સુરત જિલ્લાના કીમગામના જાહેર માર્ગ પર ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ હોવા છતા પણ ભારે વાહનો કાયદાની એસીતેસી કરી પસાર થાય છે અને અકસ્માત નોતરે છે. જેને લઇને કીમ ગામની મહિલાઓ અને પુરૂષાએ રોડ પર ઉતરી ભારે વાહનો અટકાવી વિરોધ વ્યકત કર્યો હતો.
ભારે વાહનોને પગલે મહિલાઓએ ગ્રામપંચાયતમાં આ અંગે રજૂઓતો કરી હતી..પરંતુ પંચાયતે હાથ ઉંચા કરી લેતાં વિફરેલા મહિલાના ટોળાએ પોલીસ સ્ટેશન માર્ગ અને મકાન ખાતા કચેરીએ રજૂઆત કરવા ગયા હતા.તો કચેરીએ પણ તાળું હોવાથી તાળા સાથે જ આવેદનપત્ર લટકાવી વિરોધ કરી ચેતવણી આપી હતી. અને આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહી આવે તો આવનારા સમયમાં રોડ પર સખ્ત વિરોધ કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
કીમગામના જાહેર રોડ પર માતેલા સાંઢની માફક દોડતા વાહનોને લઇને અવાર નવાર અકસ્માત સર્જાય છે. જેમાં ધણાં લોકોએ જીવ ગુમાવ્યા છે..ત્યારે તંત્રની ઉદાસીન નિતીના કારણે મહિલાઓ જાહેર રોડ પર ઉતરીને કીમ રોડ પર સ્પીડ બેકર મુકવાની માગ કરી હતી. જેમાં ગ્રામપંચાયતના મહિલા સંરપચે ખાતરી આપતા મામલો થાળે પડયો હતો.
સવાર સાંજ થતાં ટ્રાફિકના કારણે લોકો પરેશાન છે. શાળાએ જતા બાળકો કે પછી નોકરીએ જતા લોકો ઘરે પરત હેમખેમ ફરશે કે કેમ તેની ચિંતા મહિલાઓને સતાવે છે.કીમ ગામ છેલ્લા વીસ વર્ષથી ટ્રાફિકના ખપ્પરમાં હોમાતુ રહયું છે. ભારે વાહનોના કારણે થતાં અકસ્માતને પગલે સુરત જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી તો દીધું છે. પણ તેનો અમલ કાગળ પર જ રહ્યો છે.