બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:11 AM, 19 March 2025
સતત ઘણી બધી ચૂંટણીઓમાં હારનો સામનો કર્યા પછી કોંગ્રેસ પાર્ટી હવે પોતાના સંગઠનને મુજબૂત કરવા માટે વિચારી રહી છે ત્યારે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીએ દેશભરના 700 જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો સાથે 3 દિવસની બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠક 27-28 માર્ચ અને 3 એપ્રિલના રોજ નવી દિલ્હીમાં ત્રણ બેચમાં યોજાશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય એક નવું સંગઠનાત્મક માળખું અમલમાં મૂકવાનો છે જે પાયાના સ્તરે પાર્ટી મશીનરીને મજબૂત બનાવશે.
ADVERTISEMENT
પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાં પહેલા લાગુ કરાશે
આ બેઠક 16 વર્ષ પછી યોજાઈ રહી છે. જેને કોંગ્રેસ માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પહેલનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. જ્યાં 2027માં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. બેઠકમાં ઉમેદવારોની પસંદગી અને સંગઠનને મજબૂત બનાવવામાં ડીસીસી પ્રમુખોને મહત્વપૂર્ણ ભૂમિકા આપવા પર ભાર મૂકવામાં આવશે.
ADVERTISEMENT
આ નિર્ણય AICCના મહાસચિવો અને પ્રભારીઓની બેઠકમાં લેવામાં આવ્યો હતો. જેમાં પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કેટલાક નેતાઓના અનૌપચારિક જૂથ દ્વારા તૈયાર કરાયેલ સંગઠનાત્મક મજબૂતીકરણની રૂપરેખા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે "આ બેઠક આપણા જિલ્લા એકમોને સશક્ત બનાવવા અને સંગઠનને નવી દિશા આપવા માટે એક ઐતિહાસિક પગલું છે. અમારો ઉદ્દેશ્ય પાયાના સ્તરે પાર્ટીની તાકાત વધારવાનો છે."
અન્ય રાજ્યોમાં પણ અમલમાં મૂકવાની યોજના
પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે આ બેઠક દ્વારા કોંગ્રેસ પોતાની રણનીતિને વધુ અસરકારક બનાવવા માંગે છે. ખાસ કરીને એવા રાજ્યોમાં જ્યાં વિધાનસભાની ચૂંટણીઓ ટૂંક સમયમાં યોજાવાની છે. ગુજરાતમાં આ પાયલોટ પ્રોજેક્ટની સફળતાના આધારે અન્ય રાજ્યોમાં પણ તેનો અમલ કરવાની યોજના છે. આ પગલાને કોંગ્રેસના સંગઠનાત્મક માળખામાં ફેરફાર કરવા અને ગ્રાઉન્ડ લેવલના કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર કરવાના પ્રયાસ તરીકે ગણવામાં આવી રહ્યું છે. આ બેઠકના પરિણામો આગામી દિવસોમાં પાર્ટીની ભાવિ રણનીતિ પર ઊંડી અસર કરી શકે છે.
કોંગ્રેસનું ધ્યાન ગુજરાત પર કેમ વધારે છે?
ગુજરાત છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીનો મજબૂત ગઢ રહ્યો છે અને તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય પણ છે. જો કોંગ્રેસ ગુજરાતમાં સફળતા મેળવે છે તો તે ભાજપની અજેય છબીને પડકાર આપી શકે છે અને રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસની સ્થિતિ મજબૂત કરી શકે છે. વધુમાં ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા દિગ્ગજ કોંગ્રેસ નેતાઓનું જન્મસ્થળ છે. આ નેતાઓએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને કોંગ્રેસનો પાયો મજબૂત બનાવ્યો હતો. ગુજરાતમાં વાપસી એ પક્ષના મૂળ સાથેના પુનઃ જોડાણ અને તેના ઐતિહાસિક ગૌરવના પુનરુત્થાનનું પ્રતીક છે.
આ પણ વાંચો: ચાર ધામ જનારા યાત્રિકો માટે લેવાયો મહત્વનો નિર્ણય, હવેથી ભક્તોને નહીં સર્જાય આ મુશ્કેલી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.