આજે આશરે સાડા અગ્યાર વાગ્યે રાજકોટ એસ.ટી ડેપોને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ફોન આવતા બોમ્બ સ્કવોડ ડોગ સ્કવોડ ક્રાઇમ બ્રાન્ચ સહીતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. એસ.ટી બસ સ્ટેન્ડનાં ઇન્કવાયરી કાઉન્ટર પર ફોન આવ્યો હતો અને મનિષ દેવડા બોલતો હોવાનું જણાવીને કહ્યું હતું કે એસ.ટી ડેપોમાં અલગ અલગ ત્રણ સ્થળોએ બોમ્બ મુકવામાં આવ્યા છે અને એસટી બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે તેવી ધમકી આપી હતી.
જોકે ઇન્કવાયરી કાઉન્ટર પર કોલર આઇડી લગાવેલું હોવાથી 9904346581 નંબર પરથી ફોન આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતું. જેને આધારે ડેપો મેનેજર અને સ્ટાફ દ્રારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને એસ.ટી બોમ્બ મુક્યો હોવાનો ફોન આવ્યો હોવાની જાણ થતા પોલીસ કાફલો બસ સ્ટેન્ડે દોડી ગયો હતો અને બસ સ્ટેન્ડનું સધન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે ચેકિંગ દરમિયાન પોલીસને કોઇ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નહોતી. પરંતુ પોલીસે કોલર આઇડીનાં આધારે ફોન કરનારનાં નંબર મેળવીને તપાસ કરતા વિજય મહેતા નામનાં વ્યક્તિએ ફોન કર્યો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે શંકાસ્પદ વિજય મહેતા નામનાં શખ્સની અટકાયત કરીને પુછપરછ શરૂ કરી છે. મહત્વનું છે કે ચાલું વર્ષે રાજકોટ એસ.ટી બસ સ્ટેન્ડમાં બોમ્બ મુકવામાં આવ્યો હોવાની આ ત્રીજી ઘટના સામે આવી છે. ત્યારે આ શખ્સે ફોન કર્યો કે અન્ય શખ્સે તેમજ ક્યાં કારણથી ફોન કરીને ધમકી આપી તે અંગે પોલીસે વધું તપાસ શરૂ કરી છે.