બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / no crematorium in Nani Pingali village of panchmahal people are suffering
Khyati
Last Updated: 11:47 AM, 7 July 2022
ADVERTISEMENT
એક તરફ કરોડોના ખર્ચે વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવે છે તો બીજી તરફ એવા પણ ગામો છે જ્યાં પ્રાથમિક જરૂરિયાતો સંતોષાતી નથી. એક તરફ જ્યાં એક બાદ એક ઓવરબ્રિજ નિર્માણ પામે છે તો બીજી તરફ એવા ઘણા વિસ્તારો છે જ્યાં તૂટેલા બ્રિજ પરથી પણ લોકો જવા મજબૂર બને છે. જી, હા ઘણા એવા ગામો છે જેનો વિકાસ કરવાની જરૂર છે. ત્યારે પંચમહાલમાં એવી જ એક ઘટના બની કે જેને જોઇને એમ થાય છે આ ગામના વહીવટી તંત્રએ અત્યાર સુધી કર્યું શું..
તાડપત્રી ઓઢાડીને કરી અંતિમક્રિયા
ADVERTISEMENT
પંચમહાલના કાલોલના નાની પિંગળી ગામની દયનીય સ્થિતિ એવી છે કે વ્યક્તિના મોતનો પણ મલાજો જળવાતો નથી. કારણ કે અહીં સ્મશાનગૃહ જ નથી. ગામમાં કોઇનું મરણ થાય તો ગ્રામજનો ભારે મૂંઝાય છે કારણ કે થાય એમ કે અંતિમક્રિયા કરવી ક્યાં ? ત્યારે નાની પિંગળી ગામનો જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં ગ્રામજનો તાડપત્રી ઓઢાડીને અંતિમક્રિયાની વિધિ પૂર્ણ કરતા જોવા મળ્યા. છેને ગંભીર સ્થિતિ, ટોળે વળીને તાડપત્રી પકડી રાખીને અંતિમક્રિયા કરતો વીડિયોએ ગામના ઢીલા વહીવટી તંત્રની પોલ ખોલી દીધી છે.
ગામમાં વર્ષોથી નથી સ્મશાન-પાકો રસ્તો
હાલમાં પાછો વરસાદી માહોલ એટલે અંતિમક્રિયા કરવી ક્યાં ? ઘણીવાર તો ભૂતકાળમાં બે બે દિવસ સુધી મૃતદેહને ઘરે મૂકી રાખવા ગ્રામજનો મજબૂર બન્યા છે. વળી સ્મશાને જવા માટેનો પાકો રસ્તો પણ નથી . ઝાડી ઝાંખરામાં થઇને ડુંગરાળ રસ્તાઓ પરથી મહામહેનતે મૃતદેહને લઇને જવુ પડે છે. નાની પિગળી ગામમાં વર્ષોથી સ્મશાન કે રસ્તો જ ન હોવાથી ગ્રામજનો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. મૃતકની અંતિમક્રિયાનો આ વીડિયો વાયરલ થયા બાદ પણ તંત્ર દ્વારા ઊંચા કાન કરવામાં આવતા નથી.
શું કહે છે ગ્રામજનો ?
આ અંગે સ્થાનિકોએ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું કે પંચાયતને અનેકવાર કહી કહીને થાક્યા કોઇ સાંભળતુ જ નથી. સ્મશાનની જગ્યા છે પરંતુ ત્યાં જવાનો કોઇ રસ્તો નથી. વળી ત્યાં જતી વખતે નદી પણ આવે છે. જ્યારે નદીનાં પાણી વધારે હોય ત્યારે અમારે મૃતદેહને બે દિવસ સુધી ઘરમાં જ રાખવો પડે છે. સ્મશાન સુધી જવાનો કોઇ રસ્તો જ નથી આથી અમને પારાવાર મુશ્કેલી પડે છે. અમને સ્મશાન અને પાકો રસ્તો કરી આપો તેવી જ અમારી માંગ છે તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું.
ચોમાસામાં અંતિમક્રિયા કરવી કેવી રીતે ?
બે દિવસ પહેલા ગામમાં યુવકનું મોત થતા ચાલુ વરસાદે અંતિમક્રિયા કરવામાં આવી હતી જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે અહીં તંત્રને કહેવાનું એ છે કે તમે વિકાસના નામે મત લેવા દોડ્યા આવો છો તો ગામમાં આજદિન સુધી એક સ્મશાન કેમ બનાવી નથી શક્યા ? ગ્રામજનોએ ચોમાસામાં આવી હાલાકી વેઠવાનો વારો આવે છે પણ તંત્રને કેમ નથી દેખાતી આ સમસ્યા ? વર્ષોથી ગ્રામજનો સ્મશાનની માંગ કરીને થાક્યા પણ તંત્ર ઊંચા કાન કેમ નથી કરતું ? પ્રજાની સમસ્યાનો ઉકેલ લાવવા તમને મત આપીને ચૂંટ્યા છે પણ પ્રજા દુઃખી છે ત્યારે સત્તાધીશો કેમ ગાયબ થઇ ગયા છે ? ત્યારે હવે જોવાનું એ રહે છે કે વાયરલ વીડિયો થયા બાદ પણ તંત્ર એક્શનમાં આવે છે કે કેમ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.