New blood test capable of detecting multiple types of cancer
સારવાર /
કેન્સરના દર્દીઓ માટે આશીર્વાદ સમાન આ નવી ટેકનોલોજી, 20થી વધુ પ્રકારના કેન્સર થશે ડિટેક્ટ
Team VTV10:46 PM, 18 Feb 20
| Updated: 10:47 PM, 18 Feb 20
કેન્સરની બિમારીના અસરકારક ઉલાજ માટે તેનું વહેલું નિદાન થવું જરુરી છે. દર્દીઓ માટે આશીવાર્દ સમાન બની શકે તેવી નવી ટેકનોલોજીથી હવે માત્ર બ્લડ ટેસ્ટ કરીને 20 જેટલા કેન્સરને ડિટેકટ કરી શકાશે. દુનિયાભરમાં આમ તો કેન્સરને બ્લડ ટેસ્ટથી જાણી શકાય તેના પર સંશોધન ચાલી રહ્યા છે. લોહીમાં રહેલા પ્રોટિન,ડીએનએ અને આરએનએમાં થયેલા ફેરફાર કે જેને બાયોમાર્કર્સ કહે છે તેના આધારે કેન્સરની ભાળ હવે મેળવી શકાશે.
એક ખાનગી કંપનીના વિજ્ઞાનીઓએ કરેલા સંશોધનને હાર્વર્ડ યુનિવર્સિટિની કેન્સર ઇન્સ્ટિટયુટના વિજ્ઞાઈઓએ ચકાસણી કરી હતી. કેટલાક મિથાઇલ બેઝ્ડ કેમિકલ શરીરમાં ચોક્કસ જીનને ઓન કે ઓફ કરે છે. જયારે આ સિસ્ટમ ખોરવાય ત્યારે કેન્સર હોવાની જાણ થાય છે.
વિજ્ઞાનીઓએ આ માટે 3600 જેટલા લોકોના બ્લડ સેમ્પલ લીધા હતા.જેમાં જેમને કેન્સર ન હતા તેવા લોકો ઉપરાંત 20 જેટલા વિવિધ કેન્સરથી પિડાતા લોકોના બ્લડ સેમ્પલની તપાસ કરી હતી. નવા બ્લડ ટેસ્ટમાં કેન્સર ડિટેકટ કરવામાં 99.4 ટકા કેસોમાં સફળતા મળી હતી.એટલે કે માત્ર 0.6 ટકા સેમ્પલમાં બ્લડ ટેસ્ટથી કેન્સરની ખબર પડી ન હતી. આ સફળતા જબરદસ્ત છે. હજુ વધુ સંશોધન બાદ આ બ્લડ ટેસ્ટથી 100 ટકા કેન્સર ડિટેકટ થઇ શકશે.
બ્લડ ટેસ્ટથી બ્રેસ્ટ કેન્સર ઉપરાંત ગોલ બ્લેડર,ફેફસા,પેનક્રિયાસ અને લ્યુકેમિયા જેવા કેન્સરને ડિટેકટ કરી શકાય છે. નવા સંશોધનને યુરોપિયન સોસાયટી ફોર મેડિકલ ઓન્કોલોજી કોંગ્રેસમાં રજુ કરાયું હતું. અનેક સંશોધનો છતાં કેન્સરની બિમારી મેડિકલ અને વિજ્ઞાન જગત માટે હજુ મોટો પડકાર છે. દુનિયામાં થતાં દર સાતમાંથી એક મોત કેન્સરથી થાય છે. તેનું સૌથી મોટું કારણ મોડુ નિદાન પણ છે. અનેક પ્રકારના કેન્સરમાં છેક ત્રીજા કે ચોથા સ્ટેજ સુધી બિમારી પહોંચી જાય ત્યારે ખબર પડે છે. ત્યારે ઘણી વખત મોડું થઇ જાય છે. આ ઉપરાંત લોકોમાં જાગૃતિનો પણ હજુ અભાવ છે.