Thursday, June 27, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

નવરાત્રી દેવીના આ 9 સ્વરૂપને સમર્પિત છે જાણો દરેકનું મહત્વ

નવરાત્રી દેવીના આ 9 સ્વરૂપને સમર્પિત છે  જાણો દરેકનું મહત્વ
નવરાત્રી સંસ્કૃત ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે કે નવ રાત. સનાતન ધર્મીઓ એટલે કે હિંદુઓ માટે નવરાત્રીનુ મહત્વ ઘણું અનેરું છે. આ નવ દિવસ સુધી માં આદ્યશક્તિ જગદંબાના જુદા-જુદા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. રાત્રી દરમિયાન મોડે સુધી જાગીને માંના ગરબા ગાઇ અને રમીને તહેવારની ઉજવણી કરવામાં આવે છે. વર્ષમાં નવરાત્રીનો તહેવાર કુલ 4 વખત આવે છે. જેમાં 2 નવરાત્રી ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એકમાત્ર શરદીય નવરાત્રી જ છે જેની ઉજવણી ખૂબ જ વ્યાપક સ્વરૂપે કરવામાં આવે છે. તો જાણીએ નવા દિવસોમાં કયા દિવસે કયા માતાજીની પૂજા અર્ચના કરવાથી કેવું ફળ મળે છે...

પ્રથમ દિવસ- શૈલપુત્રી

શૈલપુત્રીનો અર્થ થાય છે પર્વતની પુત્રી. માં શૈલપુત્રી એટલે હિમાલયની પુત્રી ખુદ પરામ્બા પાર્વતીનું સ્વરૂપ છે. માં શૈલપુત્રી અંખડ સૌભાગ્યની દાતા છે. કોઇપણ પ્રકારની સિદ્ઘિ માટે અને દરેક ક્ષેત્રમાં સફળતા માટે માંના આ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. પોતાનું ધ્યાન શરીરમાં આવેલા મૂલાધાર ચક્ર પર કેન્દ્રિત કરીને નીચેના મંત્ર સાથે શૈલપુત્રીનું ધ્યાન ધરો...

वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्।
वृषारुढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥ 

બીજો દિવસ- બ્રહ્મચારિણી દેવી

બ્રહ્મચારિણી દેવીનો અર્થ થાય છે બ્રહ્મચર્યનું પાલન કરનાર દેવી. માંનું સ્વરૂપ તપસ્વી સ્વરૂપ છે. બ્રહ્મચર્યનો અર્થ પણ તમારે પહેલા સમજી લેવાની જરૂર છે. આ શબ્દ 2 શબ્દથી બન્યો છે. બ્રહ્મ એટલે કે તપ અને ચર્ય એટલે તેમાં વિહાર કરનાર. અર્થાત તપમય જીવન જીવવાવાળી. તમારી વ્રત પૂજામાં આવતી કોઇપણ બાધા અને સમસ્યાને દૂર કરવા માટે માં બ્રહ્મચારિણીનું ધ્યાન કરીને પૂજા કરો.

दधाना करपद्माभ्यामक्षमालाकमण्डलू।
देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा॥ 

ત્રીજો દિવસ- ચંદ્રઘંટા સ્વરૂપ

ચંદ્રઘંટાનો અર્થ થાય છે ચંદ્ર સમાન પ્રકાશમાંન ઘંટ સાથેની દેવી. આ સ્વરુપમાં માતાના મસ્તક પર ઘંટ આકારનો ચંદ્ર હોય છે. જે તમામ નકારાત્મક શક્તિનું નાશનું પ્રતિક છે. આ સ્વરૂપના પૂજન અર્ચન અને ધ્યાનથી માં પોતાના ભક્તોના જીવનમાં ચંદ્રની શીતળતા જેવો આનંદ આપે છે અને તેની આસપાસ રહેલી નકારાત્મકતાનો નાશ કરે છે. માંનું આ સ્વરૂપ ભક્તોના તમામ ભયને હરી લઇને તેમને નિર્ભયતાનું વરદાન આપે છે આ છે તેમના ધ્યાન માટેનો મંત્ર..

पिण्डजप्रवरारुढा चण्डकोपास्त्रकैर्युता।
प्रसादं तनुते मह्यां चन्द्रघण्टेति विश्रुता॥ 
 
ચોથો દિવસ- કૂષ્માંડા સ્વરૂપ

કૂષ્માંડાનો અર્થ થાય છે જેના ચરણોમાં સમગ્ર સંસાર રહેલો છે. માં આદ્યશક્તિના આ સ્વરુપમાંથી જ સમગ્ર સૃષ્ટિનું નિર્માણ થયું હોવાનું શાસ્ત્રો માને છે. તેમની પૂજા કરવાથી દરેક પ્રકારના રોગ અને શોકનો નાશ થાય છે. આ સાથે જ સાધકને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કોઇપણ રોગથી મુક્તિ મેળવવા માટે આ મંત્રથી માં કૂષ્માંડાનું ધ્યાન કરવું જોઇએ. 

