Navarangpura incident: 2.80 lakhs were withdrawn from bank account even if OTP password was not given,
અમદાવાદ /
નવરંગપુરાનો બનાવ: OTP પાસવર્ડ ન આપ્યો તો પણ બેન્ક ખાતામાંથી 2.80 લાખ ઉપડી ગયા, ધડાધડ 30 OTP પડ્યા પછી જુઓ શું બન્યું
Team VTV11:30 PM, 22 Mar 23
| Updated: 12:31 AM, 23 Mar 23
અમદાવાદમાં OTP ન આપ્યો છતાં પણ બેન્ક ખાતામાંથી ર.૮૦ લાખ ઉપડી ગયાનું સામે આવ્યું છે.
ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓમાં પણ ચિંતાજનક રીતે ઉછાળો
અમદાવાદમાં OTP ન આપ્યો છતાં પણ બેન્ક ખાતામાંથી ર.૮૦ લાખ ઉપડી ગયા
ડિજિટલ યુગમા ડિજિટલ યુગની બલિહારી કહી શકાય તેમ ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓમાં પણ ચિંતાજનક રીતે ઉછાળો આવી રહ્યો છે. આવા કિસ્સાઓને રોકવા સ્વયં જાગૃતિ સિવાય બીજું કોઈ મોટું હથિયાર પણ ન હોવાથી પોલીસનો પણ છેતરપીંડી અટકાવવા પન્નો ટૂંકો પડી રહ્યો છે અને ધારી સફળતા મળી નથી. ક્યારેક વીડિયો કોલ મારફતે, તો ક્યારેક લિંક દ્વારા અને ક્યારેક સસ્તી વસ્તુ બતાવી ગ્રાહકને ખરીદવા માટે આકર્ષવાના પેતરા રચી અને અમુક કિસ્સાઓમાં એટીએમ પાનકાર્ડના પીન માંગી છેતરપીંડી કરવામાં આવી રહી છે. જેની સામે સાયબર સેલ પોલીસ દ્વારા પણ જાગૃતિ અંગે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરતું અમદાવાદમાં OTP ન આપ્યો છતાં પણ બેન્ક ખાતામાંથી ર.૮૦ લાખ ઉપડી ગયાનું સામે આવતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
૩૦ ઓટીપી આવ્યા હતા,
ટેક્નોલોજીના વધી રહેલા ઉપયોગના કારણે સાયબર ક્રાઈમના કિસ્સા પણ વધી રહ્યા છે. અત્યાર સુધીમાં ઓટીપી મેળવીને ઘણા લોકો સાથે છેતરપિંડીની અનેક ઘટના સામે આવી ચૂકી છે, જોકે આ વખતે સાયબર માફિયા આના કરતાં પણ આગળ વધી ગયા છે. અમદાવાદમાં એક સાયબર ક્રાઈમનો અલગ જ કિસ્સો બન્યો છે. નવરંગપુરામાં રહેતી એક વ્યક્તિના ખાતામાંથી ઓટીપી વિના જ ર.૮૦ લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થઈ ગયું. ૩૦ ઓટીપી આવ્યા હતા, પરંતુ આ વ્યક્તિ ઓટીપી ન આપ્યા હોવા છતાં ઠગાઈનાે ભોગ બની હતી.
ર.૮૦ લાખ રૂપિયા ઉપડી ગયા
નવરંગપુરાની અભયનગર સોસાયટીમાં રહેતા સપન દેસાઈએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સપન ખોખરા ખાતે પાસ્તાનો વેપાર કરે છે અને તેમના પિતા શૈલેશભાઇ દેસાઈ સાથે રહે છે.થોડા દિવસ પહેલાં બપોરના સમયે તેમના પિતા શૈલેશભાઈના મોબાઈલમાં ઓટીપી આવ્યા હતા. તેમના મોબાઈલમાં કુલ ૩૦ ઓટીપી આવ્યા હતા.શૈલેશભાઇએ કોઈને ઓટીપી આપ્યો ન હતો. તેમ છતાં તેમના ખાતામાંથી કુલ ર.૮૦ લાખ રૂપિયા ઉપડી ગયા હતા.શૈલેશભાઈની જાણ બહાર કોઈ ગઠિયાએ ઓટીપી વગર તેમના ખાતામાંથી રૂપિયા સેરવી લીધા હતા, જેથી આ વાતની જાણ સપનને થતાં તેમણે તરત બેન્કમાં એકાઉન્ટ બ્લોક કરાવી દીધું હતું. સપને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.