Notification of Ahmedabad Police Commissioner regarding Holi Dhuleti festival
BIG NEWS /
હોળી ધૂળેટી ઊજવતાં પહેલા જાણી લેજો અમદાવાદ CPનું આ જાહેરનામું, નહીંતર રંગમાં પડશે ભંગ
Team VTV09:28 PM, 14 Mar 22
| Updated: 09:35 PM, 14 Mar 22
બે વર્ષ બાદ હવે તહેવારોના રંગ જામ્યા છે ત્યારે રંગોત્સવનું પર્વ હોળી ધૂળેટીને મનાવવામાં ભારે ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે.
અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું
હોળી ધુળેટી તહેવારને લઈને જાહેરનામું
જાહેર રોડ પર રાહદારી, વાહન પર કીચડ-રંગ ફેકવા પર પ્રતિબંધ
રાજ્યમાં ઘણા દિવસથી કોરોના સાવ સુસ્ત થઈ ગયો છે. કેસ લગભગ 30 40ની આસપાસમાં આવી રહ્યા છે ત્યારે કોરોના નિયમો અને નિયંત્રણોમાં પણ ભારે છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર અજય શ્રીવાસ્તવ દ્વારા હોળી ધૂળેટીને લઇને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
અમદાવાદ CPના જાહેરનામામાં શું?
આગામી તા.૧૭/૦૩/૨૦૨૨ ના રોજ હોળી અને તા.૧૮/૦૩/૨૦૨૨ ના રોજ ધુળેટીના તહેવારોની ઉજવણી કરવામાં આવનાર છે. સામાન્ય સંજોગોમાં હોળી ધૂળેટીના તહેવારોની ઉજવણી માટે, લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તાઓ પર મોટી સંખ્યામાં એકત્રીત થતા હોય છે. આ તહેવારોની ઉજવણી દરમ્યાન જાહેર જગ્યાઓએ આવતા જતા રાહદારીઓ તથા વાહનોમાં આવતા જતા લોકો પાસેથી હોળી-ધુળેટીના પૈસા (ગોઠ) ઉઘરાવવા, તેઓ ઉપર રંગ, રંગ મિશ્રિત પાણી, કાદવ અથવા તેલી વસ્તુઓ ફેંકવાની શક્યતાઓ છે. આવા કૃત્યોથી જાહેર જનતાને અડચણ, ત્રાસ અથવા ઇજા થવાની અથવા જાહેર સુલેહ શાંતિનો ભંગ થવાની શક્યતા નકારી શકાય નહિ. જેથી શહેર વિસ્તારમાં આવા કૃત્યો પર પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે.
જાહેર રોડ પર રાહદારી, વાહન પર કીચડ-રંગ ફેકવા પર પ્રતિબંધ
ફોજદારી કાર્યરીતી અધિનિયમ સને-૧૯૭૩ (૧૯૭૪ના નાર) ની કલમ-૧૪૪ મુજબ તા.૧૫/૦૩/૨૦૨૨ ના કલીક ૦૦/૦૦ વાગ્યાથી તા.૨૨/૦૩/૨૦૨૨ ના કલાક ર૪/૦૦ વાગ્યા સુધી જાહેરનામું પ્રસિધ્ધ કરી નીચે મુજબ હુકમ કરૂ છે હોળી-ધુળેટીના તહેવારમાં કોઇપણ વ્યક્તિએ જાહેર જગ્યાએ આવતા-જતા રાહદારીઓ ઉપર અથવા મકાનો અથવા મિલ્કતો વાહનો ઉપર અથવા વાહનોમાં જતા-આવતા શબ્દો ઉપર કાદવ, કિચડ, રંગ અથવા રંગ મિશ્રિત કરેલા પાણી અથવા તૈલી તથા આવી બીજી કોઇ વસ્તુઓ નાંખવી કે નખાવવી નહિ
તહેવારના નામથી પૈસા ઉઘરાવતા વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી થશે
હોળી-ધુળેટીના પૈસા (ગોઠ) ઉઘરાવવા નહિ અથવા બીજા કોઇ ઈરાદાથી જાહેર રસ્તા ઉપર જતા આવતા રાહદારીઓ અથવા વાહનો રોકવા નહીં. આ હુકમની ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ સને-૧૯૬૦ ના અધિનિયમ-૪૫ ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
રાજપથ, કર્ણાવતી, YMCA કલબમાં નહીં થાય હોળી સેલિબ્રેશન
રાજ્યમાં કોરોનાનું હજુ પણ આવનજાવન ચાલુ જ છે. ત્યારે એ પરિસ્થિતિને જોતા શહેરની આ નામાંકિત ક્લબોએ જનતાના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. કારણ કે જો હોળીમાં સેલિબ્રેશન કરવા માટે જો ફરીથી લોકો એકત્ર થશે તો ફરીથી શહેરમાં કોરોનાના કેસ નહીં વધે તેની કોઇ ગેરંટી નહીં. આથી જનતાના સ્વાસ્થ્યને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં 2 વર્ષથી રાજ્યમાં કોરોનાના કારણે તમામ ઉજવણીઓ પર પ્રતિબંધ લદાયો હતો. જો કે, હાલમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇનમાં જરૂરી છૂટછાટો પણ આપવામાં આવી છે. પરંતુ તેમ છતાં અમદાવાદમાં ફરીથી કોરોનાનું સંક્રમણ ના વધે તે હેતુસર શહેરની રાજપથ, કર્ણાવતી અને YMCA ક્લબમાં હોળીની ઉજવણી નહીં થઇ શકે.
રેઇન ડાન્સમાં કોરોના ફેલાવાની હજુ પણ ભીતિ
તમને જણાવી દઇએ કે, ક્લબોમાં હોળી-ધુળેટીના તહેવારનું ખૂબ મોટા પાયે આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે તેમાં કલરોની સાથે-સાથે રેઇન ડાન્સનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. આથી તેમાં કોરોના સંક્રમણ વધારે ફેલાય તેવી સ્થિતિ જોવા મળતા આ વર્ષે પણ હોળી સેલિબ્રેશન નહીં કરવાનો શહેરની નામાંકિત ક્લબો દ્વારા આ નિર્ણય લેવાયો છે. શક્ય છે કે, અમદાવાદની નામાંકિત ક્લબો બાદ અન્ય કેટલાંક શહેરોની પણ ક્લબો આ અંગે યોગ્ય નિર્ણય લઇ શકે છે.