બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / new parliament house inauguration opposition boycotts event, opposes PM modi

રાજનીતિ / નવા સંસદ ભવનના ઉદ્ઘાટન પહેલા વિપક્ષ લાલચોળ, 19 પાર્ટીઓએ બૉયકોટનું કર્યું એલાન, જાણો સમગ્ર વિવાદ

Priyakant

Last Updated: 12:51 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

New Parliament Building News: PM મોદીના હસ્તે નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈ મામલો ગરમાયો, વિપક્ષી પક્ષો PM મોદીની  કરી રહ્યા છે ટીકા, 19 વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન સમારોહ કરશે બહિષ્કાર

  • નવા સંસદ ભવનના ઉદ્ઘાટન પહેલા વિપક્ષ દ્વારા વિરોધ શરૂ 
  • 28 મેના રોજ થશે દેશના નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન
  • 19 વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની કરી જાહેરાત 

દિલ્હીમાં દેશના નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન 28 મેના રોજ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઈમારતનું ઉદ્ઘાટન કરશે. આ તરફ હવે આ ઈમારતને લઈને દેશમાં રાજકારણ શરૂ થઈ ગયું છે. વિપક્ષી પક્ષો PM મોદીની ટીકા કરી રહ્યા છે. 19 વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આજે અમે તમને જણાવીશું કયા પક્ષે આ કાર્યક્રમને લઈ શું કહ્યું અને કેમ આ કાર્યક્રમનો વિરોધ થઈ રહ્યો છે. 

શું છે સમગ્ર વિવાદ ? 
નવી સંસદ ભવન સાથે જોડાયેલો વિવાદ એ ટ્વીટ બાદ શરૂ થયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે,  ઈમારતનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કરવું જોઈએ, પીએમએ નહીં. આ ટ્વીટ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 21 મેના રોજ કરી હતી. આ રીતે વિપક્ષે રાષ્ટ્રપતિને ન બોલાવવા પર ઘેર્યા હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું, રાષ્ટ્રપતિએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ, વડાપ્રધાને નહીં!

કોંગ્રેસના પૂર્વ ઉપનેતા આનંદ શર્માનું મોટું નિવેદન
વરિષ્ઠ સાંસદ અને રાજ્યસભામાં કોંગ્રેસના પૂર્વ ઉપનેતા આનંદ શર્માએ કહ્યું કે, વડાપ્રધાન મોદી સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન કરે તે બંધારણીય રીતે યોગ્ય નથી. તેની જરૂર છે કે કેમ તે પ્રશ્ન ઊભો થાય છે. કોઈ મોટી લોકશાહીએ આવું કર્યું નથી. હકીકતમાં 18 મેના રોજ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પીએમને નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું, જ્યારે નવી સંસદનો શિલાન્યાસ થયો ત્યારે રાષ્ટ્રપતિને દૂર રાખવામાં આવ્યા હતા અને હવે રાષ્ટ્રપતિને નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટનથી પણ દૂર રાખવામાં આવી રહ્યાં છે. આ વ્યાજબી નથી. વડાપ્રધાને રાષ્ટ્રપતિને ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવા વિનંતી કરવી જોઈએ.

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ શું કહ્યું ? 
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટ કર્યું, નવા સંસદ ભવનનાં શિલાન્યાસ પ્રસંગે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, ન તો ઉદ્ઘાટન પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મુને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સરકાર, વિપક્ષ અને નાગરિકોનું પ્રતિનિધિત્વ માત્ર રાષ્ટ્રપતિ જ કરે છે. તે ભારતના પ્રથમ નાગરિક છે. રાષ્ટ્રપતિ દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન સરકારના લોકશાહી મૂલ્ય અને બંધારણીય ગૌરવને પ્રતિબિંબિત કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે ટ્વિટ કર્યું હતું- બંધારણની કલમ 60 અને 111 સ્પષ્ટ કરે છે કે રાષ્ટ્રપતિ સંસદના વડા છે અને તેથી તેમણે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ. 

આમ આદમી પાર્ટીએ પણ નોંધાવ્યો વિરોધ 
આ તરફ આમ આદમી પાર્ટીનો આરોપ છે કે, સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપીને ભાજપે આદિવાસીઓ અને પછાત સમુદાયોનું અપમાન કર્યું છે. AAP સાંસદ સંજય સિંહે કહ્યું કે, ભાજપ દલિત, પછાત અને આદિવાસીઓનો જન્મજાત વિરોધી છે. તેમણે ટ્વીટ કર્યું કે, ભાજપ દલિતો, પછાત આદિવાસીઓનો જન્મજાત વિરોધી છે. મહામહિમના અપમાનની બીજી ઘટના. પ્રથમ અપમાન એ હતું કે, ભગવાન શ્રી રામના મંદિરના શિલાન્યાસ સમારોહ માટે રામનાથ કોવિંદને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. બીજું અપમાન એ હતું કે, મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રણ ન આપવું.

