Saturday, July 20, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

સુરત / ગોડસેના જન્મદિવસની ઉજવણીને લઇને વિવાદ, 8 શખ્સોની ધરપકડ, કોંગ્રેસના પ્રહાર

ગોડસેના જન્મદિવસની ઉજવણીને લઇને વિવાદ, 8 શખ્સોની ધરપકડ, કોંગ્રેસના પ્રહાર

ભારતના રાષ્ટ્રપિતા અને દેશને આઝાદ કરાવવામાં મહત્વનો ફાળો ભજવનાર મહાત્મા ગાંધીજીની હત્યા કરનાર નથુરામ ગોડશેની 109મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. સુરતના લીંબાયત ખાતે અખિલ ભારતીય હિન્દૂ મહાસભા દ્વારા પંચમુંખી હનુમાનજીના મંદિર ખાતે 109 દિવા પ્રગટાવી અને 109 લાડુનો પ્રસાદ ધરાવી તેમના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી.

નાથુરામ ગોડસેના 109માં જન્મ દિવસની ઉજવણી
વર્ષ 1947માં આપનો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો. દેશને આઝાદ કરાવવામાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પોતાનો સિંહફાળો આપ્યો. મહાત્મા ગાંધીની હત્યા અખિલ ભારતીય હિન્દૂ મહાસભાના પ્રણેતા નાથુરામ ગોડસે દ્વારા કરવામાં આવી હતી. પરંતુ તેજ નાથુરામ ગોડશેની આજે પણ પૂજા થઈ રહી છે. સુરતના લીંબાયત વિસ્તારમાં ગુજરાત અખિલ ભારતીય હિન્દૂ મહાસભાના યુવાઓ દ્વારા નાથુરામ ગોડસેના 109માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી. નાથુરામ ગોડસેના જન્મ દિવસને લઇ લીબાયત સ્થિત હનુમાનજીના મંદિરમાં 109 દિવા પ્રગટાવી અને 109 કિલોનો લાડુનો પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો. હિન્દૂ મહાસભાના યુવા નેતા હિરેન મુશરાએ જણાવ્યું કે, ગોડસેએ ગાંધીની હત્યા કરી તે એક અલગ વાત છે. પરંતુ ગાંધીની જે નીતિ અને વિચારધારા હતી, તેના કારણે હિંદુઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હતો. ગાંધીની અહિંસાવાળી નીતિનો નાથુરામ ગોડસેને વિરોધ હતો. જેથી હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા તેમણે ગાંધીજીની હત્યા નહીં પરંતુ વધ કર્યો હતો.

ગાંધી વિચારધારા ધરાવતા લોકોમાં રોષ
ભારતના જે રાષ્ટ્રપિતા એ દેશને આઝાદ કરાવ્યો, તેજ રાષ્ટ્રપિતાના હત્યારા નાથુરામ ગોડસેની આજે પણ પૂજા અને તેનું સન્માન કરવામાં આવી રહ્યું છે. જો કે ગાંધીજીના હત્યારા ગોડસેની સુરત ખાતે જે પ્રકારે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી તેને લઈ ગાંધી વિચારધારા ધરાવતા લોકોમાં એક રોષની લાગણી પણ પ્રવર્તી રહી છે.

લિંબાયત પોલીસે 8 શખ્સોની અટકાયત કરીઃ સૂત્રો
સુરતમાં ગોડસેના જન્મ દિવસની ઉજવણીને પગલે ભારે વિવાદ સર્જાયો છે. જેને લઈને લિંબાયત પોલીસે 8 શખ્સોની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ સુરતના લિંબાયતમાં નથુરામ ગોડસેની 109મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. લિંબાયત ખાતે ગુજરાત અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા પંચમુંખી હનુમાનજીના મંદિર ખાતે 109 દિવા પ્રગટાવી અને 109 લાડુનો પ્રસાદ ધરાવી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

કોંગ્રેસે ભાજપ પર કર્યા પ્રહાર
સુરતમાં ગોડસેના જન્મદિન નિમિત્તે ઉજવણી કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કર્યો કે શું આ ભાજપ અને RSSનો રાષ્ટ્રવાદ છે. શું સરકાર અને ભાજપની મિલીભગતથી ગોડસેના વિચારો ફેલાવાઈ રહ્યા છે. કોંગ્રેસ નેતા મનિષ દોશીએ ભાજપના નેતાઓ દ્વારા આવી વિચારધારા ફેલાવવાનો આક્ષેપ કર્યો છે. 

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપની સરકાર ગુજરાતમાં વારંવાર ગાંધીનું અપમાન કરે છે. ગોડસેના જન્મદિવસની ઉજવણી કરનારા સામે કાર્યવાહી થવી જોઈએ.

DyCMની પ્રતિક્રિયા
ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મામલાને ગંભીર ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે ગાંધીજીના સમ્માન માટે ભાજપે ઘણું કર્યું છે. આવું જરાય પણ ચલાવી લેવામાં નહીં આવે.

મહત્વનું છે કે, મહાત્મા ગાંધીજીની ગોળીઓ મારી હત્યા કરનારા નથુરામ ગોડસેને લઈને થોડા દિવસ પહેલા લોકસભાની ચૂંટણીમાં પણ ભારે વિવાદ થયો હતો. જેમાં સાધ્વી પ્રજ્ઞાએ ગોડસેને દેશભક્ત કહીને વિવાદ ઉભો કર્યો હતો. જો કે ફરી એકવાર ગાંધીજીના ગુજરાતમાં ગોડસેના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવતાં વિવાદ સર્જાયો છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