वन्दे वांछित कामर्थेचन्द्रार्घकृतशेखराम्।
सिंहरूढाअष्टभुजा कुष्माण्डायशस्वनीम्॥ 

પાંચમો દિવસ- સ્કંદમાતા સ્વરૂપ 

મહાદેવના પુત્ર ભગવાન કાર્તિકેયનું એક નામ સ્કંદ કુમાર છે. અને તેની જ માતા એટલે કે બાળ કાર્તિકેયની માતા પાર્વતિનું આ સ્વરુપ સ્કંદમાતા તરીકે પૂજવામાં આવે છે. દેવી ભાગવતમાં જણાવ્યા પ્રમાણે માતાના આ સ્વરૂપની પૂજાથી સંતાન પ્રાપ્તિનો મનોરથ પૂર્ણ થાય છે. તેમજ વંશ આગળ વધે છે. વાંઝિયાપણાનો શ્રાપ દૂર કરવા માટે માતનું ધ્યાન ધરીને તેમની સાધના કરવી જોઇએ. 

नमामि स्कन्दमाता स्कन्दधारिणीम्। समग्रतत्वसागररमपारपार गहराम्॥ 

છઠ્ઠો દિવસ- માં કાત્યાયની સ્વરૂપ

નવરાત્રીના છઠ્ઠા દિવસે માં કાત્યાયનીનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ઋષી કાત્યાયનની તપસ્યાથી પ્રસન્ન થઈને દેવીએ તેમના ઘરે પુત્રી તરીકે અવતરવાનું વરદાન આપ્યું હતુ. માંનું આ સ્વરૂપ અમોધ ફળદાયક ગણાય છે. એટલે કે સ્વરૂપની પૂજા-અર્ચનાથી એવું ફળ મળે છે જેનો ક્યારેય નાશ નથી થતો. તેમની સાધનાનો મંત્ર છે... 

कंचनाभा वराभयं पद्मधरां मुकटोज्जवलां।
स्मेरमुखीं शिवपत्नी कात्यायनी नमोस्तुते॥ 

સાતમો દિવસ- કાળરાત્રી સ્વરૂપ

માં દુર્ગાનું કાળરાત્રી સ્વરુપ દુષ્ટ અને ખરાબ શક્તિઓનું નાશક છે. દેખાવમાં અત્યંત ભયાવહ માં પોતાના ભક્ત માટે પુત્ર સમાન વાત્સલ મૂર્તી બની જાય છે. તેમનું સ્વરુપ અંધકાર જેવું કાળું વાળ ખુલ્લા અને ગધેડા પર સવારી કરતું છે. આ સ્વરુપમાં માતાને ત્રણ નેત્ર છે. જેનાથી નીકળતું તેજ આસૂરી અને ખરાબ શક્તિનું નાશ કરે છે. માંના આ સ્વરૂપની પૂજા અર્ચના અને ધ્યાનથી તમારા તમામ પ્રકારના ભયનો નાશ થાય છે અને કોઇ ઘોર મુશ્કેલીમાં કે શત્રુ વચ્ચે ફસાઇ ગયા હોવ તો તાત્કાલિક મુક્તિ મળે છે. 

एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता लम्बोष्टी कर्णिककर्णी तैलाभ्यक्तशरीरिणी।
वामपादोल्ल सल्लोहलता कण्टक भूषणा वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥ 

આઠમો દિવસ- મહાગૌરી સ્વરૂપ

મહાગૌરી સ્વરુપ માતાનું સુંદરઆભામંડળ સાથે સર્વશક્તિ સ્વરૂપ છે. માંના આ સ્વરુપને અન્નપૂર્ણા ઐશ્વર્ય પ્રદાતા માનસિક શાંતિ  આપનાર અને સાંસરિક તાપથી મુક્તિ આપનાર માનવામાં આવે છે. માં દૂર્ગાના આ સ્વરુપની પૂજા એટલા માટે કરવામાં આવે છે કેમ કે જ્યારે માતા આ સ્વરૂપે પ્રગટ થયા ત્યારે તેમની ઉંમર 8 વર્ષના બાળા સમાન હતી. 

वन्दे वांछित कामार्थे चन्द्रार्घकृत शेखराम्।
सिंहरूढ़ा चतुर्भुजा महागौरी यशस्वनीम्॥ 

નવમો દિવસ- માં સિદ્ઘિદાત્રી

માં આદ્યશક્તિ પોતાના સિદ્ધિદાત્રી સ્વરુપના પૂજનથી ભક્તની તમામ મનોકામના પૂર્ણ કરે છે. માં સિદ્ધિદાત્રીનું આ સ્વરુપ શાંત મુદ્રામાં રહીને પોતાના ભક્તોને અભયદાન આપ છે. ભગવાન શિવને પતિરુપે પામવા માટે માતાએ હજારો વર્ષ સુધી કઠોર તપસ્યા કરી જેના પરિણામે તેમનો રંગ શ્યામ પડી ગયો હતો. જે બાદ મહાદેવની કૃપાથી ગંગાજળમાં સ્નાન કરીને માતાએ દિવ્ય મનોહર શાંત સ્વરુપ ધારણ કર્યું. તેથી આ સ્વરુપના પૂજનથી માતા પોતાના ભક્તોની લૌકિક અને પારલૌકિક તમામ ઇચ્છાઓ પૂર્ણ કરે છે. 

वन्दे वांछित मनोरथार्थ चन्द्रार्घकृत शेखराम्।
कमलस्थितां चतुर्भुजा सिद्धीदात्री यशस्वनीम्॥ 
 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