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ શું કહ્યું ? 
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદનું ઉદ્ઘાટન શા માટે કરવું જોઈએ? તેઓ કારોબારીના વડા છે, ધારાસભાના નહીં. આપણી પાસે સત્તાનું વિભાજન છે. લોકસભાના માનનીય સ્પીકર અને રાજ્યસભાના અધ્યક્ષ ઉદ્ઘાટન કરી શકે છે. તે જનતાના પૈસાથી બને છે, પીએમ કેમ એવું વર્તન કરી રહ્યા છે કે, જાણે તેમના 'મિત્રો'એ તેમના અંગત ભંડોળથી તેને સ્પોન્સર કર્યું હોય? 

વિપક્ષી પાર્ટીઓએ ઉઠાવ્યો વિરોધ 
ટીએમસી સાંસદ સૌગતા રોયે કહ્યું કે, અમે પીએમના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના વિરોધમાં છીએ. રાષ્ટ્રપતિએ તેનું ઉદ્ઘાટન કરવું જોઈએ. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સાંસદ મનોજ ઝાએ કહ્યું, 'શું એવું ન થયું હોય કે રાષ્ટ્રપતિએ સંસદના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવું જોઈએ... જય હિંદ.' CPI(M)ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ ટ્વિટ કર્યું કે, નવી સંસદ ભવનનો શિલાન્યાસ થઈ રહ્યો હતો ત્યારે PM મોદીએ રાષ્ટ્રપતિને બાયપાસ કર્યા હતા. પરંતુ ઉદ્ઘાટન સમારોહમાં પણ મહામહિમ રાષ્ટ્રપતિની અવગણના કરવી અસ્વીકાર્ય છે.

28 મેની તારીખને લઈ ઊભા થયા સવાલો 
કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ પણ ઉદ્ઘાટનની તારીખ પર સવાલ ઉઠાવ્યા છે. ખરેખર 28 મે એ વીર સાવરકરની જન્મજયંતિ છે. તેમનો જન્મ 28 મે 1883ના રોજ થયો હતો. આ વર્ષે તેમની 140મી જન્મજયંતિ 28મી મેના રોજ ઉજવવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે, વીર સાવરકરની જન્મજયંતિ પર નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે તે માત્ર એક સંયોગ છે કે પછી તે સુનિયોજિત છે. 

શું કહેવું છે કોંગ્રેસનું ? 
આ સમગ્ર મામલે કોંગ્રેસનું કહેવું છે કે, 28 મે એ હિન્દુત્વના વિચારક વિનાયક દામોદર સાવરકરની જન્મજયંતિ છે. આ દિવસે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું એ રાષ્ટ્રનિર્માતાઓનું અપમાન છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કર્યું, આપણા તમામ રાષ્ટ્ર નિર્માતાઓનું અપમાન. ગાંધી, નેહરુ, પટેલ, બોઝ વગેરેને સદંતર નકારવામાં આવ્યા છે. ડૉ.આંબેડકરને પણ ધિક્કારવામાં આવ્યા છે. 

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુખેન્દુ શેખર રોયે ટ્વીટને રી-ટ્વીટ કરીને કહ્યું, આ વર્ષે 26 નવેમ્બરે ભારતીય બંધારણને સંસદીય લોકશાહીમાં રજૂ કર્યાને 74 વર્ષ થશે. આ દિવસે સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું યોગ્ય હતું, પરંતુ 28 મે એ સાવરકરની જન્મજયંતિ છે- તે કેટલું સુસંગત છે? TMC સાંસદ સુદીપ બંદોપાધ્યાયે કહ્યું કે, ઉદ્ઘાટન કાર્યક્રમ સ્વતંત્રતા દિવસ, અથવા પ્રજાસત્તાક દિવસ અથવા ગાંધી જયંતિ પર આયોજિત થવો જોઈએ અને વીડી સાવરકરની જન્મજયંતિ પર નહીં.

