national pune serum institute produces 65 percent of the world vaccine
ઉત્પાદન /
કોરોનાની રસી ભલે આખું વિશ્વ શોધી કાઢે પરંતુ પ્રોડક્શન માટે ભારત સિવાય કોઈ વિકલ્પ નહીં, જાણો કેમ?
Team VTV08:22 PM, 27 Nov 20
| Updated: 08:25 PM, 27 Nov 20
ભારતને કોરોના વેક્સિન બનાવવા માટે જે સિરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા પાસે સૌથી વધારે આશા છે, તેની બનાવેલી અન્ય વેક્સિન દુનિયાના ૬૫ ટકા બાળકોનાં કામમાં આવે છે.
વડા પ્રધાન મોદી ૨૮ નવેમ્બરે સિરમ ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત લઈને વેક્સિનની તૈયારીઓનું નિરીક્ષણ કરવાના છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના ૧૯૬૬માં સાયરસ પૂનાવાલાએ કરી હતી. તે અત્યારે ભારતની નંબર વન બાયોટેકનોલોજી કંપની બની ચૂકી છે. વેક્સિન અને રોગ પ્રતિકારક દવાઓનું ઉત્પાદન કરનારી તે દુનિયાની નંબર વન કંપની છે.
વેક્સિનના ૧.૫ કરોડ ડોઝ દર વર્ષે તૈયાર થાય છે
અહીં પોલિયોની સાથે સાથે ડિપ્થેરિયા, ટિટનેસ, એચઆઈવી, બીસીજી, હેપેટાઈટિસ-બી અને રૂબેલા વગેરેની વેક્સિનના ૧.૫ કરોડ ડોઝ દર વર્ષે તૈયાર થાય છે. ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકાની સાથે મળીને કોરોના વેક્સિનનું ઉત્પાદન પણ આ કંપની મોટી માત્રામાં કરી શકે છે, જેનો ઉપયોગ માત્ર ભારત જ નહીં પરંતુ અનેક બીજા દેશોમાં પણ થઈ શકે છે.
સિરમ ઈન્સ્ટિટ્યૂટમાં બનેલી વેક્સિનને WHOની માન્યતા મળેલી છે
સિરમ ઈન્સ્ટિટ્યૂટમાં બનેલી વેક્સિનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) પાસેથી માન્યતા મળેલી છે. ૧૭૦થી વધારે દેશ તેનો ઉપયોગ કરે છે. દેશને સસ્તી કિંમત પર જીવન ઉપયોગી વેક્સિન ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી સ્થાપિત આ કંપની ટિટનેસ એન્ટી ટોક્સિન ઉપરાંત સર્પદંશની દવાઓનું ઉત્પાદન કરે છે. સપ્ટેમ્બર ૨૦૧૯માં સિરમ ઈન્સ્ટિટ્યૂટે પુણેમાં જ પોતાની બહુઆયામી અત્યાધુનિક વેક્સિન ઉત્પાદન એકમ શરૂ કર્યું છે. લગભગ ૩,૦૦૦ કરોડના ખર્ચથી તૈયાર આ યુનિટ હવે મોટાપાયે કોરોના વેક્સિનના ઉત્પાદનમાં સહાયક બનશે.
સિરમ ઈન્સ્ટિટ્યૂટની ઉત્પાદન ક્ષમતાને જોતાં જ વૈશ્વિક દવા નિર્માતા કંપની એસ્ટ્રાજેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીએ તેની સાથે કોરોના વેક્સિનના ઉત્પાદનનો કરાર કર્યો છે. સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને જે સાત ફર્મને કોરોના વેક્સિનની પ્રી-ક્લિનિકિલ ટ્રાયલ અને વિશ્લેષણની અનુમતિ આપી છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટ તેમાંથી એક છે.
કોવિશિલ્ડ વેક્સિન પર રિસર્ચ તેના અંતિમ તબક્કામાં
હવે કોવિશિલ્ડ નામની આ વેક્સિન પર રિસર્ચ તેના અંતિમ તબક્કામાં છે. અને માનવામાં આવી રહ્યું છે કે એસ્ટ્રાજેનેકા-ઓક્સફર્ડની વેક્સિન ભારતના લોકો માટે વધારે ઉપયોગી બની શકે છે. તે ઉપરાંત સિરમ ઈન્સ્ટિટ્યૂટનું વિતરણ નેટવર્ક ઘણું મોટું હોવાના કારણે તે વિશ્વના અનેક દેશોમાં પણ કામમાં આવી શકે છે.