સરકારે કોર્પોરેટ ટેક્સમાં ૧૦ થી ૧૨ ટકાનો ઘટાડો કર્યા બાદ વ્યાપાર જગતમાં ઉત્સવનું વાતાવરણ થઇ ગયું હતું. શેરબજારની તેજી એ વાતનો પુરાવો છે. જો કે આ ટેક્સ ઘટવાથી સરકારે મોટી આવક જતી કરી છે. આ આવક ઘટવાથી સરકારે મોટી નાણાકીય ખાધ વેઠવી પડે તેવી શક્યતા છે. જો કે નીતિ આયોગે એ શક્યતા નકારી દીધી છે.
કોર્પોરેટ ટેક્સના ઘટાડાથી દેશની નાણાકીય ખાધમાં વધારો નહીં થાય : નીતિ આયોગ
GST ઉપરાંત ડાયરેક્ટ ટેક્સની ઉઘરાણીના આંકડા પણ બજેટના અંદાજા કરતા ઘણા ઓછા
દેશની થીંક ટેંક નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે જણાવ્યું હતું કે દેશમાં કોર્પોરેટ ટેક્સ ઘટવાથી સરકારે ૧.૪૫ લાખ કરોડનો ટેક્સ જતો કર્યો છે. જો કે આ કારણથી નાણાકીય ખાધને કંઈ ખાસ અસર નહીં થાય અથવા તો વધશે નહીં. થોડા સમય માટે નુકશાન જશે તેવી શક્યતા રહેલી છે પરંતુ લાંબા ગાળે આ નાણાકીય ખાધ ઘટાડશે. કારણ કે આ ટેક્સ ઘટવાથી કોર્પોરેટ કંપનીઓને વેગ મળશે જેના પગલે ટેક્સ કલેક્શનમાં વધારો નોંધાશે.
ઉલ્લેખનીય છે કે સરકારે આ શુક્રવારે ૧૦ થી ૧૨ ટકા કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી હતી જેણે કારણે કોર્પોરેટ ટેક્સ ઘટીને ૨૫.૧૭% થઇ ગયો છે જેનું અમીલકરણ ૧ એપ્રિલથી કરવામાં આવશે. આના પગલે આ નાણાકીય વર્ષમાં સરકારને ૧.૪૫ લાખ કરોડની ખોટ જશે.
નાણામંત્રાલયે નાણાકીય ખાધના સવાલો ટાળ્યા
અહી એ પણ નોંધનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને તેમના કેબીનેટના કોઈ અધિકારીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન ટેક્સ ઘટ્યા પછી સરકારને કેટલી નાણાકીય ખાધ પડશે તેને લગતા પ્રશ્નોના જવાબ આપ્યા ન હતા. આ ઉપરાંત RBIના ગવર્નર શક્તીકાંત દાસે સરકારને સરકાર દ્વારા આ પ્રકારના નાણાકીય પગલા ભરવાના જોખમો વિષે ચેતવણી આપ્યાના એક જ દિવસ બાદ પોતાના વિધાનો ફેરવી તોળ્યા હતા અને આ પગલાને વૃદ્ધિને વેગ આપવાના પગલા તરીકે ગણાવ્યા હતા.
ટેક્સ ઉઘરાણીમાં સરકાર લક્ષ્યાંકોથી ઘણી પાછળ
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે સરકારનો મહિના દીઠ ૧ લાખ કરોડનો GST કલેક્શનનો અંદાજ સદંતર ખોટો પડ્યો હતો અને સરકાર ૧ મહિના સિવાય તમામ મહિને આ લક્ષ્યાંકથી પાછળ રહી હતી. આ ઉપરાંત ડાયરેક્ટ ટેક્સના કલેક્શનમાં આ વર્ષે ૧૭.૫% વૃદ્ધિનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો જેની સામે વર્ષના અડધા ભાગમાં ટેક્સના કલેક્શનમાં ફક્ત ૪.૭% વૃદ્ધિ નોંધાઈ છે.
જો કે રાજીવ કુમારનું દ્રઢપણે માનવું છે કે આ કોર્પોરેટ ટેક્સના ઘટાડાને પગલે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સની આવકમાં સારો એવો વધારો થશે કારણકે કોર્પોરેટની આવક અને વૃદ્ધિ વધશે અને દેશમાં ધંધાની તકો અને રોજગારી વધશે.
સરકારની નજર ડાઇવેસ્ટમેન્ટ પર
રાજીવ કુમારે કહ્યું કે આ ઉપરાંત સરકાર ૧.૦૫ કરોડના ડાઇવેસ્ટમેન્ટ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. એસ્સેટ્સના વેચાણથી પણ સરકારને વધુ નાણા મળશે. આમ સરકાર ટેક્સ અને નોનટેક્સ એમ બંને ક્ષેત્રોની મદદથી નાણાકીય ખાધનો ખાડો પૂરવાનો પ્રયત્ન કરી રહી છે.
માથાદીઠ આવક વધારવાનું સરકારનું લક્ષ
રાજીવ કુમારે એમ પણ જણાવ્યું કે ૫% GDP વૃદ્ધિ દર એ ચિંતાજનક ચોક્કસ છે પણ એ આર્થિક કટોકટી આવી ગઈ છે તેમ સાબિત નથી કરતું. આ વર્ષે આપણે આશરે ૬.૫%ના દરે વૃદ્ધિ નોંધાવીશું અને આગામી પાંચ વર્ષનો સરકારનો પ્રયત્ન લોકોની માથાદીઠ આવકને બમણી કરવાનો હશે.