નવી પોલિસીમાં ઓછા પ્રીમિયમે એક જ સંયુક્ત પોલિસીમાં જુદી જુદી પોલિસીની તુલનાએ વધુ કવરેજ મળશે. વીમા કંપની હવે એપ આધારિત સર્વિસ ઉપલબ્ધ કરાવવાની યોજના તૈયાર કરી રહી છે. તેનાથી સમય અને નાણાંની બચત થશે.
હવે એકથી વધુ વાહન માટે અલગ અલગ વીમા પોલિસી લેવામાંથી ટૂંક સમયમાં વાહન માલિકોને છુટકારો મળી શકે છે. નવી પોલિસી અનુસાર હવે વાહન માલિકો તમામ વાહન માટે એક જ મોટર વીમા પોલિસીમાં કવર લઇ શકશે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (ઇરડા)એ ફ્લોટર મોટર ઇન્સ્યોરન્સ પોલિસી લાવવાની મંજૂરી આપી દીધી છે.
નવી પોલિસીમાં ઓછા પ્રીમિયમે એક જ સંયુક્ત પોલિસીમાં જુદી જુદી પોલિસીની તુલનાએ વધુ કવરેજ મળશે. વીમા કંપની હવે એપ આધારિત સર્વિસ ઉપલબ્ધ કરાવવાની યોજના તૈયાર કરી રહી છે. વીમા નિષ્ણાતોનું કહેવું છે કે તેનાથી સમય અને નાણાંની બચત થશે. નવી પોલિસીના પ્રીમિયમની ગણતરીનું કામ ચાલુ છે. જેટલી ગાડી ચાલશે એટલું જ પ્રીમિયમ લેવામાં આવશે. એડલવાઇસ જનરલ ઇન્સ્યોરન્સના સીઇઓ શનાઇ ઘોષે જણાવ્યું છે કે આ પોલિસી વર્તમાન સમયમાં વાહન માલિકો માટે શ્રેષ્ઠ પ્રોડક્ટ પુરવાર થશે, કારણ કે લોકો કાર પુલિંગને મહત્ત્વ આપી રહ્યા છે.
નવી પોલિસીમાં પ્રીમિયમ વાહન ચલાવવાના કિલોમીટર પર આધારિત નક્કી થશે એટલે કે જો તમે ચોક્કસ સમયે જ ગાડી ચલાવતા હો તો તેના હિસાબે જ પ્રીમિયમ લેવામાં આવશે. આ ઉપરાંત ઇરડાએ બે નવી વીમા પ્રોડક્ટમાં મોટર વીમા ઉપરાંત હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટને મંજૂરી આપી દીધી છે. હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટને કો-પે અને મોટર વીમા પ્રોડક્ટને 'પે એઝ યુ કન્ઝ્યુમ' નામ આપવામાં આવ્યું છે. ૧ ફેબ્રુઆરીથી પાઇલટ પ્રોજેક્ટ તરીકે આ બંને નવી પોલિસી લોંચ કરવામાં આવશે.