દેશમાં નોટબંધી જાહેરાત બાદથી અનેક બેંકોમાં મોટાપાયે ગોટાળાની ફરિયાદો મળી હતી. હાલમાં સરકારે લોકોને આ પ્રકારના કૌભાંડ અને ગોટાળાની માહિતી ઈમેલ દ્વારા જણાવાવા કહ્યું હતું જેને પગલે આવકવેરા વિભાગને ચાર હજારથી વધારે મેઈલ મળ્યા છે.
સિનિયર ઓફિસરોના જણાવ્યા મુજબ મલ્ટીપલ એકાઉન્ટ અને મલ્ટી ટ્રાન્જેક્શનની ફરીયાદો મળતાં આ સર્ચ કરવામાં આવ્યું છે. અમદાવાદ આયકર વિભાગને AXIS બેંકમાં ચાલી રહેલા ગોટાળાની ફરીયાદ મેઇલ દ્વારા મળી હતી.
જે પછી આયકર વિભાગની ટીમે એસઆરપીની ટીમ સાથે AXIS બેંકની શાખામાં પહોંચીને સર્ચ શરૂ કર્યું હતું. કલાકો સુધી ચાલેલા સર્ચમાં બેંકના શંકાસ્પદ એકાઉન્ટની વિગતો તપાસાઇ હતી. મલ્ટી ટ્રન્જેક્શન તથા RTGS તથા ઘણા મોટા અને શંકાસ્પદ ટ્રાન્જેકશનની વિગતો આયકર વિભાગની ટીમે ચકાસી હતી.
ઉલ્લેખનીય છે કે જાણીતી જિલ્લા સહકારી બેંક ADC બેકમાં પણ EDની ટીમે કલાકો સુધી સર્ચ કરીને ઘણી વિગતો એકત્રિત કરી છે. જેની તપાસમાં પણ ઘણા ચોંકવનારા તથ્યો બહાર આવે તેવી સંભાવના જોવા મળી રહી છે. સાથે સાથે અમદાવાદની પાંચ બેંકમાં પણ EDએ સર્ચ કર્યું હતું તેને પગલે પણ આ બેંકોના કર્મચારીઓ અધિકારીઓ સામે પગલાંની તલવાર તોળાઇ રહી છે.