઉકેલવા માટે કામ કરે છે. તેનું મુખ્ય મથક સ્વિટ્ઝર્લૅન્ડના લૉસૅનમાં છે અને તેની અદાલતો ન્યુ યોર્ક સિટી, સિડની અને લૉસૅનમાં આવેલી છે. વર્તમાન ઓલિમ્પિક યજમાન શહેરોમાં પણ અસ્થાયી અદાલતો સ્થાપવામાં આવી છે. આ ક્રમમાં, આ વખતે પેરિસમાં CASની સ્થાપના કરવામાં આવી છે.
100 ગ્રામ વધારે વજનના કારણે ડિસ્કવોલિફાય થઈ વિનેશ
જણાવી દઈએ કે ઓલિમ્પિકમાં ભારતની આશાઓને ત્યારે ફટકો પડ્યો જ્યારે વિનેશ ફોગાટને ડિસ્કવોલિફાય કરી દેવામાં આવી. 50 કિગ્રા ફ્રી સ્ટાઈલ રેસલિંગ કેટેગરીની ફાઈનલ મેચના થોડા કલાકો પહેલા જ વિનેશનું વજન લગભગ 100 ગ્રામ જેટલું વધારે જોવા મળ્યું હતું. વિનેશ પાસે ગોલ્ડ મેડલ જીતવાની તક હતી, પરંતુ વજન વધારે હોવાને કારણે તેને ફાઈનલ મેચના કલાકો પહેલા જ ડિસ્કવોલિફાય કરી દેવામાં આવી હતી. એવામાં નિયમોના કારણે, તે સેમિફાઇનલ જીત્યા પછી પણ મેડલ ચૂકી ગઈ. પરંતુ હવે કેસ CASમાં ગયા બાદ વિનેશની મેડલ મેળવવાની આશા ફરી જાગી છે. ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસ્કવોલિફાય જાહેર થયા બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી.
વિનેશે એક દિવસમાં જીતી હતી 3 મેચ
વિનેશ ફોગાટે મંગળવારે 50 કિગ્રા વજન વર્ગમાં ત્રણ મેચ રમી હતી. તેણે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ટોક્યો ઓલિમ્પિક ચેમ્પિયન યુઇ સુસાકીને 3-2થી હરાવી. તેણે ક્વાર્ટર ફાઇનલમાં યૂક્રેનિયન મહિલા કુસ્તીબાજ ઓક્સાના લિવાચને 7-5થી અને સેમિફાઇનલમાં ક્યુબાના કુસ્તીબાજ યુસ્નેલિસ ગુઝમેનને 5-0થી હરાવી હતી. આ પછી તેને ગોલ્ડ મેડલ માટે અમેરિકન રેસલર સારા સાથે મુકાબલો કરવાનો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.