ઉત્તર કોરિયાએ અમેરિકાને ધમકી આપતાં કહ્યું હતું કે તમારા યુદ્ધ જહાજને ડૂબાડી દેતાં અમને વાર નહીં લાગે. ઉત્તર કોરિયા સાથે વધી રહેલા ટેન્શન પછી ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી યુદ્ધ જહાજ યુએસએસ કાર્લ વિન્સન ઉત્તર કોરિયા તરફ રવાના કર્યું છે. તેનો જવાબ આપતા ઉ.કોરિયાએ આ ધમકી આપી હતી. અત્યારે ઉ.કોરિયા નજીકના સમુદ્રી વિસ્તારમાં અમેરિકી યુદ્ધ જહાજ સાથે જાપાનના બે નેવલ શીપ પણ પહેરો દઈ રહ્યાં છે. માટે ઉ.કોરિયાએ કહ્યું હતુ કે હવે અમારી લશ્કરી તાકાત બતાવવા અમે તમારું જહાજ જ ઉડાવી દઈશું.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના ઉપ-પ્રમુખ માઈક પેન્સ બે દિવસ પહેલા દક્ષિણ કારિયાની મુલાકાતે હતા. મુલાકાત દરમિયાન માઈક પેન્સે દ.કોરિયાની સરહદ ઉપર ઉભા રહીને ઉત્તર કોરિયાની લશ્કરી ગતિવીધિ પણ નિહાળી હતી. બાદમાં પેન્સે કહ્યુ હતુ કે અમારી સેના ઉ.કોરિયાની દરેક હિલચાલને પહોંચી વળવા તૈયાર છે અને યુદ્ધ જહાજ પણ અહીં આવી રહ્યું છે. જોકે યુદ્ધ જહાજ પરથી હુમલો કરાશે કે કેમ તેની અમેરિકાએ સ્પષ્ટતા કરી નથી.