હરિયાણાના જિંદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે બધાને હચમચાવી દીધા છે. અહીંયા ઈન્ટરનેશનલ કક્ષાની એક મહિલા રેસલરનો અશ્લિલ વીડિયો અને ફોટા વાયરલ થતાં હડકંપ મચ્યો છે. વાયરલ ફોટો-વીડિયોમાં મહિલા રેસલર પુરુષ રેસલર સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં વીડિયો-ફોટા ખૂબ વાયરલ થતા તે પરિવાર સુધી પહોંચ્યાં હતા આથી પિતાએ પોલીસમાં આ વાતની ફરીયાદ નોંધાવી છે પોલીસે અજાણ્યા આરોપીઓ સામે આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
શું ખરેખર સાચા છે અશ્લિલ વીડિયો અને ફોટા
પોલીસને આપેલી ફરિયાદમાં પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે તેમની પુત્રી નેશનલ લેવલની રેસલર છે. કોઈએ તેની પુત્રીનો ફોટો પાડીને અશ્લીલ ફોટા અને વીડિયો પર મૂકી દીધો છે. આ પછી અશ્લીલ ફોટો-વીડિયો વાયરલ થયો છે. પિતાએ કહ્યું કે આ ફોટા કોણે એડિટ કર્યા તેની તેમને ખબર નથી. તેમણે કહ્યું કે આ કૃત્ય તેમની પુત્રીને બદનામ કરવા માટે કરવામાં આવ્યું છે. અમારો સંબંધ કોઈની સાથે ખરાબ નથી. આપણે ફક્ત એટલું જ જાણીએ છીએ કે તે બધું એડિટ થયેલું છે.
પોલીસે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ શરૂ કરી
નેશનલ વુમન રેસલર સાથે જોડાયેલા મામલાને જોતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ આઈટી એક્ટ હેઠળ કેસ નોંધી લીધો છે. પોલીસે આ ફોટા અને વીડિયો જ્યાં પોસ્ટ કરવામાં આવ્યા હતા તે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ વીડિયોના સ્ત્રોતને શોધી કાઢવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે જ વાયરલ પોસ્ટને ફોરવર્ડ કરીને શેર કરનારાઓની ઓળખ કરવામાં આવી રહી છે.
મહિલા રેસલરે બ્રિજ ભૂષણ સામેના ધરણામા ભાગ લીધો હતો
જે મહિલા રેસલનો એડિટેડ અશ્લિલ વીડિયો વાયરલ થયો છે તે જાન્યુઆરીમાં જંતર-મંતર ખાતે ડબ્લ્યુએફઆઈના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામેના ધરણામાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ રેસલરે તે વખતે ઘણા દાવા કર્યાં હતા. મહિલા રેસલરે કહ્યું હતું કે બૃજ ભૂષણ જ્યારે હોટલમાં રોકાતો હતો ત્યારે તે પોતાના રૂમનો દરવાજો બંધ કરવાને બદલે ખુલ્લો રાખતો હતો. મહિલાએ દાવો કર્યો હતો કે ફેડરેશનનો કોઈ પણ સભ્ય ખેલાડીઓ માટે બનાવાયેલી હોટલમાં ન રહી શકે તેવો નિયમ હતો પરંતુ બૃજભૂષણને તેની અવગણના કરી હતી.