જો તમે મેગી ખાવાના શોખીન છો તો આ સમાચાર તમારા માટે છે. આપને જણાવી દઇએ કે દેશની સૌથી મોટી ફૂડ કંપની નેસ્લે ઇન્ડિયાએ પ્લાસ્ટિક વેસ્ટથી બચવા માટે એક ખાસ અભિયાન હાથ ધર્યું છે. લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને મેગીએ 'મેગી રેપર્સ રિટર્ન' પ્રોગ્રામ શરૂ કર્યો છે. જેમાં ગ્રાહકને મેગી મફતમાં આપવામાં આવશે.
આ ઓફર હેઠળ તમારે માત્ર એટલું કામ કરવાનું છે કે જ્યારે તમે મેગી ખરીદીને બનાવો ત્યારે તેના રેપરને ડસ્ટબીનમાં નાંખવાને બદલે તેને એકઠાં કરવા. જ્યારે તમારી પાસે 10 રેપર થાય ત્યારે તમારે કંપનીને પરત કરવાના રહેશે.
આ 10 રેપરના બદલામાં કંપની તરફથી તમને એક મેગી નૂડલ્સનું પેકેટ એકદમ ફ્રીમાં આપવામાં આવશે. આપને જણાવી દઇએ કે આ પ્રોજેક્ટ હાલ દહેરાદૂન અને મસૂરીમાં પ્રાથમિકતાના ધોરણે શરૂ કરવામાં આવેલ છે.
નેસ્લે ઇન્ડિયાના પ્રવક્તાએ આ મામલે વધુ વાતચીત કરતા જણાવ્યું કે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ કરવા માટે કંપની દ્વારા આ પ્રકારની ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત કંપની અત્યારે 250 જેટલા રિટેલર્સ સાથે કામ કરી રહી છે અને અમને આશા છે કે કંપની દ્વારા શરૂ કરવામાં આવેલ આ ખાસ અભિયાનમાં મોટી સંખ્યામાં મેગીના ચાહકો જોડાશે. જેના કારણે લોકોમાં જાગૃતિ પણ આવશે.