આપણે એવા દેશમાં રહીએ છીએ જ્યાં એક ગામની પંચાયત સામૂહિક બળાત્કારની સજા સંભળાવે છે.અને 12 નરાધમો 20 વર્ષની યુવતી પર તૂટી પડે છે.સાંભળીને અજીબ લાગશે પરંતું આ હકિકત છે.હકિકત છે આપણી અવિકસીત માનસિકતાની હકિકત છે આપણા વિચારો અને સમજશિ~તની.આ એવી હકિકત છે જેને પચાવવી 21મી સદીના ભારત માટે ભારે પડશે.વાત છે પશ્ચિમ બંગાળના બીરભૂમની જ્યાં પંચાયતે પ્રેમ કરવાની સજા સામૂહિક બળાત્કાર આપી.આ ઘટના જ્યારે સુપ્રીમકોર્ટને જાણ થઈ ત્યારે જિલ્લા કોર્ટને તપાસના આદેશ આપી દીધા છે.
દેશનું પશ્ચિમ બંગાળ રાજ્ય જ્યાંના મુખ્યમંત્રી એક મહિલા છે.અને તેમના જ રાજ્યમાં એક મહિલા એવી પંચાયતની સજાનો ભોગ બને છે જે સાંભળતા જ માનવ હદય દ્રવી ઉઠે.પશ્ચિમ બંગાળના બીરભૂમમાં ગત સોમવારે સામૂહિક બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી ત્યારે દરેકના મો માંથી હે ભગવાન ! નામનો શબ્દ જરૂર નીકળી ગયો હશે.કારણકે 12 નરપિશાચોએ સામૂહિક બળાત્કાર ગુજારી એક 20 વર્ષીય યુવતીના સ્વપ્નો ચૂર ચૂર કરી નાખ્યા.સામાન્ય રીતે તો પ્રેમને ઈશ્વરનું રૂપ માનવામાં આવે છે પરંતુ પ્રેમનો અર્થ સમજવામાં બીરભૂમની પંચાયત નિષ્ફળ નીવડી છે. અને તેથી જ પતંગીયા માફક પોતાના સ્વપ્નોને યુવાનીની પાંખમાં લઈને ઉડતી યુવતીની જીંદગી બરબાદ કરી નાખી.
અન્ય સમૂદાયના યુવક સાથે સંબંધ રાખવા મામલે બીરભૂમની પંચાયત યુવતીથી નારાજ હતી.સમાચારો મુજબ પંચાયતે યુવતી પર 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.જ્યારે યુવતી દંડની ભરપાઈ ન કરી શકી તો તેના પર સામૂહિક બળાત્કાર ગુજારવાની સજા સંભળાવી દીધી.આ ઘટનાની જ્યારે સુપ્રીમકોર્ટને જાણ થઈ ત્યારે દેશની સર્વોચ્ચ અદાલતે આ મામલે નોંધ લીધી.અને કોર્ટે જિલ્લા જજને ઘટનાસ્થળે જઈને તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે.તો આવો બર્બરી હુકમ સંભળાવનાર ગ્રામ પ્રધાનની પણ ધરપકડ કરી લીધીછે. બીરભૂમના લાભપુરમાં 20 વર્ષીય આદિવાસી યુવતી પર કથિત રીતે 12 લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.કોર્ટે તમામ આરોપીઓને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.કોર્ટના આદેશ બાદ ઘટનાની તપાસ તો થશે.પરંતુ દેશની સર્વોચ્ચ અદાલતે આ વખતે કંઈક એવા પગલાં લેવા જોઈએ જેનાથી આવા બર્બર લોકો કંઈ પણ કરતા પહેલા સો વખત વિચાર કરે.અને ત્યારે જ સાચા અર્થમાં ભારતમાં મહિલાઓનું સન્માન થયું ગણાશે.