Team VTV10:02 AM, 25 Apr 17
| Updated: 04:43 PM, 30 Mar 19
કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રવિવારે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના બેટ્સમેનોએ કરેલા અત્યંત કંગાળ દેખાવની સુકાની વિરાટ કોહલીએ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. કોલકાતા સામેના આ મુકાબલામાં બેંગલોરની ટીમ માત્ર 49માં ખખડી ગઇ હતી. આ મુકાબલા બાદ વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે 'અમારા બેટ્સમેનોનો આ સૌથી કંગાળ દેખાવ છે.
અમારા બોલરોએ સારો દેખાવ કર્યો હતો પણ બેટ્સમેનોએ પાણી ફેરવી દીધું છે. અમે અણઘડ બેટિંગ કરી હતી અને આ સિવાય હું વધારે કંઇ જ કહેવા માગતો નથી. આ પ્રકારનો દેખાવ સ્વિકાર્ય નથી જ. જોકે અમે હવે આગામી મુકાબલા પર ધ્યાન કેદ્રિત કરવા માગીએ છીએ. ભૂતકાળમાં કરેલા દેખાવનું વિશ્લેષણ કરીશું તો આવનારી મેચના દેખાવ પર અસર પડશે. અમે આવા કંગાળ દેખાવનું પુનરાવર્તન નહીં કરીએ તેવો વિશ્વાસ છે.'
બીજીબાજુ રોહિત શર્માએ 58 રન ફટકાર્યા હોવા છતાં પૂણે સુપરજાયન્ટ્સ સામેની આઇપીએલ-10 મેચમાં મુંબઇ ઇન્ડિયન્સનો 3 રને પરાજય થયો છે. આઇપીએલની વર્તમાન સિઝનમાં મુંબઇનો સતત છ વિજય બાદ આ સૌપ્રથમ પરાજય છે. વિજય માટે પૂણેએ આપેલા 161ના લક્ષ્યાંક સામે મુંબઇની ટીમ 157 રન નોંધાવી શકી હતી. તો અંતિમ ઓવરમાં મુંબઇને જીતવા 17 રન કરવાના હતા અને તેની 5 વિકેટ જમા હતી.