અમદાવાદમાંથી એક ખંડણીખોર વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી લોકોને ફેસબુક દ્વારા મેસેજ મોકલીને ખંડણીની વસૂલી કરતો હતો. જાણકારી મુજબ મુળ ગોરખપુરનો રહેવાસી ચંદન સિંહ 10 હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપી છે. આ ઉપરાંત તેના પર અન્ય 15 હત્યાની કોશિસના પણ કેસ નોંધાયેલા છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મુજબ સ્થાનિક વેપારીઓ ચંદનના માત્ર 1 મેસેજ કરવા માત્રથી લાખો રૂપિયા આપવા માટે સંમત થઈ જતા હતા. ચંદન કેટલીય વાર જેલમાંથી ફરાર થઈ ગયો છે. અમદાવાદમાં છુપાયેલા ચંદન વિશે લખનઉની ATFને જાણકારી મળી હતી. જે બાદ તેમણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસે મદદ માંગી હતી.
જે પછી ક્રાઈમ બ્રાન્ચના DCP દિપન ભદ્રનના નેતૃત્વમાં ટીમે ચંદનને ઝડપી પાડ્યો હતો. જેમાં ચંદને કબૂલ્યું હતું કે તે મુંબઈથી AK-47 લઈ જઈ રહ્યો હતો. આ પહેલા 2010માં તેણે એક વેપારીની હત્યા કરીને 15 લાખ રૂપિયાની લૂંટ કરી હતી. અત્યાર સુધીમાં તે યુપી અને બિહારમાંથી કરોડો રૂપિયાની ખંડણી માંગી ચૂક્યો છે. પૈસાની માંગણી માટે તે ફેસબુક અને ટ્વીટરનો ઉપયોગ કરીને મેસેજ કરતો હતો.
ડાકૂ ચંદને અમદાવાદ પોલીસને જણાવ્યું કે તે યુપી પોલીસથી બચવા માટે અમદાવાદ આવ્યો હતો. તેનું કહેવું હતું કે યુ.પીની પોલીસ તેને જાનથી મારી નાખશે અને તેણે ત્યાં કોઈ પણ ગુનો કર્યો નથી.