બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / UK કે ઓસ્ટ્રેલિયા નહીં, આ દેશો છે ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ, કયા-કયા નામ છે અગ્રેસર, જુઓ લિસ્ટ
Last Updated: 08:26 AM, 12 August 2024
NRI News : ગુજરાત સહીત દેશભરમાંથી અનેક વિદ્યાર્થીઓ ભણવા માટે વિદેશમાં જતાં હોય છે. તો શું તમે જાણો છો કે ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ UK કે ઓસ્ટ્રેલિયા નહીં પણ અન્ય દેશો છે. વાસ્તવમાં ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં આ સંખ્યા બમણી થઈ ગઈ છે. વિદેશ મંત્રાલયના ડેટા અનુસાર વર્ષ 2024માં 108 દેશોમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 13,35,878 પર પહોંચી ગઈ હતી. જ્યારે કોરોના સમયગાળા પહેલા 2019માં વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા 6,75,541 નોંધવામાં આવી હતી.
ADVERTISEMENT
વિદેશ મંત્રાલયના સૂત્રોનું માનીએ તો આ સંખ્યા આનાથી પણ વધુ હોઈ શકે છે કારણ કે, ઘણા દેશોમાંથી ડેટા ઉપલબ્ધ નથી. બીજું 2024નો ડેટા ફક્ત પ્રથમ છ મહિનાનો છે. ઑક્ટોબર-નવેમ્બરમાં યુરોપ અને અમેરિકામાં પણ એડમિશન થાય છે તેથી વર્ષના અંત સુધીમાં આ સંખ્યામાં વધુ વધારો થવાની ધારણા છે. વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આંકડાઓ પર નજર કરીએ તો કેનેડા, અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા એમ ચાર દેશોમાં 10.71 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે 1.25 લાખ વિદ્યાર્થીઓ અન્ય પાંચ દેશો જર્મની, યુએઈ, રશિયા, ચેક રિપબ્લિક અને જ્યોર્જિયામાં અભ્યાસ કરી રહ્યા છે. સારી કારકિર્દી, નાગરિકતાના સરળ નિયમો જેવા કારણો યુવાનોને આકર્ષી રહ્યા છે.
પ્રથમ પસંદગી કેનેડા
ADVERTISEMENT
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે કેનેડા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી છે. હાલમાં 4.27 લાખ ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે 2019માં તેમની સંખ્યા 2,18,520 હતી. અહીં પણ વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. કેનેડામાં અભ્યાસ દરમિયાન રોજગારની તકો સૌથી વધુ હોય છે અને PR અને નાગરિકતા મેળવવાના નિયમો ખૂબ જ સરળ છે.
બીજી પસંદગી અમેરિકા
વિદેશ મંત્રાલયના આંકડા દર્શાવે છે કે, વિદ્યાર્થીઓ માટે અમેરિકા બીજો પ્રિય દેશ છે. હાલમાં ત્યાં 3,37,630 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વર્ષ 2019માં આ સંખ્યા 1,93,124 હતી. અત્રે મહત્વનું છે કે, ગયા વર્ષે અમેરિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા 3,51,106 પર પહોંચી હતી. ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા શ્રેષ્ઠ છે અને કારકિર્દીની દ્રષ્ટિએ મહત્તમ તકો છે.
બ્રિટન જનારા લોકોની સંખ્યામાં ત્રણ ગણો વધારો
આ તરફ સંખ્યાની દ્રષ્ટિએ બ્રિટન ભારતીય વિદ્યાર્થીઓ માટે ત્રીજી પસંદગી છે. 1.85 લાખ ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે. પરંતુ જો આપણે કોવિડ સમયગાળા પહેલાના આંકડાઓ પર નજર કરીએ તો બ્રિટન જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ત્રણ ગણાથી વધુનો વધારો થયો છે. ત્યારબાદ 2019માં 58,780 વિદ્યાર્થીઓ બ્રિટનમાં અભ્યાસ કરી રહ્યા હતા. મુખ્ય આકર્ષણ એ છે કે, બ્રિટનમાં માસ્ટર કોર્સ એક વર્ષનો હોય છે અને પોસ્ટ ગ્રેજ્યુએશન પછી બે વર્ષનો વધારાનો વિઝા મળે છે.
ઓસ્ટ્રેલિયાનું આકર્ષણ ઘટ્યું
આંકડા દર્શાવે છે કે 2019માં ઓસ્ટ્રેલિયા ભારતીય વિદ્યાર્થીઓની ત્રીજી પસંદગી હતી. ત્યારે 1,15,094 ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ભણતા હતા. પરંતુ 2024માં આ સંખ્યામાં થોડો વધારો જોવા મળ્યો. હાલમાં 1,22,202 વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. અહીં પણ નોકરી, રોજગાર અને સ્થળાંતરની ઉપલબ્ધતા માટે સરળ નિયમો છે.
ઉપરોક્ત ચાર દેશો ઉપરાંત અન્ય પાંચ દેશો એવા છે જ્યાં ભારતીય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ કરી રહ્યા છે. જેમાં જર્મનીના 42,997, UAE-25,000, રશિયા-24,940, ચેક રિપબ્લિક-16,500 અને જ્યોર્જિયાના 16,093 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 2019માં ચીનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા 15,207 હતી પરંતુ હવે તે ઘટીને 8,580 થઈ ગઈ છે. એટલે કે ચીન જનારા લોકોની સંખ્યા ઘટી રહી છે. કોવિડ સમયગાળાના લાંબા પ્રતિબંધો પણ આનું એક કારણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.