ભાજપે વળતો પ્રહાર કરી શું કહ્યું ? 
કોંગ્રેસ પર પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ કહ્યું, જ્યાં અસ્તિત્વ જ નથી ત્યાં વિવાદ ઉભો કરવો કોંગ્રેસની આદત છે. જ્યારે રાષ્ટ્રપતિ દેશના વડા હોય છે, વડાપ્રધાન સરકારના વડા હોય છે, તેઓ સરકાર વતી સંસદનું નેતૃત્વ કરે છે, જેની નીતિઓ કાયદાના સ્વરૂપમાં લાગુ કરવામાં આવે છે.  રાષ્ટ્રપતિ કોઈપણ ગૃહના સભ્ય નથી જ્યારે વડાપ્રધાન છે. કેટલાક લોકોને રાજકીય રોટલા શેકવાની આદત પડી ગઈ છે. ઓગસ્ટ 1975માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ સંસદ એનેક્સીનું ઉદ્ઘાટન કર્યું હતું અને 1987માં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ સંસદ પુસ્તકાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. જો કોંગ્રેસ સરકારના વડા સંસદનું ઉદ્ઘાટન કરી શકે છે તો આપણી સરકારના વડા શા માટે નથી કરી શકતા? કોંગ્રેસને 'નકામી' ગણાવતા ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું, 'વીર સાવરકર દરેક ભારતીયનું ગૌરવ છે. જે લોકો તારીખો પર સવાલ ઉઠાવી રહ્યા છે, તેમને કહો કે, તેઓ તુચ્છ છે, વીર સાવરકરના પગની ધૂળને લાયક પણ નથી.  

બહિષ્કારને લઈને કોંગ્રેસ પર સસ્પેન્સ
વિરોધ પક્ષોએ સંસદના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ આરજેડી અને જેડીયુ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરશે. આ સાથે TMC, AAP, ઉદ્ધવ જૂથની શિવસેના, સમાજવાદી પાર્ટી, શરદ પવારની NCP, CPI અને CPI (M) એ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેઓ બહિષ્કાર કરશે. 

શું કહ્યું TMCએ ? 
ટીએમસી સાંસદ સુદીપ બંદોપાધ્યાયનું કહેવું છે કે, જૂના સંસદ ભવનનું શું થશે તે અંગે વિરોધ પક્ષોને અંધારામાં રાખવામાં આવ્યા છે. સરકાર આ અંગે મૌન સેવી રહી છે. તેમની પાર્ટી નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર કરશે. TMC રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ'બ્રાયને ટ્વિટ કર્યું- સંસદ માત્ર નવી ઇમારત નથી. તે વર્ષો જૂની પરંપરાઓ, મૂલ્યો, દાખલાઓ અને નિયમો સાથેની સ્થાપના છે. આ ભારતીય લોકશાહીનો પાયો છે. વડાપ્રધાન મોદી કદાચ આ વાત સમજી શકતા નથી. તેમના માટે રવિવારે નવી ઇમારતનું ઉદ્ઘાટન 'મારું, મારું અને મારા માટે' કરતાં વધુ કંઈ નથી, તેથી અમને તેમાંથી બહાર ગણો.

આ તરફ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પીએમ મોદી દ્વારા સંસદભવનના ઉદ્ઘાટનમાં હાજરી આપશે નહીં. આ કાર્યક્રમમાં સમાજવાદી પાર્ટીના નેતાઓ ભાગ નહીં લે. AAP રાજ્યસભાના સાંસદ સંજય સિંહે ટ્વિટ કર્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહામહિમ રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપવાના વિરોધમાં આમ આદમી પાર્ટી ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરશે. CPI જનરલ સેક્રેટરી ડી રાજાએ કહ્યું કે તેમની પાર્ટી ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે નહીં. ઉદ્ધવ ઠાકરે જુથના નેતા સંજય રાઉતે કહ્યું કે, સેન્ટ્રલ વિસ્ટા જરૂરી નથી. તેમણે કહ્યું કે તેમના નેતાઓ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરશે.

નવું સંસદ બનતા 28 મહિના થયા 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર 2020ના રોજ નવા સંસદ ભવનનાં નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો. આ કામ માટે સંસદના બંને ગૃહો, રાજ્યસભા અને લોકસભાને 5 ઓગસ્ટ 2019ના રોજ વિનંતી કરવામાં આવી હતી. નવી સંસદ બનાવવાનું ટેન્ડર સપ્ટેમ્બર 2020માં ટાટા પ્રોજેક્ટને આપવામાં આવ્યું હતું. તેની કિંમત 861 કરોડ રૂપિયા માનવામાં આવી હતી. બાદમાં કેટલાક વધારાના કામોને કારણે આ કિંમત 1,200 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. ચાર માળના સંસદ ભવનમાં લોન્જ, લાયબ્રેરી, સભ્યો માટે કમિટી રૂમ તેમજ પાર્કિંગ માટે પૂરતી જગ્યા હશે. સંસદની વર્તમાન ઇમારતમાં લોકસભામાં 550 અને રાજ્યસભામાં 250 માનનીય સભ્યોની બેઠકની જોગવાઈ છે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંસદના નવનિર્મિત ઈમારતમાં લોકસભામાં 888 અને રાજ્યસભાના 384 સભ્યોની બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

New parliament building PM મોદી ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર નવા સંસદ ભવન નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વિપક્ષી દળ new Parliament building
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