હાલ ગુજરાત રાજ્યમાં આંદોલનનો યુગ આવી ગયો હોય તેમ ઠેર ઠેર આંદોલનો થઇ રહ્યા છે ત્યારે આજે અમરેલી જિલ્લાના રાજુલાના રિલાયન્સ પીપાવાવ શિપયાર્ડ સામે કોન્ટ્રાકટરો અને લેબરોએ હડતાલ પાડીને આંદોલનનો આરંભ કર્યો હતો અને શિપયાર્ડની સામે સુત્રોચાર કરવામાં આવ્યો હતો.
ગુજરાતના દરિયા કાંઠાનું રાજુલાના પીપાવાવનું રિલાયન્સ પીપાવાવ શીપયાર્ડ બહાર મંડપો નાખીને ગુજરાત જન અધિકાર મંચના નેજા નીચે ૫૦૦ ઉપરાંતના લેબરો અને ૧૦૦ ઉપરાંતના કોન્ટ્રાકટરોએ વીજળીક હડતાલ પાડીને શિપયાર્ડ સતાધીશો સામે આંદોલનનો આરંભ કર્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી કોન્ટ્રાકટરોની કરોડો રૂપિયાની બાકી રકમ અને લેબરોના પગાર આ શિપયાર્ડ કંપની ચુકવતી ન હોવાથી આંદોલનનો માર્ગ અપનાવીને પોતાના હક્ક સમાનના પૈસા મેળવવા માટે શિપયાર્ડની સામેજ સુત્રોચાર કરીને પૈસા ચુકવવાની માંગણી દોહરાવી હતી અને હક્કના પૈસા પરત લેવા ગુજરાત જન અધિકાર મંચના પ્રમુખ પ્રવીણ રામે આગેવાની લીધી હતી.
એક હજાર ઉપરાંતના લેબરોના વેતન અને ૧૫૦ જેટલા કોન્ટ્રાકટરોના કરોડો રૂપિયા બાકી હોવા છતાં રિલાયન્સ પીપાવાવ શિપયાર્ડ કંપની બે ત્રણ વર્ષથી ચુકવતી ન હોવાથી શોષણનો ભોગ બનતા લોકોની વહારે આવીને ન્યાય માટે આંદોલન આરંભીને લડતનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો આ આંદોલનમાં કોંગ્રેસ પણ જોડાઈને શોષણનો ભોગ બનતા કોન્ટ્રાકટરો અને લેબરોને ન્યાય અપાવવા કમર કસી છે.
મજુરો કોન્ટ્રાકટરોની ૯૦ કરોડ જેવી રકમ બે ત્રણ વર્ષથી કંપની પાસે બાકી હોવા છતાં કંપની મચક ન આપતા આજથી હડતાલ પાડીને જ્યા સુધી શોષણશાહી બંધ ન થાય અને પૈસા ન મળે ત્યાં સુધી આંદોલન શરુ રાખવાનો હુંકાર કોંગ્રેસ અગ્રણીએ કર્યો હતો. સ્થાનિક સાથે રાજ્ય બહારના લેબરો પણ રોજી રોટી માટે આ પીપાવાવ શીપયાર્ડમાં મજુરીકામ કરતા હોવા છતાં ત્રણ-ત્રણ વર્ષથી જીવન નિર્વાહ માટેનું વેતન મળતું ન હોવાથી ઓઉટ સ્ટેટના મજુરો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.