જે શહેર પર 9 વર્ષથી રાજ કર્યુ, આ શહેરમાંથી અપમાનિત થઇને પાછો ગયો હતો. આ અપમાનનો ઘૂંટ પીને એક વર્ષ બાદ આ શહેરમાં પાછો આવ્યો આ શહેરનો રાજા. આ શહેર છે મેલબર્ન અને તેના એકમાત્ર શાસક છે, નોવાક જોકોવિચ. છેલ્લાં એક દાયકામાં 9 વખત વર્ષની ધમાકેદાર શરૂઆત કરનારા સર્બિયાના સુપરસ્ટાર નોવાક જોકોવિચે એક વખત ફરીથી વર્ષના પહેલા ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં પોતાનુ શાસન કાયમ કર્યુ. વિશ્વના પૂર્વ નંબર જોકોવિચે રેકોર્ડ 10મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેન્સ સિંગલ્સનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો.
સ્ટેફાનોસ સિતસિપાસને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી
જોકોવિચે સ્ટેફાનોસ સિતસિપાસને 6-3, 7-6, 7-6થી હરાવીને ફરીથી ટ્રોફી પોતાના નામે કરી. બરાબર એક વર્ષ પહેલા આ શહેરમાં પોતાની એક જિદ્દના કારણે નોવાક જોકોવિચે અપમાન સહન કર્યુ હતુ. જે ખિતાબને તેમણે 9 વખત પોતાનો બનાવ્યો હતો. જેમાં ભાગ લેવાથી તેમને રોકવામાં આવ્યાં હતા. કોરોના વાયરસના આ ભીષણ સમયમાં વેક્સિન ના લગાવવાની જિદ્દને કારણે જોકોવિચે મેલબર્નમાં પહોંચ્યા બાદ જન દબાણ, સરકારના દબાણ અને કોર્ટના આદેશને કારણે પાછા મોકલી દેવામાં આવ્યાં હતા.