ઉત્તર કોરિયાના પરમાણુ સંકટ પર અમેરિકાએ અપનાવેલા વલણને ચીને આવકાર્યું છે. તેમ છતાં અમેરિકા દ્વારા દક્ષિણ કોરિયામાં તહેનાત કરવામાં આવેલી મિસાઈલ સિસ્ટમ અંગે ચીન દ્વારા નારાજગી વ્યકત કરવામાં આવી છે. હાલ ઉત્તર કેરિયાના મુદ્દાનો ચર્ચાથી સમાધાન લાવવા ચીન અમેરિકા પર દબાણ લાવી રહ્યું છે. જ્યારે અમેરિકા ઉત્તર કોરિયાને તેની જ ભાષામાં જવાબ આપવાના મૂડમાં છે.
ઉત્તર કોરિયા હાલમાં તેની પરમાણુ તાકાતના જોરે અમેરિકા સમક્ષ અનેકવાર યુદ્ધની ધમકી ઉચ્ચારી ચુકયું છે. આ ઉપરાંત સંયુકત રાષ્ટ્રને પણ નષ્ટ કરવાની ધમકી ઉત્તર કોરિયાએ આપી છે. અમેરિકન સરકારે જણાવ્યું છે કે ઉત્તર કોરિયાની કોઈ પણ પ્રકારની સૈનિક કાર્યવાહીને પહોંચી વળવા અમે બધા જ વિકલ્પ ખુલ્લાં રાખ્યા છે. વધુમાં ટ્રમ્પ પ્રસાશને જણાવ્યું કે તેનો ઉદ્દેશ્ય ઉત્તર કોરિયાના પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમ પર રોક લગાવવાનો છે જે સંયુકત રાષ્ટ્રના નિયમોથી વિરુદ્ધ છે.