nirmala sitharaman blames upa govt and russia to increase in petrol diesel price
આક્ષેપ /
મોંઘા પેટ્રોલ માટે કોંગ્રેસ અને રશિયા જવાબદાર: નાણામંત્રી સીતારમણે જુઓ શું 'તર્ક' આપ્યો
Team VTV09:56 AM, 30 Mar 22
| Updated: 10:02 AM, 30 Mar 22
પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં સતત વધારા માટે કેન્દ્ર સરકારે અગાઉની યુપીએ સરકાર અને રશિયાને જવાબદાર ગણાવ્યું છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણનો અગાઉની સરકાર પર આક્ષેપ
પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા માટે કોંગ્રેસ અને રશિયા જવાબદાર
યુપીએ સરકાર દ્વારા રજૂ કરાયેલા રૂ. 2 લાખ કરોડના ઓઇલ બોન્ડની અસર
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, અગાઉની યુપીએ સરકારના ઓઈલ બોન્ડ અને યુક્રેન પર રશિયાના હુમલાને કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે.
રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં નાણાપ્રધાને જણાવ્યું હતું કે, ''વૈશ્વિક બજારમાં પુરવઠામાં વિક્ષેપના કારણે છેલ્લાં કેટલાંક સપ્તાહોથી ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. આ સિવાય અગાઉની યુપીએ સરકાર દ્વારા રજૂ કરાયેલા રૂ. 2 લાખ કરોડના ઓઇલ બોન્ડની અસર પણ પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવો પર પડી રહી છે. જો કે, સરકાર તેની સાથે વ્યવહાર કરવા માટે સતત પગલાં લઈ રહી છે.''
2026 સુધી જોવા મળશે તેની અસર
નાણામંત્રીએ કહ્યું કે, ઓઈલ બોન્ડના બદલામાં વર્ષ 2026 સુધીમાં વ્યાજ ચૂકવવું પડશે. જેની સીધી જ અસર કરદાતાઓના પૈસા પર પડશે. એક દાયકા પહેલાં જારી કરાયેલ ઓઈલ બોન્ડનો માર હજુ પણ ગ્રાહકો સહન કરી રહ્યાં છે, જેના પરિણામે રિટેલ માર્કેટમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થઇ રહ્યો છે.
સેસ અને સરચાર્જ પર આપ્યો આ જવાબ
વિપક્ષ દ્વારા વધુ સેસ અને સરચાર્જ વસૂલવાના પ્રશ્ન પર નાણામંત્રીએ કહ્યું કે, તેનો ઉપયોગ સામાજિક સુરક્ષાની યોજનાઓમાં થાય છે. તેઓએ કહ્યું કે, 2013 થી 2022-23 સુધીમાં આરોગ્ય અને શિક્ષણ સેસના રૂપમાં 3.8 લાખ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતાં, જ્યારે 3.90 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતાં. તેમાંથી મોટા ભાગની રકમ કેન્દ્ર દ્વારા રાજ્યોમાં ચલાવવામાં આવતી સામાજિક યોજનાઓમાં ખર્ચવામાં આવી છે.
રાજ્યોના ટેક્સની પણ ભરપાઇ કરાઇ
સીતારમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર કોરોનાકાળમાં વધેલા ખર્ચની ભરપાઈની સાથે-સાથે રાજ્યોનાં ટેક્સ કલેક્શનમાં થયેલી ખામીને પણ ભરપાઈ કરી રહી છે. 28 ફેબ્રુઆરી સુધી અમે 43 હજાર કરોડ રૂપિયા વધારે રાજ્યોમાં વિતરણ કર્યાં છે. તેઓએ એર ઈન્ડિયામાં સરકાર દ્વારા નાણાંના રોકાણ પર પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ દ્વારા ઉઠાવવામાં આવેલાં પ્રશ્ન પર પણ વળતો પ્રહાર કર્યો હતો. જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ઘણાં વર્ષોથી આવું જ કરવામાં આવી રહ્યું છે.