No change in income tax slabs for 9 years despite rising expenses
Budget 2023 /
ખર્ચાઓ વધ્યા છતાં 9 વર્ષથી આવકવેરા સ્લેબમાં કોઈ જ ફેરફાર નહીં, શું આ વર્ષના બજેટમાં કરદાતાઓને મળશે મોટી રાહત?
Team VTV08:34 AM, 01 Feb 23
| Updated: 09:38 AM, 01 Feb 23
મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરવાના છે, આવી સ્થિતિમાં નોકરીયાતથી લઈને વેપારી વર્ગ સુધી તમામને નાણામંત્રી તરફથી મોટી જાહેરાતની અપેક્ષા છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે 2023-24નું બજેટ
સરકારે છેલ્લા નવ વર્ષમાં આવકવેરામાં નથી આપી કોઈ છૂટ
આ વખતના બજેટથી કરદાતાઓને ઘણી અપેક્ષાઓ
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે બુધવારે સવારે 11 વાગ્યે નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. 2024માં લોકસભાની ચૂંટણી થવાની છે, આવી સ્થિતિમાં આ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ હશે. લાંબા સમયથી અપરિવર્તિત આવકવેરાના સ્લેબ પર નાણામંત્રી આ બજેટમાં મોટી જાહેરાત કરે તેવી અપેક્ષા છે. એવી અટકળો છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ ટેક્સ સ્લેબમાં સુધારો કરીને ભારતીય કરદાતાઓને રાહત આપશે. બજારના જાણકારોનું માનવું છે કે આ વખતે બજેટમાં ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ પર LTCG ટેક્સ અને રિયલ એસ્ટેટ સેક્ટરની માંગોને ધ્યાનમાં લઈને બજેટમાં મોટી જાહેરાતો થઈ શકે છે.
નવ વર્ષથી આવકવેરાના સ્લેબમાં નથી થયો કોઈ ફેરફાર
સરકારે છેલ્લા 9 વર્ષમાં આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી. છેલ્લે વર્ષ 2014માં આવકવેરા છૂટ (income tax exemption) મર્યાદામાં વધારો કરવામાં આવ્યો હતો. આ ફેરફાર નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળના પ્રથમ બજેટમાં કરવામાં આવ્યો છે. હવે વર્ષ 2023માં મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરવાના છે, આવી સ્થિતિમાં નોકરીયાતથી લઈને વેપારી વર્ગ સુધી તમામને નાણામંત્રી તરફથી મોટી જાહેરાતની અપેક્ષા છે.
2014ની સરખામણીમાં વધ્યો લોકોનો ખર્ચ
વધતી જતી મોંઘવારીને કારણે છેલ્લા ઘણા વર્ષોમાં લોકોના ખર્ચા અનેકગણા વધી ગયા છે. લિવિંગ કોસ્ટમાં વધારો થયો છે, પરંતુ સરકારે છેલ્લા નવ વર્ષમાં આવકવેરામાં કોઈ છૂટ આપી નથી. આવી સ્થિતિમાં નવી ટેક્સ સિસ્ટમ હેઠળ આવકવેરા મુક્તિ મર્યાદા (income tax exemption limit) 2.5 લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવે તેવી કરદાતાઓને અપેક્ષા છે. હાલમાં લોકોને 2.5થી 5 લાખ સુધીના પગાર પર 5% અને 5 લાખથી 7.5 લાખ પર 20% ટેક્સ ચૂકવવો પડે છે.
શું 80C હેઠળ મળતી છૂટની મર્યાદા વધારવામાં આવશે?
આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80C હેઠળ દર વર્ષે કરદાતાઓને તેમના રોકાણ પર 1.5 લાખ રૂપિયાની છૂટ મળે છે. કરદાતાઓ આ લિમિટને વધારવાની માંગ કરી રહ્યા છે. જો સરકાર બજેટમાં આ અંગે નિર્ણય લેશે તો કરદાતાઓને મોટી રાહત મળશે. કરદાતાઓને PPF, ELSS, NSC, NPS, Bank FD જેવી બચત યોજનાઓ પર આ 80C હેઠળ રાહત મળે છે.
2014-15માં 1 લાખથી વધારીને કરાઈ હતી 1.5 લાખ
આ પહેલા વર્ષ 2014માં સરકારે ટેક્સ ફ્રી ઇનકમ અને સેક્શન 80Cની લિમિટ વધારી હતી. નાણાકીય વર્ષ 2014-15માં આ મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 1.5 લાખ રૂપિયા કરવામાં આવી હતી. ત્યારથી તેમાં કઈ ફેરફાર થયો નથી. આથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 2024ની સામાન્ય ચૂંટણી પહેલા સરકાર 80Cની લિમિટ વધારીને કરદાતાઓને ખુશ કરી શકે છે.